જેતપુરની ડાઇગ પ્રિન્ટિંગ ઉધોગનું કેમિકલ યુક્ત પાણી દરીયામાં છોડવાના પ્રોજેકટનો વિરોધ
ખાસ-ખબર ન્યૂઝ જાફરાબાદ
- Advertisement -
જાફરાબાદ ખારવા સમાજ માછીમાર બોટ એસોસિએશન દ્વારા બાઇક રેલી યોજી જેતપુરની ડાઇગ પ્રિન્ટીંગ ઉઘોગના દરીયામા કેમિકલ યુક્ત પાણીના નિકાલ માટે ડીપ સી. ડીસપોઝલ પાઇપ લાઇન પ્રોજેક્ટ રદ કરવાની માંગ સાથે મામલતદારને આવેદનપત્ર આપવામા આવ્યું હતુ. જેમા જણાવેલ કે, હાલમાં સરકાર દ્વારા જેતપુર સાડી ઉદ્યોગનું કેમીકલ યુક્ત પાણી પોરબંદરના દરીયામા છોડવા માટે જેતપુર થી પાઈપલાઈન દ્વારા પોરબંદર સુધી લાવી અને દરિયામાં ઠાલવવામાં આવનાર છે.જેને લઇ ગુજરાતભરના માછીમારો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. આ કમીકલના કારણે ફક્ત પોરબંદરના માછીમારોને નુકસાન સાથે આખા ગુજરાતના માછીમારોને નુકસાન થવાનું છે. ઉપરાંત અમદાવાદનું કેમીકલ યુક્ત પાણી ખંભાતના અખાતમાં ઠાલવવામાં આવનાર છે. એકબાજુ દરિયામાં માછલીનું પ્રમાણ પણ ઓછું થતું જાય છે. જેથી જો દરીયામા આ કેમિકલ યુક્ત પાણી છોડવામાં આવે તો માછલીઓ નાબૂદ થઈ જશે અને માછીમાર ભાઈઓને રોજીરોટી પર આર્થીક અસર પડશે જેથી લાખો માછીમારો બેરોજગાર બનશે.
જેતપુર ખાતે 2000 ઉપરાંત ડાઇંગ એન્ડ પ્રિન્ટીંગ ઉદ્યોગ ફેકટરીઓ આવેલ છે. આ તમામ ફેક્ટરીઓનાં કેમીકલ વેસ્ટ સમુદ્રમાં જતા સમગ્ર રાજ્યનો કાંઠા વિસ્તાર મત્સ્ય વિહોણો બની જશે તેમજ ખોરાકમાં ઉપયોગમાં લેવાતી માછલીઓ આ કેમીકલ વેસ્ટથી પ્રભાવિત થતા લાખો પરિવારો ભયંકર અસાધ્ય રોગોનાં પણ શિકાર બની શકે છે. ઉપરાંત જેતપુરથી પોરબંદર સુધી ઉપલેકટા, માણાવદર, કુતીયાણા વિસ્તારનાં ખેડૂતોની જમીનમાં નાખવામાં આવનાર જમીની પાઈપ લાઈન જો ક્યાંય પણ લીકેજ થતા ખેડૂતોની જમીન પણ ઝેરી કેમીકલ યુક્ત બની શકે છે.
તેમજ ભૂતકાળમાં અમેરીકા જેવા દેશોએ આપણા દરિયાઈ પાણીની ગુણવત્ત્વની ખામીને લઈને ગુજરાતની દરિયાઈ સીમામાં જોવા મળતા કાચબા પર માઠી અસરને ધ્યાને રાખી રાજ્યમાંથી એકસપોર્ટ થતી મરીન પ્રોડકટ પર પ્રતિબંધ લગાડવાવામાં આવેલ હતો. ત્યારે હવે સરકાર દ્વારા રાજ્યનાં માછીમારો, મત્સ્યોદ્યોગના અસ્તિત્વ અને કાંઠા વિસ્તારના લોકોના આરોગ્ય સામે ખતરારૂપ “ડીય સી ડોક્ષ્પોઝલ પાઈપ લાઈન પ્રોજેકટ તાત્કાલીક અસરથી રદ કરવાની માંગ સાથે મોટી જાફરાબાદ બંદરના તમામ માછીમારો એકઠા થઈ બાઇક રેલી યોજી જાફરાબાદ મામલતદારને આવેદનપત્ર આપ્યુ હતું. આ તકે જાફરાબાદ માછીમાર ખારવા સમાજ બોટ એસોસિએશન પ્રમુખ કનૈયાલાલ સોલંકી, ભગુભાઇ સોલંકી, નારણભાઇ ભાલીયા, સંતોષભાઇ સોલંકી, હમીરભાઇ સોલંકી, રફીકભાઇ રાઠોડ, ખોડાભાઇ બાંભણીયા, રામભાઇ સોલંકી સહિત મોટી સંખ્યામા માછીમારો ઉપસ્થિત રહ્યા હતાં.