કાર્તિક મહેતા
ભાન્ડ શબ્દનું મૂળ ભન્ડમાં છે. ભ્ન્ડ એટલે નિર્લજ્જ. કળાના છ રસો પૈકી એક રસ બિભત્સ રસ છે. લોકોને બિભત્સ રસ માણવો ગમે છે. દરેક માણસ અંદર ખાને ભિબત્સ રસને થોડા કે ઘણાં અંશે પસંદ કરતો હોય છે. બિભતસ રસ પીરસવા માટે આવશ્યક છે કે કલાકારે નિર્લજ્જ થવું પડે, લાજનો ત્યાગ કરવો પડે.
- Advertisement -
આચાર્ય ચતુરસેન નામનાં એક વિદ્વાન હિન્દી સાહિત્યકાર થયા એમણે એક લાંબી પણ અતિ રસપ્રદ નવલકથા લખેલી જેનું નામ હતું : સોના ઔર ખૂન. આ અત્યંત લાંબી નવલકથામાં આચાર્ય ચતુરસેને અંગ્રેજોના સમયમાં ભારતમાં થતા લગ્નો નું તાદૃશ્ય વર્ણન કરેલું છે. જેમાં ચતુરસેન કહે છે કે ભારતમાં લગ્નો એ સમયે પણ ખૂબ ધામધૂમથી કરવામાં આવતા. લગ્નો કેટલાય દિવસો ચાલતા અને એમાં અનેક પ્રકારના મનોરંજનના માધ્યમ ઉપલબ્ધ રહેતા. લગ્નો સમયે ફટાણાં ગવાતા જેમાં અત્યંત અશ્લીલ શબ્દો અને બાબતોનો ઉલ્લેખ થતો. લગ્નોમાં નાચવા અને ગાવા માટે અનેક કલાકારો આવતા. અમુક લોકોને ખાસ વલ્ગર હાસ્ય પીરસવા માટે બોલાવવામાં આવતા. આ લોકો અત્યંત ગલીચ, ગંદી, અશ્લીલ અને ખાસ તો સેક્સ્યુઅલ ગાળો બોલીને લોકોને ખૂબ હસાવતા. આ કલાકારો જાનૈયા થી લઈને વધુ પક્ષ એમ બેય પક્ષોના તમામ લોકોને ઉઘાડી ગાળો આપતા. પણ આ ગાળોને હળવાશથી લેવામાં આવતી. લોકો એમની ગાળો સાંભળીને ઠહાકા મારીને હસતા. આમ ગાળોથી કે અશ્લીલતા થી મનોરંજન મેળવવુ કે હાસ્ય પેદા કરવું આપણી માટે નવું નથી. ભોજપુરી ફિલ્મો કે હિન્દી ફિલ્મોની અમુક ફ્રેંચાઈઝ ખાસ આવી અશ્લીલ કોમેડી માટે પ્રખ્યાત છે. હમણાં ઇન્ડીયા ગોટ લેટન્ટ નામનો એક શો ચર્ચામાં છે. થયું એવું કે ઇન્ડિયા ગોટ લેટન્ટ નામનાં આ ફારસ (ભદ્દી કોમેડી) ના શોમાં એક ગંદી કમેન્ટ થઈ. આ ભદ્દો શો આમેય લોકોના અમુક વર્ગમાં બહુ
જાણીતો હતો જેઓ ગંદી, વલ્ગર, ફૂવડ અને હલકી પ્રકારની હ્યુમર પસંદ કરતા હોય.આ કમેન્ટ કરવા વાળો જાણીતો પોડકાસ્ટર અને યુટ્યુબર રણબીર આલાહબાદિયા હતો જેની છાપ એક સજ્જન માણસ તરીકેની રહી હતી. સ્વયં પ્રધાનમંત્રીના કરકમલોથી એને એવોર્ડ પ્રાપ્ત થયો છે. અનેક મંત્રીઓ અને સીલેબ્રીટી એના પોડકાસ્ટ માં પધારવા માટે આતુર રહેતા (એવું કહેવાય છે) . આથી, એક વલ્ગર કોમેડી પીરસતા શોમાં રણવીર જાય તે વાત પણ એના ચાહકોને આંચકો આપે એવી હતી. વળી એમાં રણવીર ને શું તાન ચડ્યું કે ભાઈએ એક એવી મજાક કરી કે જે જાહેરમાં બોલી તો શું પણ લખી પણ શકાય એવી નહોતી. રણવીર ની આ મજાક ખૂબ વાયરલ થઈ ગઈ અને લોકોએ એના ઉપર પસ્તાળ પાડી. કહો કે એના ઉપર આભ તુટી પડ્યું.
