પ્રાઇવેટ સંસ્થાએ યોજેલી સ્પર્ધામાં 10 કિમીના સ્પર્ધકો પાસેથી રૂ.1000 અને 21 કિમીના સ્પર્ધકો પાસેથી રૂ.1500 રજિસ્ટ્રેશન ફીના નામે ઉઘરાવ્યા હતા
CPએ જાહેરનામું પ્રસિદ્ધ કરી દીધું પણ તેનો ક્યાંય અમલ ન થયો
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.30
રાજકોટ રનર્સ એસોસિએશન અને રોટરી ક્લબ ઓફ રાજકોટ ગ્રેટર દ્વારા શનિવારે શહેરમાં નાઇટ હાફ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. 5 હજાર દોડવીર મેરેથોનમાં જોડાયા હતા અને સ્પર્ધાના એક દિવસ પહેલાં પોલીસ કમિશનર ઝાએ ટ્રાફિકને અનુસંધાને જાહેરનામું પ્રસિદ્ધ કર્યું હતું. પોલીસે જાહેરનામું પ્રસિદ્ધ કરીને રસ્તા તો બંધ કરી દીધા હતા, પરંતુ તેની સાથે ફિલ્ડ પર ટ્રાફિક વ્યવસ્થા સુદૃઢ રહે તે માટે પોલીસની હાજરી હોવી જોઇએ તે નહીં હોવાથી બે કલાક સુધી લોકો ટ્રાફિકજામમાં ફસાયા હતા અને 45 મિનિટ સુધી એમ્બ્યુલન્સ પણ મોડી પડી હતી. રેસકોર્સથી શરૂ થયેલી 10 કિલોમીટર અને 21 કિલોમીટરની હાફ મેરેથોન રેસકોર્સથી શરૂ થઇ રૈયા રોડ, હનુમાનમઢી ચોક, રૈયા ચોકડીથી ગોંડલ રોડ ચોકડી સુધી અને ત્યાંથી પરત રેસકોર્સ સુધીનો રૂટ દોડવીર માટે નક્કી થયો હતો. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાએ એક દિવસ અગાઉ જાહેરનામું પ્રસિદ્ધ કર્યું હતું અને કેટલાક માર્ગો પર વાહનની અવરજવર પર પ્રતિબંધ મૂક્યો હતો. શનિવારે રાત્રે નવ વાગ્યે હાફ મેરેથોન શરૂ થઇ ગઇ હતી. દોડવીરો નિશ્ચિત રસ્તા પર દોડવા લાગ્યા હતા. વાહન ત્યાંથી પસાર ન થાય તે માટે અગાઉથી તેે માર્ગો પર બેરિકેડ લગાવી દેવાયા હતા. રસ્તા બંધ કરીને વાહનચાલકોને જ્યાંથી જવા માટેની સૂચના અપાઇ હતી તે એ વિસ્તારની અંદરની શેરીઓમાં વાહનો સામસામે આવી ગયા હતા. શેરીઓ વાહનોથી ફુલ થઇ ગઇ હતી. વાહન આગળ ધપી શકતા નહોતા. વાહન ચાલકો તો હેરાન થઇ ગયા હતા સાથે એ વિસ્તારના રહીશો પણ ઘરની બહાર નીકળી શકતા નહોતા. ટ્રાફિકજામમાં 15 એમ્બ્યુલન્સ પણ ફસાઇ હતી. એમ્બ્યુલન્સ 45 મિનિટ મોડી નિશ્ચિત સ્થળે પહોંચી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, જે બે સંસ્થાએ નાઇટ મેરેથોનનું આયોજન કર્યું હતું તે સંસ્થાએ 10 કિમીના સ્પર્ધકો પાસેથી રૂ.1000 અને 21 કિમીના સ્પર્ધકો પાસેથી રૂ.1500 રજિસ્ટ્રેશન ફીના નામે ઉઘરાવ્યા હતા. લાખો રૂપિયા ઉઘરાવીને આ ધંધાદારી આયોજન થયું હતું ત્યારે 5 હજાર દોડવીર માટે શનિવારે વીકએન્ડના મૂડમાં નીકળેલા 25 હજાર લોકો હેરાન થયા હતા. ટ્રાફિક શાખાના અધિકારીને બંદોબસ્ત અંગે