લોગોમાં શહેરના ખ્યાતનામ જગ્યાઓને સ્થાન અપાયું
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.29
સુરેન્દ્રનગર દૂધરેજ વઢવાણ સંયુક્ત પાલિકા દ્વારા લોકોને વિકાસ કાર્યમાં જોડાવા નવતર પ્રયોગ હાથ ધરાયો છે. જેમાં મહાનગર પાલિકાના લોગોને બનાવવા માટે લોકો પાસેથી સૂચનો મગાવાઇ રહ્યા છે. જ્યારે સૂચિત લોગોમાં યશો ભૂષણમ સર્વદા વર્ધમાનમ સૂત્રને સ્થાન આપવામાં આવ્યું છે. સંયુક્ત પાલિકાને મહાનગર પાલિકા રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયા બાદ કમિશનર, નાયબ કમિશનર સહિત અધિકારીઓની નિમણૂક બાદ ટીમની રચના સાથે મહાનગર પાલિકાના લાભો અપાવવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
- Advertisement -
જેમાં મ્યુનિસિપલ કમિશનર નવનાથ ગવ્હાણે દ્વારા લોકોને મહાનગર પાલિકાના વિકાસમાં ભાગીદાર બનવા માટે તેમના સૂચનો મગાવવાનો નવતર પ્રયોગ હાથ ધરાયો છે. જેમાં સોશિયલ મીડિયા થકી તેઓએ મહાનગર પાલિકાના નવા લોગો બનાવવા લોકો પાસેથી સૂચનો મગાવવામાં આવ્યા છે. જેમાં હાલ નવા સૂચિત લોગોમાં હવા મહેલ, અજરામર ટાવર, તથા વઢવાણના સૂત્ર યશો ભૂષણમ સર્વદા વર્ધમાનમ સૂત્રને સ્થાન આપવામાં આવ્યું છે. આથી જે લોકો પોતાના સૂચનો આપવા માગતા હોય તેમને આવનાર 5 દિવસોમાં સૂચનો મોકલવા જણાવવામાં આવ્યું છે.
વઢવાણ સ્ટેટ જે રજવાડાના સમયે સમયે વર્ધમાન પૂરી નામથી ઓળખાતું હતું. એ વખતના રાજવી દ્વારા વર્ધમાનનગર માટે યશો ભૂષણમ સર્વદા વર્ધમાનમ સૂત્ર અપનાવાયું હતું. વર્ધમાન પૂરી ગામનું સૂત્ર યશરૂપી વર્ધમાન પૂરી સતત વધતું રહે અને વિકાસ થતો રહે તે અર્થ થાય છે. જે વઢવાણના મુખ્ય દરવાજે આજે પણ અંકીત કરેલું છે.