રાજકોટ સમુહ લગ્નની ચોંકાવનારી ઘટના બાદ સેવાભાવીઓનો માનવતાવાદી અભિગમ
કરિયાવરમાં બાકી રહેતા કપલો 9327677377 પર સંપર્ક કરે
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.24
રાજકોટમાં તા.22 ફેબ્રુઆરીએ ઋષિવંશી સમાજ સેવા સંઘના નેજા હેઠળના સર્વજ્ઞાતિ સમૂહલગ્ન હતાં. 28 વરઘોડિયા સાથેની જાન જ્યારે લગ્ન સ્થળે પહોંચી ત્યારે અહીં કોઈપણ પ્રકારનું આયોજન નહોતું. જાન લઈને આવેલા લોકોએ તપાસ કરતા સમૂહલગ્નના આયોજકો પૈસા લઈને ફરાર થઈ ગયાની જાણ થઈ હતી. ભારે હોબાળો થતા પોલીસ દોડી આવી હતી અને કેટલાંક વર-વધુના લગ્ન કરાવ્યાં હતાં. આ ઘટના બાદ અનેક સેવાભાવી લોકો પણ સામે આવ્યા છે અને પોતાનાથી બનતી મદદ કરી છે. સાવરકુંડલાના કૃણાલભાઈ ચોલેરાએ તમામ 28 દંપતીઓ માટે કરિયાવરની વ્યવસ્થા કરી છે. તેમાં ગેસનો ચૂલો, મિક્ષ્ચર, કુકર અને બ્લેન્ડરની સેવા કરી માનવતાવાદી અભિગમ દાખવ્યો છે. 28માંથી અંદાજે 18 જેટલા દંપતીઓનો સંપર્ક કરીને આ ચાર વસ્તુઓનો સેટ આપી દેવાયો છે. તેમજ બાકી રહેલા 10 જેટલા દંપતીઓનો સંપર્ક કરવામાં આવી રહ્યો છે. કૃણાલભાઈએ ખાસ-ખબર સાથેની વાતચિતમાં જણાવ્યું છે કે, બાકી રહેતા દંપતીઓ 9327677377 મોબાઈલ નંબર પર સીધો સંપર્ક કરી શકે છે. તેમજ દંપતી પરિવાર જ્યાં હશે ત્યાં કૃણાલભાઈ તેમના સ્વખર્ચે આ ચાર વસ્તુઓનો સેટ પહોંચાડી દેશે. કૃણાલભાઈના આ માનવતાવાદી અભિગમની ઠેર-ઠેર પ્રસંશા થઇ રહી છે.



