સંત સમાજે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના મહાકુંભને ‘મૃત્યુકુંભ’ ગણાવ્યા પર તીખી પ્રતિક્રિયા આપી છે અને મમતાના નિવેદનને સનાતન ધર્મનું અપમાન ગણાવ્યું છે. સંતોએ મમતા બેનર્જીની જાહેરમાં માફી માંગવાની માંગ કરી છે.
પંચાયતી અખાડા મહાનિર્વાણીના રાષ્ટ્રીય સચિવ, મહંત જમુના પુરીએ જણાવ્યું હતું કે, ‘મમતા બેનર્જી જે જવાબદાર હોદ્દા પર છે તે આ પ્રકારનું નિવેદન આપે તે યોગ્ય નથી. પ્રયાગરાજ એ મહાકુંભ અમૃત પર્વ છે, જેની દિવ્યતા અને ભવ્યતા આખી દુનિયાએ જોઈ છે. તેમણે મહાકુંભના નામે આવા અપમાનજનક શબ્દોનો ઉપયોગ ન કરવો જોઈએ.’
- Advertisement -
મમતા બેનર્જીએ ઉત્તરપ્રદેશની નહિ પરંતુ પશ્ચિમ બંગાળની ચિંતા કરવી જોઈએ
પંચ દશનમ આવાહન અખાડાના આચાર્ય મહામંડલેશ્વર સ્વામી અરુણ ગિરીએ તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના સુપ્રીમો મમતા બેનર્જીના નિવેદનની આકરી ટીકા કરી અને કહ્યું, ‘પશ્ચિમ બંગાળ હિન્દુ સનાતનીઓ માટે મૃત્યુનું રાજ્ય બની રહ્યું છે. ચૂંટણી સમયે હજારો સનાતનીઓની હત્યા કરવામાં આવી રહી છે અને લાખો હિન્દુઓને ભાગી જવાની ફરજ પડી છે. તેમણે ઉત્તર પ્રદેશની નહીં પણ પોતાના રાજ્યની ચિંતા કરવી જોઈએ. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ભવ્ય મહાકુંભના આયોજન માટે વિશ્વભરમાંથી પ્રશંસા મળી છે. તેમણે એક ભવ્ય કાર્યક્રમ સાથે નવો ઈતિહાસ રચ્યો છે.’
મમતા બેનર્જીનું નિવેદન સનાતન ધર્મનું અપમાન છે
- Advertisement -
નિર્મોહી અની અખાડાના પ્રમુખ મહંત રાજેન્દ્ર દાસે કહ્યું કે, ‘મમતા બેનર્જીનું નિવેદન સનાતન ધર્મનું અપમાન છે. પ્રયાગરાજ મહાકુંભમાં સનાતન ધર્મની દિવ્યતા ટોચ પર સ્થાપિત થઈ છે. તેઓ મહાકુંભનું મૂલ્યાંકન કરે છે કારણ કે તેમણે હંમેશા સનાતન અને તેના પ્રતીકોનું અપમાન કર્યું છે. આવા નિવેદનો કરીને મમતા બેનર્જી પણ અરવિંદ કેજરીવાલના માર્ગે ચાલી રહ્યા છે અને કેજરીવાલ જેવા જ એમના પણ હાલ થશે.’
મમતાનું નિવેદન તેમની માનસિકતા દર્શાવે છે
મહામંડલેશ્વર ઈશ્વરદાસ મહારાજે કહ્યું કે, ‘મમતા બેનર્જીનું નિવેદન સનાતન ધર્મ વિરુદ્ધ તેમની માનસિકતા દર્શાવે છે. તેમણે આરોપ લગાવ્યો કે TMC સુપ્રીમો હંમેશા સનાતનનો વિરોધ કરે છે અને પશ્ચિમ બંગાળને બીજું બાંગ્લાદેશ બનાવવા માંગે છે.’
તેમજ અયોધ્યા હનુમાન ગઢી મંદિરના મહંત રાજુ દાસે પણ મમતાની આ ટિપ્પણીને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી છે. તેમણે કહ્યું કે, ‘મમતા બેનર્જીએ પોતાના શબ્દો માટે માફી માંગવી જોઈએ.’
મમતા બેનર્જી પોતે મહાકુંભમાં આવે અને પછી બોલે
અખિલ ભારતીય સંત સમિતિના રાષ્ટ્રીય મહાસચિવ સ્વામી જિતેન્દ્રનંદ સરસ્વતીએ કહ્યું, ‘સંત સમાજ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીની સખત નિંદા કરે છે. મહાકુંભ સનાતન સંસ્કૃતિ અને આસ્થાનું પ્રતિક છે.’
જયારે સ્વામી અધોક્ષજાનંદ દેવ તીર્થે કહ્યું, ‘મમતા બેનર્જીએ પોતે પ્રયાગરાજ મહાકુંભમાં આવવું જોઈએ અને તેનું અવલોકન કરવું જોઈએ. મહાકુંભ કહેવાય છે, જેમાં 50 કરોડથી વધુ સનાતનીઓએ પુણ્ય પ્રાપ્ત કર્યું અને દિવ્ય અનુભવ મેળવ્યો, તેને મૃત્યુનો કુંભ કહેવો તે અત્યંત નિંદનીય છે.’