જૂનાગઢનાં સિનિયર એડવોકેટ હેમાબેન શુક્લએ ગુજરાતનાં ચીફ સેક્રેટરીને લખેલાં પત્રમાં ચોંકાવનારી વિગતો
રાણપુરમાં મહેશગિરીએ ગેરકાયદે સ્કૂલનું સાત માળનું બિલ્ડિંગ, ગૌશાળા તથા અનેક બાંધકામો ખડકી દીધાં
- Advertisement -
સરપંચ રવજી હીરા ઊંધાડએ વાંધો લીધો હોવા છતાં કશું જ વળ્યું નહીં
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
જૂનાગઢના ગિરનાર પર્વત પર આવેલા અંબાજી મંદિરના ગાદી વિવાદ બાદ મહેશગિરીની એક પછી એક પોલ ખૂલવાની શરૂ થઈ ચૂકી છે. એવું લાગી રહ્યું છે કે, મહેશગિરીના પાપના પોટલાં ખુલ્યા છે અને તેમાંથી દરરોજ કોઈને કોઈ પાપ બહાર નીકળી છાપરે ચઢી પોકારવા લાગે છે. મહેશગિરીના અંગૂઠા કાંડ સિવાયના અન્ય કાંડ પણ હવે જગજાહેર થવા લાગ્યા છે ત્યારે જૂનાગઢના જ જાગૃત મહિલા એડવોકેટ હેમાબેન શુક્લાએ જાણે ભગવા વેશ પાછળ છૂપાયેલા મહેશગિરીના અસલી ચહેરાને બેનકાબ કરી દીધો હોય તેમ તેમના વિરુદ્ધ પુરાવાસહ અરજીઓ જૂનાગઢ પોલીસથી લઈ ગાંધીનગર સચિવાલય સુધી કરી રહ્યા છે.
- Advertisement -
ગત. તા. 15/12/2024ના રોજ એડવોકેટ હેમાબેન શુક્લાએ ગાંધીનગરમાં ચીફ સેક્રેટરીને જૂનાગઢ જિલ્લાના ભેંસાણ તાલુકાના રાણપુર તથા છોડવડી ગામે મહેશગિરી તથા તેના ટ્રસ્ટ મારફત થયેલી પેશકદમી તથા લેન્ડ ગ્રેબિંગ બાબતની નોટિસ આપી કાર્યવાહી કરવા સૂચવ્યું છે. આ નોટિસમાં મહેશગિરીના અંગૂઠા કાંડ સિવાયના જમીન-મિલ્કતોના કાંડની પણ વિસ્તૃત માહિતી આપેલી છે. જો માત્ર જમીન-મિલ્કતના કાંડની જ વિગત જોઈએ તો એડવોકેટ હેમાબેન શુક્લાએ નોટિસમાં જણાવ્યા અનુસાર ભેંસાણ તાલુકાના રાણપુર મુકામે રાણેશ્ર્વર મંદિર ટ્રસ્ટ તથા મહંત મહેશગિરી વગેરે દ્વારા સ્ફૂલનું સાત માળનું બિલ્ડીંગ, ગૌશાળા મંદિરની અંદરના બાંધકામો વગેરે તમામ બાંધકામ કોઈપણ જાતની મંજૂરી વગરના અને ગ્રામપંચાયતની જમીન ઉપર પેશકદમીરૂપે કરેલા છે.
ગ્રામપંચાયતની જમીન ઉપર છડેચોક લેન્ડગ્રેબિંગ થયેલું છે. જે-તે સમયે આ ગેરકાયદે બાંધકામ, પેશકદમી અન્વયે તે સમયના રાણપુરના સરપંચ રવજી હિરા ઉંઘાડ દ્વારા વાંધો લેવામાં આવેલો હતો પરંતુ તે ધ્યાને લીધા વિના દાદાગીરી અને જબરજસ્તીથી આ તમામ ગેરકાયદે બાંધકામો, પેશકદમી વગેરે કરી નાખવામાં આવેલા છે. આ ઉપરાંત જૂનાગઢ જિલ્લાના ભેંસાણ તાલુકાના છોડવડી ગામે 100થી 150 વીઘા (આશરે 60 એકર) જમીન કે જેમાં રેવન્યુ, ફોરેસ્ટ તથા ગૌચર ત્રણેયની જમીનો આવેલી છે તે પણ તદ્દન ગેરકાયદે પેશકદમી અને લેન્ડગ્રેબિંગ દ્વારા વાળી લેવામાં આવેલ છે. યોગા સેન્ટર, રોટર જેવું બાંધકામ, આંબાનો બગીચો, સ્વીમીંગ પુલ વગેરે વ્યક્તિગત ધોરણે બનાવી લીધેલાં છે. સરકારી અધિકારીઓ અને સરકારી વકીલો વગેરે દ્વારા તેનો તમામ રીતે દુરુપયોગ કરવામાં આવે છે. પ્રાઇવેટ બંગલો, મંદિર, યોગ કુટીરો, ગૌશાળા વગેરે પણ બનાવવામાં આવેલા છે. જેમાંથી મોટાભાગની જમીન સરકારી ગૌચર, ફોરેસ્ટ અને રેવન્યુની છે અને એકપણ બાંધકામની મંજૂરી લેવામાં આવેલી નથી.
હેમાબેન શુક્લએ તો એવો ગંભીર આક્ષેપ પણ કર્યો છે કે, “આ તમામ જમીનો અને મિલ્કતો ઉપર તથા ટ્રસ્ટનો કબ્જો ધરાવનાર મહેશગિરી દિલ્હીના પૂર્વ સાંસદ હતા અને હાલ પાછા ભગવા પહેરી ગિરનાર ઉપર કમંડલ કુંડ, ભેંસાણ તાલુકાનું રાણેશ્ર્વર મંદિર ટ્રસ્ટ તથા જૂનાગઢમાં આવેલ ભૂતનાથ મંદિરના બળજબરીથી મહંત થઈ બેઠેલા છે. મહેશગિરી રાજકીય રીતે અને ગુનાખોરીના ઈતિહાસમાં પહોંચેલી માયા છે અને ગુનો કબૂલ કરી લીધેલ ગુનેગાર છે. જેના મારફતે ભેંસાણ તાલુકા પંચાયત અને રાણપુર ગ્રામ પંચાયત તથા છોડવડી ગ્રામ પંચાયતમાં રહેલું રેકર્ડ પણ નાશ કરાવે તેવી પૂરી શક્યતા છે.”
તમામ પેશકદમી અને લેન્ડગ્રેબિંગ અન્વયે તથા ગેરકાયદે બાંધકામ અન્વયે તાત્કાલિક ગુનેગાર મહેશગિરી તથા તેના હસ્તકના તમામ ટ્રસ્ટ સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવે તથા આ તમામ પેશકદમી અને લેન્ડગ્રેબિંગવાળી રાણપુર અને છોડવડીની જમીનોનો કબ્જો તાત્કાલીક લઈને તેને ખુલ્લી કરાવવામાં આવે ઉપરાંત તમામ ગેરકાયદે બાંધકામો તાત્કાલિક તોડી પાડવામાં આવે આ સિવાય કમંડલ કુંડ, રાણેશ્ર્વર તથા જૂનાગઢમાં ભૂતનાથ મંદિરના ટ્રસ્ટનો કબ્જો મહેશગિરી પાસેથી લઈને સરકાર હસ્તક લઇ લેવામાં આવે એવું અંતમાં હેમાબેન શુક્લએ જણાવ્યું છે.