અમદાવાદમાં ડઝન સ્થળોએ ઈન્કમટેકસ દરોડામાં દેશવ્યાપી કૌભાંડ ખૂલવાની શક્યતા
ખાસ-ખબર ન્યૂઝ અમદાવાદ
- Advertisement -
અમદાવાદમાં આવકવેરા વિભાગ દ્વારા ચાલુ કેલેન્ડર વર્ષનું પ્રથમ દરોડા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે અને તે નવતર પ્રકારનું છે.છુપી આવક કે કરચોરી પકડવાનાં બદલે આવકવેરા વિભાગે જુદા જુદા દરોડામાં જપ્ત કરેલી રકમ છોડાવવાનાં કારસ્તાન અંતર્ગત આ કાર્યવાહી કરવામાં આવી છે.
આવકવેરા વિભાગ દ્વારા અમદાવાદમાં સોલા, સાયન્સ સીટી, રતનપોળ, નવરંગપરા, સીજી રોડ જેવા અર્ધોડઝન જેટલા સ્થળોએ એકાદ ડઝન વ્યવસાયિકોની ઓફીસ સહીતનાં ઠેકાણાઓ પર ગઈકાલે બપોરથી તપાસ કાર્યવાહી હાથ ધરી હતી. કૃષિ વ્યવસાય સાથે સંકળાયેલા કમલેશ શાહ ઉપરાંત મીના શાહ, દેવાંગ વ્યાસ, ગૌરાંગ પંચાલ, રમેશ ઠકકર, એનઆરએન્ડ કંપની એનડી ગોલ્ડ જેવા વ્યાવસાયિક પેઢીઓને નિશાન બનાવવામાં આવી હતી. અમદાવાદ ઉપરાંત રાજકોટ સહીતના શહેરોનાં અધિકારીઓની ટીમોને તપાસમાં સામેલ કરવામાં આવી છે. સુત્રોના કહેવા પ્રમાણે આવકવેરા દરોડામાં જપ્તી થતી રકમ કૃષિ આવક દર્શાવીને છોડાવી જવાની મોડસ ઓપરેન્ડી અંતર્ગત આ કાર્યવાહી કરવામાં આવી હતી. જપ્ત રકમ પોતાની હોવાની અને કૃષિ આવક પેટેની હોવાનું દર્શાવીને તે છોડાવવાનું કારસ્તાન થતુ હતું એક કેસમાં અમદાવાદનાં અધિકારીને શંકા જતા તપાસ વ્યાપક બનાવવામાં આવી હતી અને તેમાં સમગ્ર કારસ્તાનનો ભાંડો ફૂટતા આ કાર્યવાહી કરવામાં આવી છે. આ પ્રકારનું કારસ્તાન રાષ્ટ્રવ્યાપી હોવાની શંકા વ્યકિત થઈ રહી છે.