કાલાવડના શિશાંગ ગામે મહિના અગાઉ થયેલી મારમારી બાદ નોંધાયેલા ગુનામાં નવો વળાંક
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના શિશાંગ ગામમાં મહિના પહેલા એક બંધ પડેલી કાર લેવા ગયેલા શખ્સોને ગામના ઉપસરપંચ અને તેના પિતરાઈ ભાઈએ પડકારતાં બબાલ થયેલી હતી. આ ઘટનામાં શિશાંગ ગામમાં રહેતા અને ખેતી કામ કરતા તેમજ ગામના ઉપસરપંચ બળભદ્રસિંહ રઘુભા જાડેજાએ પોતાના ઉપર તેમજ પોતાના પિતરાઈ ભાઈ મયુરસિંહ જયરાજસિંહ જાડેજા ઉપર જીવલેણ હુમલો કરી હત્યાનો પ્રયાસ કરવા અંગે રાજકોટના વતની ચિરાગ પરમાર, હિતેશ, રોહિત અને તેના એક અજાણ્યા સાગરીત સામે ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ પોલીસ દ્વારા તમામ આરોપીની ધરપકડ કરી લેવામાં આવી હતી.
આ દરમિયાન પ્રાપ્ત જાણકારી અનુસાર દોઢ મહિના અગાઉ થયેલી ઘટના બાદ હવે શિશાંગ ગામના ઉપસરપંચ બળભદ્રસિંહ રઘુભા જાડેજાએ એક આરોપી ચિરાગ પરમારને ફોન કરી જાનથી મારી નાખવાની ધમકી આપી છે. ઓડિયામાં સાંભળવા મળે છે એ મુજબ ઉપસરપંચ બળભદ્રસિંહ રઘુભા જાડેજાએ ચિરાગ પરમારને હવે તમને બધાને પતાવી દેવા છે એવું કહી મારી નાખવાની ધમકી આપી છે અને આ ધમકીને પગલે યુવાન ચિરાગ પરમારે ડરી જીવન ટૂંકાવી નાખવાનું પગલું ભર્યું છે. હાલ ચિરાગ પરમાર રાજકોટની ખુશી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ત્યારે સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી છે અને ઝેર પીનાર યુવાનના ભાનમાં આવ્યા બાદ નિવેદન નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવશે.
બળભદ્રસિંહે યુવકને મારી નાંખવાની ધમકી આપ્યાની ઑડિયો ક્લિપ સાંભળવા અહીં ક્લિક કરો…



