પવનચકકી ઉભી કરવામાં કૌભાંડ આચરનાર કોટડાપીઠાના ઉપસરપંચ પથુભાઈ બાસીયાનું વધુ એક કારસ્તાન સામે આવ્યું
જમીન વેચાણથી આપી હોવા છતાં પથુભાઈ હજુ પંચાયતના પાણી અને લાઈટનો ઉપયોગ કરી ખેતી કરે છે અને આવક મેળવે છે
- Advertisement -
બેવાર મળેલી નોટિસની પણ અવગણના કરનાર પથુભાઇ બસિયા
19/04/1965માં ભેસાણ તાલુકાના ગળથ ગ્રામ પંચાયતને રૂપિયા 1000માં કોટડાપીઠાના ઉપસરપંચ પથુભાઈ બસિયાએ ગૌચર માટે વેચાણથી જમીન આપી હતી. પથુભાઈ હજુ આ ખેતીની જમીનમાં પંચાયતના પાણી અને લાઈટનો ઉપયોગ કરી ખેતી કરે છે અને આવક મેળવે છે ત્યારે જમીનનો કબ્જો ગ્રામ પંચાયત ગળથ દ્વારા સંભાળવામાં આવ્યો હોય તેવા કોઈ પુરાવા મળી આવ્યા નથી. આ અંગે ભગીરથસિંહ રામભાઈ બસિયાએ ઘી ગુજરાત લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબીશીન એક્ટ – 2020 હેઠળ કાર્યવાહી કરવા અંગેની અરજી કરવામાં આવી હતી. આ અરજીના અનુસંધાને જૂનાગઢ જિલ્લા લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબીશીન સમિતિ અને નિવાસી અધિક કલેક્ટરે આ બાબતે પ્રથમ સંબંધિત પંચાયતને દબાણ દૂર કરાવવા નક્કર કાર્યવાહી કરવા જણાવ્યુ છતા તે દબાણ દૂર ન થતા અરજી મુદ્દે નિર્ણય લેવા માટે સમિતિ દ્વારા સર્વાનુમતે નક્કી કરવામાં આવ્યુ છે.
આ સમિતિએ સંબંધિત ગ્રામ પંચાયતને દબાણ દૂર કરવા માટે આદેશ આપતા પંચાયતે 10/03/2021ની બેઠકમાં ઠરાવ કરી સ્થળ સ્થિતિનું પંચરોજકામ કર્યું હતું. તેમજ ગુજરાત પંચાયત ધારાની કલમ 105(1)(2) અન્વયે 15/03/2021ના પ્રથમ અને 04/04/2021ના દબાણ દૂર કરવા માટેની નોટિસ દબાણકર્તા પથુભાઈ બસિયા મૂળ ગળથ ગામના રહીશ ન હોવાથી હાજર ન મળતા સ્થળ પર ચોંટાડી આપી હતી. એકવાર પંચરોજકામ અને બે વાર નોટિસ મળી હોવા છતાં પથુભાઈએ આ જમીન પર કબ્જો છોડ્યો નથી.
- Advertisement -
મંત્રી કુંવરજી બાવળિયાએ દબાણ દૂર કરવા આદેશ આપ્યા હતા છતાં હજુ ખેતી થાય છે
લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબીશીન એક્ટ – 2020 હેઠળ કાર્યવાહી કરવા અંગેની અરજીની સાથે ભગીરથસિંહ બાસિયાએ 8 માર્ચ 2020ના રોજ મંત્રી કુંવરજીભાઇ બાવળિયાને રજૂઆત કરી હતી. આ રજૂઆતને ધ્યાને લઈ 12 માર્ચ 2020ના રોજ મંત્રી કુંવરજી બાવળિયાએ ભેંસાણ તાલુકાના ગળથ ગામે આવેલી સર્વે નંબર 858ના જમીન પરનું દબાણ દૂર કરવા માટે પંચાયત વિભાગના અગ્ર સચિવને આદેશ આપ્યો હતો. તેમ છતાં હજુ આ જમીન પર ખેતી થાય છે.
મામલતદાર-કલેક્ટર તંત્રની ખુલ્લી સંડોવણી
પવનચક્કી ઉભી કરવામાં મંજૂરી સહિતની પ્રકિયામાં મામલતદાર અને કલેક્ટર સહિતના અધિકારીની ખુલ્લી સંડોવણી હોવાનું સાબિત થાય છે અનેક રજૂઆત છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. ખેતીની જમીનમાં પવનચક્કી ઉભી કરનાર કંપનીના અધિકારીઓ સાથે સીધી સાંઠગાંઠ હોય કોઈ ફરિયાદી રજૂઆત કરવા આવે તો તેમને સાંભળવામાં આવતા નથી અને મનસ્વી નિર્ણય લઈ એક યા બીજી રીતે કંપનીને ફાયદો કરાવવામાં આવે છે.