અમેરિકાએ ચીન પર 20 ટકા ટેરિફ લાદ્યા બાદ ચીને પણ જવાબી કાર્યવાહીના ભાગરૂપે અમેરિકાની પ્રોડક્ટ્સ પર 10થી 15 ટકા સુધી ટેરિફ લાદવાની જાહેરાત કરી છે. આ ટેરિફ 10 માર્ચથી લાગુ થશે. ચીને વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન સમક્ષ ટ્રમ્પની ટેરિફ નીતિ વિરૂદ્ધ ફરિયાદ પણ નોંધાવી છે. ચીનના નાણા મંત્રાલયે આ અંગે માહિતી આપી હતી.
ચીનના નાણા મંત્રાલયે જણાવ્યું હતું કે, ‘આ ટેરિફ અમેરિકામાંથી આયાત થતાં ઘઉં, મકાઈ, કપાસ સહિત ટોચની અમેરિકન પ્રોડક્ટ્સ પર લાગુ થશે. આ નિર્ણયથી વિશ્વની બે ટોચની અર્થવ્યવસ્થા વચ્ચે ટ્રેડવોર શરૂ થયુ છે. ચીનનો આ નિર્ણય અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ચીન પર 20 ટકા ટેરિફ લાદવાના આદેશ બાદ લેવાયો છે. અમેરિકામાંથી આયાત થતાં ઘઉં, મકાઈ અને કપાસની આયાત પર 15 ટકા, જ્યારે જુવાર, સોયાબિન, ફળો, શાકભાજી અને ડેરી સહિતની પ્રોડક્ટ્સ પર 10 ટકા ટેરિફ લાદવામાં આવશે.’
- Advertisement -
વિશ્વમાં ટ્રેડવોર છેડાયું
અમેરિકાએ આજથી કેનેડા, મેક્સિકો તથા ચીનમાંથી આયાત પર ટેરિફ લાગુ કરતાં જ આ દેશોએ પણ સામે ટેરિફ લાદવાની જાહેરાત કરી છે. કેનેડાએ પણ અમેરિકાની 125 અબજ ડોલરની પ્રોડક્ટ્સ પર 25 ટકા ટેરિફ લાદવાની જાહેરાત કરી છે. મેક્સિકો પણ ઠોસ પગલાં લેતાં ટેરિફ લાદશે. ટ્રમ્પના ટેરિફ વોરથી વિશ્વભરમાં ટ્રેડવોર છેડાયું છે. અમેરિકાએ ચીનની પ્રોડક્ટ્સ પર ટેરિફ વધારી બમણો કર્યો છે. ટ્રમ્પ માને છે કે, ટેરિફ દેશની સમસ્યાઓને ઉકેલી શકે છે. પરંતુ તેનાથી વિશ્વભરમાં ફુગાવાની સ્થિતિ સર્જાવાની ભીતિ અર્થશાસ્ત્રીઓ વ્યક્ત કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે, ટ્રમ્પ બીજી માર્ચથી રેસિપ્રોકલ ટેરિફ પણ લાગુ કરશે. ટ્રમ્પે કહ્યું કે, ટેરિફ એ એક શક્તિશાળી હથિયાર છે, જેનો રાજનેતાઓએ ઉપયોગ કર્યો નથી. કારણકે, તેઓ મૂર્ખ હતાં, અપ્રમાણિક હતાં. તેઓ પોતે પૈસા કમાવા નેતા બન્યા હતાં.
અમેરિકાની 25 કંપનીઓ પર પ્રતિબંધ
- Advertisement -
ચીને ટેરિફ ઉપરાંત અમેરિકાની 25 કંપનીઓ પર નિકાસ અને રોકાણ પ્રતિબંધ પણ લાદ્યો છે. ચીને જણાવ્યું હતું કે, ‘રાષ્ટ્રીય સુરક્ષાના હિતમાં ચીન અમેરિકાની 25 કંપનીઓ પર નિકાસ અને રોકાણ પ્રતિબંધ લાદ્યો છે. આ કંપનીઓ તાઈવાનને હથિયારો વેચે છે. ચીને અમેરિકા પર વિશ્વની સૌથી કડક એન્ટી ડ્રગ પોલિસી હોવાનો તેમજ ફેન્ટાનાઇલ બ્લેકમેઈલ કરવાનો આરોપ મૂક્યો હતો.’ બીજી તરફ નિષ્ણાતોએ જણાવ્યું હતું કે, ચીનના સત્તાધીશો ઈચ્છે છે કે, ટ્રમ્પ પ્રશાસન વાટાઘાટો મારફત આ ટેરિફનો મામલો ઉકેલે. પરંતુ ટ્રમ્પ કોઈની વાત સાંભળવા તૈયાર જણાઈ રહ્યા નથી.