ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર, તા.27
ગુજરાતના દરિયાઈ પાટનગર પોરબંદર એકવાર ફરી સંઘર્ષના આરે છે. જેતપુરના સાડી ઉદ્યોગના ઝેરી પાણી પોરબંદરના દરિયામાં વહાવવાના સરકારના પ્રોજેક્ટ સામે પોરબંદરના લોકો એકસાથે ઉભા રહીને સજ્જડ બંધ પાળ્યો. આ મુદ્દો માત્ર માછીમારોનો નહીં, પણ સમગ્ર પોરબંદરનો જીવનમરણનો છે. દરિયો એ પોરબંદરની આર્થિક નસ છે. માછીમારી ઉદ્યોગ અહીંના હજારો પરિવારોની રોજી-રોટીનો આધાર છે. જો દરિયામાં ઝેરી પદાર્થો ઉમેરી દેવામાં આવશે, તો માછલીઓ નષ્ટ થશે અને તેનાથી આખા ઉદ્યોગ પર અસર પડશે. પ્રોજેક્ટ સામે પ્રારંભિક અવાજ માછીમારોએ ઉઠાવ્યો હતો. ખારવા સમાજ અને માછીમારી સંઘો દ્વારા દરિયાકાંઠાના વિસ્તારોમાં બંધનું એલાન કરાયું. પરંતુ સમય જતા, આ વિરોધમાં પોરબંદરના તમામ વર્ગો અને વ્યાપારીઓ જોડાઈ ગયા. ખારવાવાડ,સોની બજાર,મચ્છી માર્કેટ, સુતારવાડા અને બંદર વિસ્તારમાં દુકાનો, બજારો અને ઉદ્યોગો સજ્જડ બંધ રહ્યા. શહેરમાં કોઈ રાજકીય પક્ષ દ્વારા બંધનું એલાન કરવામાં આવ્યું ન હતું, પરંતુ છતા લોકોએ સ્વયંભૂ ધંધા-વેપાર બંધ રાખી જેતપુર ડીપ-સી પાઇપલાઇન પ્રોજેક્ટનો વિરોધ નોંધાવ્યો. પોરબંદરના કેદારેશ્વર રોડ, સોની બજાર અને સુતારવાડામાં મોટા ભાગની દુકાનો સવારથી બંધ રહી. ચા-પાનના લારીવાળાઓ પણ આ બંધમાં જોડાઈ ગયા. વર્ષો બાદ પોરબંદરમાં પ્રજા દ્વારા આવું તીવ્ર બંધ જોવા મળ્યું.
શહેરીજનોનો આ મૌન વિરોધ સરકાર માટે ચેતવણીરૂપ સાબિત થયો. સરકાર ભલે પ્રોજેક્ટ માટે દબાણ કરે, પરંતુ પોરબંદરના લોકો એકસાથે આવીને દરિયામાં ઝેરી પાણી નહીં વહેવા દે, – એક સ્થાનિક વેપારીએ જણાવ્યું. પક્ષપલટું કરનારા નેતાઓ માટે સંકેત શહેરના એક અગ્રણીએ જણાવ્યું કે, પોરબંદરના લોકો રાજકીય પાર્ટી કરતા પોરબંદર માટે વધુ પ્રામાણિક છે. અમે જેને ચૂંટીએ છીએ, તે પોરબંદરના હિત માટે વફાદાર હોવો જોઈએ. જો કોઈ નેતા જનતા વિરુદ્ધ જાય, તો આગામી ચૂંટણીમાં તેને મોટું નુકશાન ભોગવવું પડશે. તો આ વિરોધમાં મુસ્લિમ સમાજ અને અન્ય સમાજોનો પણ ટેકો પણ જોવા મળ્યો. પ્રોજેક્ટના વિરોધમાં મુસ્લિમ અને અન્ય કોમના લોકો પણ જોડાયા હતા. પોરબંદરના બંદર અને સુભાષનગરમાં પણ સ્વયંભૂ બંધ પાળવામાં આવ્યો. આ પ્રોજેક્ટ માત્ર માછીમારો માટે નહીં, પરંતુ સમગ્ર પોરબંદર માટે વિનાશક છે, – મુસ્લિમ સમાજના આગેવાને જણાવ્યું. પોરબંદરના બંધની અસર અન્ય દરિયાઈ પંથકોમાં પણ જોવા મળી. દેવભૂમિ દ્વારકા, મંગરોળ અને વડીનાર જેવા દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ સમર્થન મળ્યું. આ કોઈ એક શહેરની લડાઈ નથી. પોરબંદરના દરિયા માટે જે કરવું પડશે, તે સમગ્ર ગુજરાત કરશે. માછીમારો અને વિવિધ સમાજના આગેવાનોએ જાહેર કર્યું છે કે જો પ્રોજેક્ટ તાત્કાલિક રદ નહીં થાય, તો રાજ્યવ્યાપી આંદોલન કરવામાં આવશે. બોટ રેલી, દરિયામાં દેખાવો અને હાઈવે પર નાકાબંધીના કાર્યક્રમોનું આયોજન કરાશે. દરિયો પોરબંદરની ઓળખ છે, અને અમારું સર્વસ્વ છે. દરિયાને નષ્ટ કરતા કોઈ પણ પ્રોજેક્ટ સામે અમે સવિનય, પણ સખત વિરોધ કરીશું, – એક ખારવા યુવાને જણાવ્યું. જેતપુરના ઝેરી પાણી પોરબંદરના દરિયામાં નહીં વહેવા દઈએ – એ પોરબંદરનો નવો નારો છે.
- Advertisement -
જવાબદાર કોણ?
સરકારના આ પ્રોજેક્ટ પાછળ જેતપુરના ઉદ્યોગપતિઓનું દબાણ હોવાનું કહેવાય છે. તેમ છતાં, પોરબંદરના લોકોએ સ્પષ્ટ સંકેત આપ્યો છે કે કોઈપણ ભોગે પ્રોજેક્ટ સ્વીકારાશે નહીં.
પરિણામ શું હશે?
હવે જોવાનું એ છે કે સરકાર આ પ્રોજેક્ટ પરના વિરોધને કેવી રીતે હેન્ડલ કરે છે. જો પ્રોજેક્ટ રદ થશે, તો એ પોરબંદર માટે મોટી જીત હશે. જો નહીં, તો પોરબંદર માટે આંદોલનનો તડકો તીવ્ર બનશે.
- Advertisement -
ચેમ્બર ઓફ કોમર્સના મૌનથી લોકો નારાજ
શહેરના મોટા ભાગના વેપારીઓએ બંધમાં ભાગ લીધો હતો, પરંતુ ચેમ્બર ઓફ કોમર્સના હોદ્દેદારો મૌન રહ્યા. સામાન્ય રીતે, ચેમ્બર વેપારીઓના પ્રશ્નો ઉઠાવે છે, પણ આ પ્રોજેક્ટ મુદ્દે કોઈ નિવેદન ન આપતા લોકોએ નિરાશા વ્યક્ત કરી. ચેમ્બર ઓફ કોમર્સનો મૌન પડકારરૂપ છે. પોરબંદર માટે આમ મૌન રહેવું યોગ્ય નથી, – એક વેપારીએ ઉલ્લેખ કર્યો.



