ખનિજ માફિયાઓ દ્વારા જ વિડીયો સોશિયલ મીડિયા પર મૂકી તંત્રને પડકાર ફેંક્યો
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.1
સુરેન્દ્રનગર જિલ્લામાં ખનિજ માફીયાઓ હવે કોઈની પણ પ્રવાહ કર્યા વગર ખનિજ ચોરીનો ધંધો બેફામ ચલાવી રહ્યા છે. જાણે કે તંત્ર દ્વારા જ તેઓને પરમિશન આપી દીધી હોય તે પ્રકારનું દૃશ્ય હવે અહીં નજરે પડે છે. જ્યારે ખનિજ માફિયાઓને જો તંત્રની પરમિશન મળી ગઈ છે તો તેઓ પણ લૂંટાય એટલું અમૂલ્ય ખનિજ લૂંટી લેવાનો પ્રબંધ કરી ચૂક્યા છે. જેથી મફત મળતા ખનીજના લાખ્ખો રૂપિયા કમાઈને ખનિજ માફીયાઓ તેમાંથી હિસ્સો પણ તંત્રનો કાઢતા હશે તે પ્રકારની સ્થિતિ અહીં ઉદ્ભવ થઈ છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં જાણે કાયદેસર કોલસાનું ખનન થતું હોય તે પ્રકારે ખનિજ માફીયાઓ કોલસાનું ખનન કરી વાહનોમાં ભરતા હોવાનો વિડિયો પોતે જ વાયરલ કરી રહ્યા છે.
- Advertisement -
આમ તો આ અગાઉ પણ ખનિજ ચોરીના અનેક વીડિયો વાયરલ થયા હતા પરંતુ હવે ખનિજ માફીયાઓ પોતે જ ગેરકાયદેસર કોલસાનું ખનન કરતા હોવાનો વિડિયો બનાવી પોતે જ સોશિયલ મીડિયામાં વાયરલ કરી રહ્યા છે અને સાથે જ આ વિડિયો મારફતે તંત્રને પણ પડકાર ફેંકી રહ્યા છે કે “રોક શકો તો રોક લો” ! ત્યારે હાલ તો આ પ્રકારના વિડિયો ખુદ ખનિજ માફીયાઓ દ્વારા વાયરલ કરતા હવે સ્પષ્ટ પણે તંત્ર અને ખનિજ માફિયાઓની સાંઠગાંઠ થઈ ચૂકી હોય તેવા એંધાણ પણ વર્તાય રહ્યા છે.