કાર્તિક મહેતા
મહાભારતના વનપર્વમાં એક સુંદર કથા આવે છે જે યક્ષ યુધિષ્ઠિર સંવાદ તરીકે પણ જાણીતી છે. એક વાર પાંડવો એક પછી એક પાણી ભરવા જાય છે પણ તળાવનું પાણી પીને મૃત્યુ પામેં છે. છેવટે સહુથી મોટા ભાઈ યુધિષ્ઠિર જાય છે અને તે જુએ છે કે એના ભાઈઓ તો મૃત્યુ પામ્યા છે ત્યાં તળાવમાંથી એક યક્ષ પ્રગટ થાય છે અને યુધિષ્ઠિર ને કહે છે કે જો યુધિષ્ઠિર એના પ્રશ્નોના સાચા સંતોષકારક ઉત્તર આપશે તો યક્ષ બધા પાંડવોને સજીવન કરી દેશે. યુધિષ્ઠિર તૈયાર થાય છે અને યક્ષ એને લગભગ સવાસો જેટલા પ્રશ્નો પૂછે છે , યુધિષ્ઠિર તમામ પ્રશ્નોના સંતોષકારક જવાબ આપે છે જેનાથી પ્રસન્ન થઈને યક્ષ તમામ પાંડવોને સજીવન કરી દે છે. આ સંવાદમાં એક પ્રશ્ન યક્ષ યુધિષ્ઠિર ને પૂછે છે કે સંસારનું સહુથી મોટું અચરજ શું છે?? ત્યારે યુધિષ્ઠિર જવાબ આપે છે કે સંસારમાં સર્વ જીવો નાશવંત છે છતાં બધા જાણે હમેશા જીવવાના હોય એ રીતે જીવે છે તે સંસારનું સહુથી મોટું અચરજ છે. યક્ષ એનો જવાબ સાંભળીને પ્રસન્ન થાય છે. યુધિષ્ઠિરની વાત ઊંડી છે. મૃત્યુ નક્કી છે, આસપાસ સતત વિનાશલીલા ચાલતી રહે છે , રોગો દુ:ખો તકલીફો છતાં માણસો જીવનમાંથી નિરાસક્ત થતા નથી, ઉલટાનું ખુબ મજાથી જીવન જીવ્યા કરે છે જાણે એમને અહીંયા સદાકાળ રહેવાનું હોય. આવું કેમ થાય છે એની ચોખવટ યુધિષ્ઠિરે નથી કરી પણ આપણે કરીએ. માણસો જીવનના મૂળ સ્વભાવ એવા વિનાશ, દુ:ખો, તક્લીફ વગેરેને જાણતા હોવા છતાં આનંદમાં રહે છે , આસક્ત રહે છે, લગ્નો કરે છે , બાળકો પેદા કરે છે,– એનું કારણ એના શરીરમાં સ્ત્રવતા હોર્મોન્સ છે. આમ તો હોર્મોન અતિ જટિલ વિષય છે એટલે સરળ ભાષામાં સમજાવવો અઘરું કામ છે.
- Advertisement -
છતાં શક્ય એટલું સરળીકરણ કરીને સમજવા પ્રયાસ કરીએ. માણસના મનના ભાવો હોર્મોન દ્વારા ક્ધટ્રોલ થાય છે. ગુસ્સો, દુ:ખ, પ્રેમ, પીડા, ચિંતા, સેક્સ વગેરે બધું સંજોગો આધારિત ઓટોમેટિકલી સ્ત્રાવ કરતા હોર્મોનને કાર્નેર માણસ અનુભવે છે. આમાંથી આનંદ દેતો એક હોર્મોન છે ડોપામીન (અથવા ડોપામાઈન). આ હોર્મોનને હેપીનેસ હોર્મોન પણ કહેવાય છે. સેક્સ સમયે, રમત ગમતથી , કોઈ લક્ષ્યને મહેનતથી પ્રાપ્ત કરીને કે કોઈ દેવદર્શન કરીને જે આનંદનો અનુભવ થાય એની પાછળ આમ તો અનેક હોર્મોનનું સંકુલ કામ હોય છે પરંતુ ડોપામાઈન હોર્મોન એમાં ઘણો મોટોભાગ ભજવે છે. આથી ડોપામાઇનને આનંદ દાયક / હેપીનેસ હોર્મોન કહેવાય છે. માણસના શરીરની રચના એવી થયેલી છે કે માણસ જેમ પીડા, દુ:ખો, શ્રમ સહન કરે અને એના પછી એને કાંઈ સુખ કે લક્ષ્ય પ્રાપ્તિ થાય તો એને અતિ આન્સ્ડ મળે છે. આમ ડોપામાઈનનો સ્વભાવ કડક બોસ જેવો છે. તમે કામ કરો એટલો આનંદ મળે. જેટલો લાંબો સમય સેક્સ ક્રીડા ચાલે એટલી વધારે “મજા” આવે (એટલે કોન્ડોમ કંપનીઓ કોન્ડોમ અંદર એવા રસાયણો લગાડે છે જેથી સ્ખ્લનમાં ખુબ સમય લાગે અને તેઓ આ વાતની જાહેરાત પણ કરે છે, પણ પેકેટ ઉપર ઝીણા અક્ષરે લખે પણ છે કે આનો લાંબા ગાળાનો સતત ઉપયોગ હિતાવહ નથી). કોઈ ચેલેંજિંગ કામ પછી જે મજા આવે તે શબ્દોમાં વર્ણવી શકાય નહિ. કોઈએવું એવું કામ જેમાં સખ્ત મહેનત કરવી પડતી હોય જેમકે દોડવું કુદકા મારવા વ્યાયામ વગેરે કર્યા બાદ પણ આનંદ દાયક હોર્મોન સ્ત્રાવ કરે છે. ટૂંકમાં ડોપામાઈન ઝરવા માટે જરૂરી છે કે માણસ કષ્ટ સહન કરે, શ્રમ કરે.
