નગરપાલિકા દ્વારા સ્વચ્છતાની વાતો માત્ર કાગળ પર થતી હોવાનું પુરવાર
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.1
દેશના વડા પ્રધાન સ્વચ્છ ભારત મિશનનું સ્વપ્ન જોઈ રહ્યા છે પરંતુ સ્થાનિક તંત્ર વડા પ્રધાનના સ્વપ્નને સાકાર કરે તે દિશામાં માત્ર વાતો જ કરી રહ્યું છે. તેવામાં ધ્રાંગધ્રા નગરપાલિકા દ્વારા સ્વચ્છતાના નામે અનેક કાર્યક્રમો કરી બજારના વેપારીઓને દંડ ફટકારતી નજરે પડે છે પરંતુ જ્યારે પોતે શહેરમાં સ્વચ્છતા રાખવાનો મામલો આવે ત્યારે કાર્યવાહી કરવાના જવાબ આપી છટકી જાય છે. ત્યારે ધ્રાંગધ્રા શહેરના ચરમાળીયા ગ્રાઉન્ડ નજીક આવેલ સરકારી પુસ્તકાલય અને તાલુકા પંચાયત કચેરી નજીક છેલા કેટલાક સમયથી ગંદા પાણીનો જમાવડો જીવ મળે છે. આ ગંદા પાણીને રોડ પર ફરી વળ્યા હોવાથી પુસ્તકાલય અને તાલુકા પંચાયત ખાતે આવતા અરજદારોને આ ગંદા પાણી પરથી પસાર થવું પડે છે. જ્યારે ગંદા પાણી કેટલાય સમયથી ભરાયા હોવાના લીધે અતિશય દુર્ગંધ મારે છે જેને લઇ આ બાબતની રજૂઆત પુસ્તકાલય ખાતે આવતા સિનિયર સિટીઝન અને વાચક વર્ગો દ્વારા પાલિકાને પણ કરાઈ હતી પરંતુ સ્થાનિક નગરપાલિકા સ્વચ્છતાના કાર્યક્રમો કરીને પરવારી ગઈ હોવાથી રજૂઆતનો આજદિન સુધી કોઈ ઉકેલ લાવી શકી નથી જેને લઇ ધ્રાંગધ્રા નગરપાલિકા સ્વચ્છતાની માત્ર વાતો કરતી હોવાનું સ્પષ્ટ રીતે પુરવાર થાય છે.