પૂછતાં તેમણે ટ્રાફિક પોલીસ, ટ્રાફિક બ્રિગેડ અને હોમગાર્ડ સહિત કુલ 605 જવાનનો સ્ટાફ બંદોબસ્ત માટે ગોઠવ્યાનો દાવો કર્યો હતો. દરેક મોટા આયોજનમાં બંદોબસ્તની સ્કીમ તૈયાર કરનાર સ્પેશિયલ શાખાના અધિકારીએ શરૂઆતમાં બંદોબસ્ત અંગે પોતે અજાણ હોવાનું અને ત્યારબાદ બંદોબસ્તમાં 2 એસીપી, 6 પીઆઇ, 24 પીએસઆઇ, 250 પોલીસ, 271 ટ્રાફિક બ્રિગેડ અને 200 હોમગાર્ડ જવાનો બંદોબસ્તમાં હોવાની યાદી મોકલી આપી હતી. ટ્રાફિક શાખા અને સ્પેશિયલ શાખા તરફથી મળેલી બંદોબસ્તની યાદી વિરોધાભાસી હતી જે સાબિત કરે છે કે પોલીસ કમિશનરે જાહેરનામું તો બહાર પાડી દીધું હતું, પરંતુ યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી નહોતી. એટલું જ નહી ફિલ્ડ પર પોલીસ અધિકારીઓ કે સ્ટાફ જોવા મળતો નહોતો જેનેે કારણે લોકોએ ભારે પરેશાની ભોગવવી પડી હતી.
રાજકોટમાં આશરે દોઢેક વર્ષ બાદ ફરી એકવાર નાઈટ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. મનપા તેમજ પોલીસનાં સહયોગથી શનિવારે રાત્રિના સમયે શહેરના રેસકોર્સ મેદાન ખાતે 21 કિમી હાફ મેરેથોન અને 10 કિમીની ડ્રિમરનનું આયોજન રાજકોટ રનર્સ એસો. અને રોટરી કલ્બ ઓફ રાજકોટ ગ્રેટર દ્વારા કરવામાં આવ્યું હતું. રોટરી ક્લબ ઓફ રાજકોટ ગ્રેટરના હોદ્દેદાર જયદીપભાઇ વાઢેરે જણાવ્યું હતું કે, રાજકોટ રનર્સ એસોસિએશન અને તેમની સંસ્થાના સંયુક્ત ઉપક્રમે આ આયોજન થયું હતું. જેમાં પોલીસ અને મહાનગરપાલિકાનો પણ સહકાર મળ્યો હતો. આ મેરેથોનમાં શહેરની કોલેજોમાં અભ્યાસ કરતાં વિદેશી વિદ્યાર્થીઓ ઉપરાંત રાજકોટ શહેર, જિલ્લા અને અન્ય જિલ્લામાંથી પણ દોડવીરોએ ભાગ લીધો હતો. કુલ 5 હજારથી વધુનું રજિસ્ટ્રેશન થયું હતું અને 4800 દોડવીર જોડાયા હતા. લોકોમાં સ્વાસ્થ્ય અને દોડ માટેની જાગૃતતા આવે તેવા હેતુથી આ આયોજન કરાયું હતું. 10 કિમીના સ્પર્ધકો માટે રૂ.1 હજાર અને 21 કિમીના સ્પર્ધકો માટે રૂ.1500 રજિસ્ટ્રેશન ફી હતી. જોકે દોડવીરને ટીશર્ટ સહિતની અનેક સામગ્રી આપવામાં આવી હતી.
- Advertisement -
રાજકોટ શહેરમાં આજે બીજી વખત યુવાધનને સ્વાસ્થ્ય અને હેલધી લાઈફ સ્ટાઈલ પ્રત્યે જાગૃત કરવા, તેમજ ડ્રગ્સનાં સેવનથી દૂર રાખવા ઉપરાંત સમાજીક અને પર્યાવરણ સંરક્ષણની બાબતો અંગે પ્રોત્સાહીત કરવાના ઉદ્દેશ સાથે રાજકોટમાં નાઇટ હાફ મેરેથોન 2.0નું ભવ્ય આયોજન રાજકોટ મહાનગરપાલિકા અને શહેર પોલીસના સહયોગથી કરવામાં આવ્યું હતું. આ મેરેથોનમાં ગુજરાત ઉપરાંત હરિયાણા, દિલ્લી, મુંબઈ, કેરળ સહિતના રાજ્યોમાંથી દોડવીરોએ ભાગ લીધો હતો.