13,390 લીટર દેશી દારૂ તેમજ 15,852 બોટલ વિદેશી દારૂ મળી કુલ 37 લાખથી વધુના મુદ્દામાલનો નાશ કરવામાં આવ્યો
ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર
ગુજરાત રાજ્યમાં દારૂના વેચાણ અને વપરાશ પર પ્રતિબંધ છે. નશાબંધી કાયદા હેઠળ દારૂની ખરીદી, વેચાણ કે પેદાશ કરવા પર સખત કાયદા લાગુ છે. જો કે, અનેકવાર છુપાઈને દારૂનું વેચાણ થતું રહે છે. પોરબંદર જિલ્લામાં ગેરકાયદે દારૂના જથ્થા સામે કડક પગલાં લેવા માટે આજે એક મહત્વપૂર્ણ અને દ્રષ્ટાંતરૂપ કાર્યવાહી હાથ ધરવામાં આવી. પોરબંદરના ઇન્દિરા નગર ખાતે પોરબંદર જીલ્લા પોલીસ, વહીવટી તંત્ર અને નશાબંધી વિભાગના સંયુક્ત ઉપક્રમે પકડાયેલા દેશી અને ઇંગ્લિશ દારૂનો નાશ કરવામાં આવ્યો. આ દારૂનો નાશ પોરબંદર ઇન્ચાર્જ એસ.પી. સુરજીત મહેડું, પ્રાંત અધિકારી પોરબંદર એસ.એ. જાદવ, કુતિયાણા પ્રાંત અધિકારી નેહા સોજીત્રા અને સિટી ડી.વાય.એસ.પી. ઋતુ રાબાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યો. આ કાર્યવાહી દરમિયાન 13,390 લીટર દેશી દારૂ તેમજ 15,852 ઇંગલિશ દારૂની બોટલોનો નાશ કરવામાં આવ્યો. દારૂના કુલ 923 દેશી દારૂના કેસો અને 250 ઇંગલિશ દારૂના કેસો પકડાયા હતા.આ દારૂની બજાર કિંમત દેશી દારૂ: રૂ. 10 લાખથી વધુ માનવામાં આવી રહી છે તેમજ ઇંગલિશ દારૂ રૂ. 27 લાખ આમ, કુલ રૂ. 37 લાખથી વધુના દારૂનો નાશ પોરબંદર જિલ્લાના અધિકારીઓ અને પોલીસ દ્વારા કરવામાં આવ્યો.
- Advertisement -
ગેરકાયદે દારૂની ચોરી છૂપીથી હેરાફેરી થતી અટકાવવા અને શહેરીજનોને સુરક્ષિત વાતાવરણ પૂરું પાડવા માટે આ પ્રકારની કાર્યવાહી નિયમિત રૂપે ચાલુ રાખવામાં આવશે. પોરબંદર પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા ‘દરેક કાયદા ભંગ કરનાર સામે કડક કાર્યવાહી’ કરાશે તેવી સ્પષ્ટતા કરવામાં આવી છે. ઇન્ચાર્જ એસ.પી. સુરજીત મહેડુંએ જણાવ્યું કે, દારૂ અને નશીલા પદાર્થો પોરબંદર જિલ્લાના શાંતિ અને સુખાકારી માટે હાનિકારક છે. જો કોઇ દારૂના ગેરકાયદે ધંધામાં સંડોવાયેલું જણાશે તો તાત્કાલિક કડક પગલાં લેવાશે. પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ આવનારા સમયમાં દારૂના ગેરકાયદે ધંધા સામે વધુ વિસ્તૃત ડ્રાઇવ યોજવામાં આવશે. ખાસ કરીને નવું વર્ષ અને અન્ય તહેવારો દરમ્યાન દારૂની માંગમાં વધારો થતો હોય છે, ત્યારે આવા દારૂના જથ્થાને પકડવા માટે ખાસ ટીમો કાર્યરત કરવામાં આવશે.