અભિનેત્રી મમતા કુલકર્ણીને મહામંડલેશ્વર બનાવ્યાં પછી, કિન્નર અખાડામાં વિવાદ શરૂ થયો છે. ઋષિ અજય દાસે પોતાને કિન્નર અખાડાના સ્થાપક તરીકે વર્ણવતાં ડો લક્ષ્મી નારાયણ ત્રિપાઠીને અખાડાના આચાર્ય મહામંડલેશ્વરના પદેથી મુક્ત કરવાની વાત કહી છે.
અજય દાસે સવાલ ઉઠાવ્યો કે, 12 કલાકમાં મમતાને કેવી રીતે મહામંડલેશ્વર બનાવવામાં આવી. તેનું મુંડન કેમ ન થયું. બીજી બાજુ, કિન્નર અખાડા ચીફ ડો. લક્ષ્મી નારાયણ ત્રિપાઠી કહે છે કે વર્ષ 2017માં ચરિત્રહીનના આરોપમાં અજય દાસને હાંકી કાઢવામાં આવ્યાં હતાં.
- Advertisement -
તેમણે કહ્યું કે, અમારો તેમની સાથે કોઈ સંબંધ નથી. તેણે લગ્ન કર્યા અને એક પુત્રી છે, તે સંન્યાસી નથી. તેમણે દાવો કર્યો હતો કે તે પોતે કિન્નર અખાડાની સ્થાપક છે.
અખાડા પરિષદ અધ્યક્ષ મહંત રવિન્દ્ર પુરીએ કહ્યું ‘અમે ડો લક્ષ્મી નારાયણ ત્રિપાઠીને જ જાણીએ છીએ, અમે અજય દાસનું નામ સાંભળ્યું નથી. કિન્નર અખાડા જુના અખાડા સાથે છે અને બધાં લક્ષ્મી નારાયણ ત્રિપાઠી સાથે છે, જે લોકો દાવો કરે છે કે આ અખાડો તેને બનાવ્યો તે પહેલાં એ કહે કે તેમણે આ અખાડો ક્યારે બનાવ્યો ? આવાં લોકોને નોટિસ આપવામાં આવશે.’ જુના અખાડાના સંરક્ષક મહંત હરિ ગિરીએ જણાવ્યું કે, અમે બીજા કોઈને ઓળખતાં નથી. તે ચોક્કસપણે છે કે ડો.લક્ષ્મી નારાયણ ત્રિપાઠી સાથે કરાર કરવામાં આવ્યો છે. જેનાં પર તેનાં અખાડાના સભ્યો દ્વારા પણ સહી થયેલ છે. કિન્નર અખાડા અમારી સાથે છે અને રહેશે. જો કોઈ કિન્નરને લઈને બીજો અખાડો બનાવવા માંગતા હોય તો બનાવે. લક્ષ્મી નારાયણ ત્રિપાઠી અને કિન્નર અખાડા અમારી સાથે છે.
2019 માં જૂના સાથે કરાર થયો હતો
કિન્નર અખાડાએ 2019માં પ્રાયાગરાજમાં કુંભમાં પહેલી વાર ભાગ લીધો હતો. તે કુંભ પહેલાં જૂના અખાડા સાથે તેનો કરાર થયો હતો. 2019 માં, આ અખાડો સમગ્ર વિશ્વમાં ચર્ચાનો વિષય બન્યો હતો.
આ અખાડા અમૃત સ્નાન માટે જુના અખાડા સાથે સામેલ થાય છે. ઋષિ અજય દાસે પણ આ કરાર પર સવાલ ઉઠાવ્યાં છે, તેમણે કહ્યું છે કે કરાર અનૈતિક અને છેતરપિંડીવાળો છે.