ગેરકાયદે પવનચક્કી ઉભી કરવામાં મામલતદારથી લઈ કલેક્ટર તંત્ર પણ શંકાના પરિઘમાં
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના કર્ણકી ગામે પવનચક્કી ઉભી કરવા ખાસ સીન્ડીકેટ ટીમ કામ કરે છે જેમાં લોકેશન મેળવવાથી લઈ પવનચક્કી નાખવા માટે કરવામાં આવતી દરેક કામગીરી પોતાના આર્થિક લાભ મેળવવા માટે કરવામાં આવે છે. ત્યારે આ પવનચક્કીથી આસપાસના કેટલાક ખેડૂતને પડતી હાલાકી પણ નજર અંદાજ કરવામાં આવે છે. ત્યારે અનેક અરજદાર દ્વારા કરવામાં આવેલી ફરિયાદની સામે અધિકારીઓ પણ આ મુદ્દે અમે કાંઈ ન કરી શકી તમે કોર્ટ કે ફોજદારી રાહે દાદ મેળવવવાનું કહી જવાબદારીમાંથી છટકી રહ્યા છે. આ મુદ્દે ખૂદ સરપંચે પણ ઉચ્ચકક્ષાએ ફરિયાદ કરી છે પણ તેની ફરિયાદ ને પણ અવગણીને આ કામગીરી કરવા દેવામાં આવે છે. આ ઉપરાંત મંજૂરી મેળવવામાં કોઈ મુશ્ર્કેલી ન પડે તે માટે સરકારી રેકોર્ડમાં પણ છેડછાડ કર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. તેમ છતાં કંપનીના લાભ માટે સગવડિયા હુકમ અને આદેશ આપવામાં આવે છે. ત્યારે પ્રશ્ર્ન એ ઉદભવે છે કે આટલા પુરાવા હોવા છતાં તંત્ર દ્વારા કેમ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી.
એક મનાઈ હુકમ હોવા છતાં કંપનીના લાભ માટે વધુ એક સગવડીયો હુકમ બહાર પાડ્યો
લાઠીના નાયબ કલેકટર દ્વારા 16/09/2023ના રોજ બાબરા તાલુકાના તમામ ગામમાં કે જ્યાં પવનચક્કી નાખવા માટે રસ્તા પહોળા કરવાની કામગીરી, રસ્તા ખુલ્લા કરવાની કામગીરી તેમજ વીજપોલ ઉભા કરવાની કામગીરી ચાલુ છે તેની સામે મનાઈ હુકમ આપવામાં આવ્યો હતો. પરંતુ પવનચક્કી નાખવાની કામગીરી સમય મર્યાદામાં પૂર્ણ થતી નો હોય કંપનીના લાભ માટે વધુ એક સગવડિયો હુકમ 09/10/2023ના રોજ લાઠીના નાયબ કલેકટર દ્વારા બહાર પાડવામાં આવ્યો હતો જેમાં જણાવ્યું હતું કે કંપની દ્વારા સંબંધિત સ્થાનિક કચેરીની મંજૂરી લેવામાં આવી છે. સંબંધિત સ્થાનિક કચેરીએ શરતોને બંધનમાં રહી રસ્તા પહોળા કરવાની કામગીરી, રસ્તા ખુલ્લા કરવાની કામગીરી તેમજ વીજપોલ ઉભા કરવાની કામગીરી કરવા માટે હુકમ કરવામાં આવ્યો છે.
‘અમારે કોઈ કાર્યવાહી કરવાની રહેતી નથી’ પવનચક્કી અંગે કરેલી અરજીમાં મામલતદારનો જવાબ
વાવેતરમાં પવનચક્કીના પવન અને અવાજથી થતા નુકસાન અને પવનચક્કી ઊભી કરવાનાી કામગીરી અટકાવવા અંગે કર્ણુંકી ગામના ખેડૂત ભગીરથસિંહ બસીયાએ કરેલી રજૂઆતના જવાબમાં બાબરાના મામલતદારે જણાવ્યુ કે પવનચક્કીના અવાજ અને પવનથી તમારી માલિકીની જમીનને કોઈપણ પ્રકારનું નુકસાન થતું હોય તો કોર્ટ અથવા ફોજદારી રાહે દાદ મેળવી શકો છો. આ બાબતે અમારે કોઈ કાર્યવાહી કરવાની રહેતી નથી. તેવો પત્ર લખી બાબરાના મામલતદારે પોતાના હાથ ઊંચા કરી લીધા છે.