સ્થાનિક રહેવાસીઓની ડિમોલિશન પૂર્વે વૈકલ્પિક જગ્યા આપવા કમિશનરને રજુઆત
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.11
શહેરના ઢેબર સાઉથ પર બાબરીયા કોલોની પાસે આવેલ પરમેશ્વર-3 વિસ્તારમાંથી નીકળતા ટીપીના રોડ પર મકાન બાંધીને રહેતા 19 આસામીને જગ્યા ખાલી કરવા ટીપી શાખાએ નોટીસ ફટકારી છે. તેના પગલે આજે આ મકાન ધારકો મહાપાલિકાએ દોડી આવ્યા હતા અને મ્યુનિ. કમિશનરને રજુઆત કરી હતી.
આ 19 પરિવારના લોકોએ મ્યુનિ. કમિશનર, કલેકટર અને મુખ્યમંત્રીને પત્રથી કરેલી રજુઆતમાં જણાવ્યું છે કે પરમેશ્ર્વર-3માં રાજકોટના સર્વે નં.3રપ પૈકીની જમીનમાં 19 પરિવાર રહે છે. આ જમીન મામલતદાર તરફથી તા. 31-3-1992ના રોજ ફાળવવામાં આવી છે. તેઓ 33 વર્ષથી રહે છે અને શાકભાજીના વેંચાણથી પરિવારનું ભરણપોષણ કરે છે.
- Advertisement -
આ ગરીબ પરિવારોને ટીપી સ્કીમ અંતર્ગત મિલ્કત કપાતની નોટીસ ટીપી શાખાએ આપી છે. આ 19 પૈકી 8 પરિવારના મકાનો પૂરેપૂરા કપાત થાય છે તથા અન્ય 10 પરિવારના મકાન થોડા ઘણા અંશે કપાતમાં જાય છે. એકંદરે એકેય મકાન રહેવા લાયક બનતું નથી. આ જગ્યાના વિકલ્પમાં તેઓને નજીકમાં જ કોઇ વૈકલ્પિક જમીન અથવા આવાસ ફાળવવામાં આવે તેવી માંગણી કમિશનર સમક્ષ રજૂ કરી હતી. વિકલ્પ વગર જો મકાન ખાલી કરાવવામાં આવશે તો પરિવારો આશરા વગરના થઇ જશે. આથી તેઓને કવાર્ટર આપવાની માંગણી કમિશનર સમક્ષ રજુ કરવામાં આવી છે.