અનેક રાજકારણીઓ એ પણ આ ઘટના બાબત રણવીર ની ટીકા કરી. દેશભરમાંથી એના વિરૂદ્ધ અનેક એફ આઇ આર પણ થઈ. છેવટે થયું એવું કે રણવીરે એક વીડિયો બનાવીને ક્ષમા માંગી અને સુપ્રીમ કોર્ટમાં જઇને તે પોતાના ઉપર થતી કાર્યવાહી માટે સ્ટે લઈ આવ્યો. આ વલ્ગર શો ઘણાં સમયથી ચાલતો હતો અને એમાં થતી મજાકો ઘણી નબળી કક્ષાની રહેતી પણ જેમ નબળી ફિલ્મો કે નબળી વાતો જોવા સાંભળવા વાળો એક વર્ગ હોય છે એમ આ શોનો પણ એક આગવો ચાહક વર્ગ હતો. પછી તો આ શોના તમામ એપિસોડ પણ સરકારી આદેશથી દૂર કરવામાં આવ્યા.
ઇન્ડીયા ગોટ લેટન્ટ માં હમેશા વલ્ગર કોમેડી થતી. ગાળો નો પ્રયોગ સહજ હતો.બિલો ધ બેલ્ટ પ્રકારની કોમેડી તો ઠીક પણ ડાર્ક હયુમર તરીકે ઓળખાતી આળા લોકોની લાગણી દુભાઈ શકે એવી કોમેડી પણ એમાં ભરપૂર થતી. ઓનલાઇન ક્ધટેન્ટ વાણી સ્વાતંત્ર્ય બાબતે ખૂબ મોકળાશ ધરાવે છે આથી લોકોને એનાથી ખાસ તકલીફ નહોતી પણ એક એપિસોડ કે જેમાં જાણીતો પોડકાસ્ટર/યુટયુબર રણવીર આવ્યો અને એણે એક અત્યંત વલ્ગર રીમાર્ક કરી તે વાયરલ થઈ અને આખા શો ની પનોતી બેસી ગઈ. આ જ એપિસોડ માં એક છોકરી (કે જે પોતાને એક હાસ્ય કલાકાર ગણાવે છે) એ જે કમેન્ટ કરેલી તે અમુક લોકો સાંભળી લે તો આઘાત લાગી જાય એટલી હદે ખરાબ હતી.
- Advertisement -
હવે મહત્વની વાત : ભલે ગાળો થી હાસ્ય પેદા કરવું, સેક્સી વાતો કરીને એના જોક કરવા વગેરે આપણે ત્યાં બહુ સામાન્ય હતું પણ આ પ્રકારના શો આપણે ત્યાં અમેરિકાથી આવેલા છે. આપણા બધા રિયાલિટી શો થી લઈને ફિલ્મો , સાંસ્કૃતિ બધું જ અમેરિકાથી પ્રભાવિત થઈ રહ્યું છે. આ શો પણ એક અમેરિકન શોથી પ્રભાવિત હતો. વધુ નવાઈની વાત એ છે કે રણવીરે જે ગંદી કમેન્ટ કરી તે પણ એની મૌલિક કમેન્ટ નહોતી. તે કમેન્ટ પણ રણવીરે એક અમેરિકન શો માંથી શબ્દશ: ઉપાડેલી હતી!!
કેટલી હદે આપણું અમેરિકીકરણ કરવામાં આવી રહ્યું છે તે અહીંયા નોંધવા જેવું!!
ભલે આ પ્રકારના શોઝ સમાજના સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે, એની માટે એની ટીકા થવી જ જોઈએ પણ ટીકા સુધી ઠીક છે. સારી એવી ટીકા થશે તો આપોઆપ આવા શો બંધ થઈ જશે. ટીકા કરવાથી બોલીવુડ જેવા બોલીવુડ ની દુકાન પર શટર પડી જતા હોય તો આ તો સામાન્ય યુટ્યુબ ચેનલ હતી. પણ એનો અર્થ એમ નથી કે લોકો બધું ભૂલીને આવા શોઝની પાછળ પડી જાય.
લોકોને જ્યારે ખીજ ચડે છે ત્યારે કા તો લોકો અંદર અંદર ધર્મ કે જાતિ કે વર્ણ કે પ્રદેશ કે ભાષાને નામે ઝઘડે છે અને કા તો કલાકાર ઉપર એમની ખીજ ઉતારે છે. ખરેખર એમના દુશ્મન કોઈ ધર્મ જાતિ ભાષા કે પ્રદેશના એમની જેવા લોકો નથી કે કલાકાર જેવા સાવ હથિયાર વિહીન લોકો નથી. લોકોના દુશ્મન અસ્વચ્છતા, નિરક્ષરતા, ગરીબી, બેરોજગારી અને બેફામ ભ્રષ્ટાચાર છે. ગાળોથી હાસ્ય પેદા કરતા લોકો ભલે દોષિત છે પણ એનાથી ક્યાંય વધુ દોષિતો સમાજમાં સફેદ કપડા પહેરીને ફરે છે અને ઘણી વાર તો પૂજાય પણ છે.