અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં કાલે થયેલા આત્મઘાતી બોમ્બ વિસ્ફોટમાં શરણાર્થી મંત્રી ખલીલ રહેમાન હક્કાનીનું મોત
ખલીલ રહેમાન હક્કાનીના મૃત્યુને તાલિબાન માટે મોટો ફટકો માનવામાં આવી રહ્યો છે, કારણ કે તે આ સંગઠનના ટોચના નેતૃત્વનો ભાગ હતો. આ બ્લાસ્ટ ત્યારે થયો જ્યારે ખલીલ રહેમાન હક્કાની મંત્રાલયમાં મહત્વની મીટિંગ માટે હાજર હતા. આત્મઘાતી બોમ્બરે જ્યાં મંત્રીઓ હાજર હતા તે સ્થળે પોતાની જાતને ઉડાવી દીધી હતી જેમાં હક્કાનીનું સ્થળ પર જ મોત થયું હતું. વિસ્ફોટ બાદ મંત્રાલય પરિસરમાં અરાજકતાનું વાતાવરણ હતું અને અન્ય ઘણા લોકો ઘાયલ પણ થયા હતા. જોકે તાલિબાન સરકારે હજુ સુધી અન્ય મૃતકો અને ઘાયલોની સંખ્યાની પુષ્ટિ કરી નથી.
શું છે હક્કાની નેટવર્કનો ઈતિહાસ ?
- Advertisement -
હક્કાની નેટવર્ક એક કટ્ટરવાદી જેહાદી જૂથ છે જે લાંબા સમયથી અફઘાનિસ્તાનમાં તાલિબાન સાથે મળીને કામ કરી રહ્યું છે. આ જૂથ ખાસ કરીને અફઘાનિસ્તાનમાં સુરક્ષા દળો અને વિદેશી મિશન પર હુમલા કરવા માટે કુખ્યાત છે. હક્કાની નેટવર્ક અફઘાનિસ્તાન અને પાકિસ્તાનના સરહદી વિસ્તારોમાં પ્રભાવશાળી નેટવર્ક ધરાવે છે અને આ જૂથના સભ્યો અનેક મોટા આતંકવાદી હુમલાઓમાં સામેલ રહ્યા છે.
શું કહ્યું તાલિબાને ?
તાલિબાન સરકારે હુમલાની નિંદા કરી છે અને કહ્યું છે કે, આ હુમલાનો હેતુ તેમના નેતૃત્વને અસ્થિર કરવાનો હતો. જોકે તાલિબાને આ હુમલા પાછળ કોઈ ચોક્કસ જૂથ કે સંગઠનનું નામ લીધું નથી. આ ઘટના બાદ તાલિબાને સુરક્ષા વધારવાની અને આવા હુમલાઓને રોકવા માટે અનેક પગલાં લેવાની વાત કરી છે.