વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કુવૈતની મુલાકાતના બીજા દિવસે સર્વોચ્ચ સન્માન’ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર’ આપવામાં આવ્યું છે. તેમને આ સન્માન કુવૈતના અમીર શેખ મિશાલ અલ-અહમદ અલ-જાબેર અલ-સબા દ્વારા આપવામાં આવ્યું હતું. આ સન્માન મેળવનાર મોદી પ્રથમ ભારતીય પીએમ છે. પ્રધાનમંત્રી મોદીને અત્યાર સુધી 20 દેશોએ તેમનું સર્વોચ્ચ નાગરિક સન્માન આપ્યું છે. આ ઓર્ડર રાષ્ટ્રાધ્યક્ષો અને વિદેશી વડાઓ અને વિદેશી શાહી પરિવારોના સભ્યોને મિત્રતાના પ્રતીક તરીકે આપવામાં આવે છે. આ અગાઉ બિલ ક્લિન્ટન, પ્રિન્સ ચાર્લ્સ અને જ્યોર્જ બુશ જેવા વિદેશી નેતાઓને એનાયત કરવામાં આવ્યો છે.
બે દિવસના કુવૈત પ્રવાસે પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કુવૈતના અમીર અને વડાપ્રધાન મોહમ્મદ મિશાલ અલ-અહમદ અલ-જબર અલ-સબા સાથે મુલાકાત કરી હતી. અહીં પીએમ મોદીને અમીરના મહેલ બાયન પેલેસમાં ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે બે દિવસની મુલાકાતે કુવૈત પહોંચ્યા હતા. 4 દાયકા બાદ ભારતીય પીએમની કુવૈતની આ પ્રથમ મુલાકાત છે. પીએમ મોદી પહેલા ઈન્દિરા ગાંધી જ્યારે વડાપ્રધાન હતા ત્યારે 1981માં કુવૈત ગયા હતા. એરપોર્ટ પર મોદીનું રેડ કાર્પેટ વેલકમ કરવામાં આવ્યું હતું.
- Advertisement -
પ્રધાનમંત્રી મોદીએ કુવૈત પ્રવાસના પહેલા દિવસે એક લેબર કેમ્પની મુલાકાત લીધી હતી. તેમણે ભારતીય મજૂરો સાથે વાત કરી, તેમની સુખાકારી વિશે પૂછપરછ કરી અને સાથે નાસ્તો પણ કર્યો હતો. આ પહેલા મોદીએ એનઆરઆઈને સંબોધન કર્યું હતું.
NRIને સંબોધતા મોદીએ કહ્યું કે 43 વર્ષ પછી એક ભારતીય પ્રધાનમંત્રી કુવૈત આવ્યા છે. ભારતથી આવવું હોય તો 4 કલાક લાગે છે, વડાપ્રધાનને 4 દાયકા લાગ્યા. મોદીએ કહ્યું કે કુવૈતમાં લોકોને દરેક તહેવાર ઉજવવાની સુવિધા છે. પણ હું તમને સેલિબ્રેટ કરવા આવ્યો છું.