નકલી ડૉક્ટર પાસેથી દવા, ઇન્જેકશન સહિત 20 હજારનો મુદ્દામાલ જપ્ત
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટમાં કોઇપણ પ્રકારની ડિગ્રી વિના લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતાં નકલી ડોક્ટરો ઉપર ખાસ વોચ રાખવાની સૂચના અન્વયે એસઓજીની ટીમે શનિવારે સાંજે ખોરાણામાં દરોડો પાડી 12 ચોપડી સુધી અભ્યાસ કરનાર નકલી ડોક્ટરને ઝડપી લઇ ક્લિનિકમાંથી દવા અને બાટલા સહિત કુલ રૂ.20510નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. શહેરની ભાગોળે કુવાડવા નજીકના ખોરાણામાં રામજી મંદિરની બાજુમાં આવેલી ધ્વનિ ક્લિનિકમાં ડોક્ટર તરીકે પ્રેક્ટિસ કરતા વ્યક્તિ પાસે તબીબી પ્રેક્ટિસની કોઇપણ ડિગ્રી નથી અને તે નકલી ડોક્ટર છે તેવી માહિતી આધારે એસઓજી પીઆઇ એસ એમ જાડેજા અને ટીમના હેડ કોન્સ્ટેબલ જયદીપસિંહ ચૌહાણ અને નારણભાઇ સહિતના સ્ટાફે દરોડો પાડ્યો હતો
- Advertisement -
પોલીસે ધ્વનિ ક્લિનિકમાં દરોડો પાડતા ખુરશી પર એક વ્યક્તિ બેઠો હતો અને તેના ટેબલ પર સ્ટેથોસ્કોપ હતું પોલીસે પૂછપરછ કરતાં તેણે પોતાનું નામ હિરેન મહેશ કાનાબાર ઉ.36 હોવાનું જણાવ્યું હતું પોલીસે અભ્યાસ અંગે પૂછતાં પોતે ધોરણ 12 સુધી જ અભ્યાસ કર્યાની અને કોઇપણ ડિગ્રી નહીં હોવા છતાં ડોક્ટર તરીકે પ્રેક્ટિસ કરતો હોવાની કબૂલાત આપી હતી પોલીસે ક્લિનિકમાંથી દવા, બાટલા અને સિરિન્જ સહિત કુલ રૂ.20510નો મુદ્દામાલ કબજે કર્યો હતો. હિરેન કાનાબારે ખોરાણામાં ડોક્ટર તરીકે જ પોતાની ઓળખ ઊભી કરી હતી.



