નવીન ચાંડપાએ ફરી લખ્ખણ ઝળકાવ્યા
આજીડેમ પોલીસે ગુનો દાખલ કરી આરોપીની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
શહેરની ભાગોળે ભાવનગર રોડ પર આવેલ કાળીપાટ ગામે કરોડોની જમીનનું રૂ.12,00,000 આપી સાદુ લખાણ કરાવી જમીન પચાવી પાડવા દલાલે કારસ્તાન રચ્યું હતું. ખેડૂતને સમગ્ર કૌભાંડનો ખ્યાલ આવી જતા જમીન વેચવાનો ઇનકાર કર્યો. જેના પગલે દલાલ સહિત બે શખ્સોએ ખેડૂતને બેફામ ગાળો ભાંડી જાનથી મારી નાખવાની ધમકી આપી. જેની ફરિયાદ આજીડેમ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. આ અંગે કાળીપાટના યુવાને આજીડેમ પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે મારું નામ ધર્મેશભાઈ પોપટભાઈ લુણસિયા છે. રૂબરૂમાં પોલીસ સ્ટેશન આવી મારી ફરીયાદની હકીકત લખાવું છું કે હું અહીં જણાવેલ સરનામે મારા પરિવાર સાથે રહું છું અને છૂટક મજુરીકામ કરૂ છું. મારા તથા મારા મોટાભાઇ પ્રેમજીભાઈ વાલજીભાઈ ગુણસીયાના નામે કાળીપાટ ગામના સર્વે નંબર 200 પૈકી 10 ખાતા નંબર 50થી જમીન આવેલ છે. જે જમીન પૈકી અમોએ જમીનનો અમુક હિસ્સો અમારા ગામના અને અમારા સમાજના અને હાલ સાયમ પાર્ક રાજકોટ ખાતે રહેતા નવીનભાઈ ચકુભાઇ ચાંડપાને વેચવા માટે આજથી આશરે ત્રણેક વર્ષ પહેલા સાદુ લખાણ કરેલ હતું. તેઓની પાસેથી અમો બન્ને ભાઇઓએ કટકે-કટકે આશરે રૂપીયા 12,00,000/- લીધેલ હતા. બાદમાં અમોએ આ અમારી જમીન તેઓને વેચવી ન હોવાથી ના પાડેલ હતી. તેમજ આ જમીનનો કબજો હાલમાં અમારી પાસે છે.
તારીખ-19/02/2025 ના રાત્રીના હું મારા ઉપરોકત જણાવ્યા મુજબના ઘરે હાજર હતો ત્યારે રાત્રીના પોણા આઠેક વાગ્યે મારા મોબાઇલ નંબર 9638585106 ઉપર નવીનભાઇ ચકુભાઇ ચાંડપાનો તેમના મોબાઇલ નંબર 00249 20710 પરથી મને ફોન આવેલ. જેમાં નવીનભાઇ મને જેમફાવે તેમ મા-બહેનની ગાળો આપવા લાગ્યા. સાથે જ કહ્યું કે, “તમારે જમીન વેચવાની છે કે નહીં ? જો જમીન ના વેચવી હોય તો મારા નીકળતા રૂપીયા મને આપી દે અને મને મારા નીકળતા રૂપીયા નહિ આપો તો હું તને અને તારા ભાઈ પ્રેમજી બન્નેને જાનથી મારી નાખીશ.” તેવી ધમકી આપેલ અને ત્યા તેમની સાથે રહેલ લખન સહોડ જે પાડાસણ ગામ તા.જી.રાજકોટ ખાતે રહે છે, તે પણ ફોનમાં મને જેમફાવે તેમ ગાળો દેવા લાગ્યો. જેથી મેં ફોન કાપી નાખેલ અને મે મારા મોટા બાપુના દીકરા પ્રેમજીભાઈને વાત કરેલ કે નવીનભાઇ ચાંડપાનો મારા મોબાઇલમાં ફોન આવેલ હતો અને જમીન તથા પૈસા બાબતે મને જેમ ફાવે તેમ મા-બહેનની ગાળો આપી અને આપણને બન્ને ભાઈને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપેલ છે. આ નવીનભાઇ ચાંડપા પાછા મને ફોન કરતા હોય મે ફોન ઉપાડેલ નહીં અને હું તથા મારા ભાઇ પ્રેમજીભાઇ અહીં આજીડેમ પોલીસ સ્ટેશને નવીનભાઈ ચાંડપા વિરૂધ્ધ ફરીયાદ કરવા માટે આવતા હતા ત્યારે ફરીવાર રાત્રીના પોણા નવેક વાગ્યે મારા મોબાઇલમાં નવીનભાઈ ચાંડપાનો ફોન આવેલ અને ફરીથી મને જેમફાવે તેમ મા-બહેનની ગાળો આપવા લાગેલ. જેથી મે ફોન કાપી નાખેલ હતો. મારી પોલીસને ફરિયાદ છે કે આ નવીનભાઇ ચકુભાઇ ચાંડપા અને લખન રાઠોડ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરો. ફરિયાદના પગલે આજીડેમ પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ એચ.આર સોલંકીએ ગુનો નોંધી દલાલ સહિત બે શખ્સોની ધરપકડ કરવા તજવીજ શરૂ કરી છે.
નવીન ચાંડપાએ અગાઉ પ્રેમિકા સાથે મળી પત્નીને માર માર્યો હતો
નવીન ચાંડપાના ઘરે ટ્યુશન ક્લાસ કરાવવા આવતી મહિલા પ્રોફેસર પૂજાબેન બંધિયા વચ્ચે આંખ મળી જતા પ્રેમ પાંગર્યો હતો. શહેરમાં 80 ફૂટ રોડ ઉપર આવેલ સત્યમ પાર્કમાં રહેતા જયશ્રીબેન નવીનભાઈ ચાંડપા નામની 41 વર્ષની પરિણીતા ભક્તિનગર સર્કલ પાસે હતી ત્યારે, તેના પતિ નવીન ચાંડપા અને તેની પ્રેમિકા પૂજાબેન બંધીયાએ સાથે મળીને ઝઘડો કરી ઢીકાપાટુનો માર માર્યો હતો. જેમાં જયશ્રીબેન ચાંડપાને ઈજા પહોંચતા તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પ્રાથમિક પૂછપરછમાં હુમલાખોર નવીનભાઈ ચાંડપા 80 ફૂટ રોડ ઉપર શ્રીરામ ટ્રેડિંગ નામનું કારખાનું ધરાવે છે અને તેને સંતાનમાં બે પુત્ર અને બે પુત્રી છે.