આથી ધર્મોમાં દેહ દમન ઉપર બહુ ભાર મુકવામાં આવે છે. જેથી આત્મિક આનંદ માણસને સતત મળતો રહે. રસો વૈસ: અર્થાત તે(ઈશ્વર) રસ સ્વરૂપ છે તેવું ઉપનિષદ વાક્ય છે તે રસ એટલે આ રસ જે સતત દેહને માપસર કષ્ટ આપવાથી , એના ઉપર કાબુ કરવાથી મળતો રહે. તીખો સ્વાદ પણ ખરેખર સ્વાદ નથી એવું વિજ્ઞાન કહે છે. તીખું ખરેખર શરીરને અપાતી પીડા છે. આથી મરચાને ચામડી ઉપર મુકો તો પણ બળે છે , સાકરને ચામડી ઉપર મુકો તો ચામડીને તે ગળી લાગતી નથી. મહાત્મા તોલ્સટોય લખે છે કે એ જયારે સહુથી સુખી લોકોની ખોજમાં નીકળયા ત્યારે એમણે જોયું કે સહુથી સુખી લોકો ખેડૂતો અને કારીગરો હતા જે પોતાન પરિવાર સહીત સતત કામમાં , શ્રમમાં વ્યસ્ત રહેતા. તેઓ હમેશા સ્વસ્થ રહેતા, એમને કશી ફરિયાદ નહોતી અને તે હમેશા લાંબુ નિરોગી જીવન જીવીને અનેક બાળકો પણ સરળતાથી પેદા કરી શકતા. સહુથી દુ:ખી લોકો શ્રીમંત અને નશાખોરો હતા જેમને સતત ફરિયાદો હતી, સતત દુ:ખ અને રોગ હતા. માણસે ડોપામીન કાઢવા માટે આડા રસ્તા શોધી કાઢયા છે. દારૂ, ડ્રગ, પોર્ન, ટીવી, જુગાર, ફિલ્મો અને જન્કફૂડ વગેરે નું સેવન પણ ડોપામાઈન પેદા કરે છે, પરંતુ આ ડોપામીન ઇઝી ડોપામીન છે , એની માટે મહેનત નથી લાગતી. આથી આનું વ્યસન થઇ જાય છે, કશું કર્યા વિના બસ આનંદ આવતો રહે તો માણસને બીજું જોઈએ શું? આથી દારૂ ડ્રગ ટીવી સોશિયલ નેટવર્ક પોર્ન વગેરેના વ્યસની લોકો સમાજમાં જોવા મળે છે.. રમતોને ટીવી ઉપર જોવાથી પણ ડોપામીન ઝરે છે. પણ આદર્શ રીતે તો રમતો મેદાન ઉપર રમવી જોઈએ. રમતો જોવાની નહીં રમવાની વસ્તુ છે. જાણીતા વિચાર કાફ્કા એવા મતલબનું કહેતા કે બારીમાંથી લોકોની ચહલ પહલ જોવાની મજા માણસના જીવનની કરુણતા છે. ટીવી અને ફિલ્મો અને હવે તો યુટ્યુબ ઇન્સ્તા વગેરેએ આપણને સહુને આ “બારી-ઝાંખું” બનાવી દીધા છે. આ બેઠા બેઠા જે ડોપામાઇન ઝરે એને કારણે માણસ ધીમે ધીમે દુ:ખી =થતો જાય છે. એને હવે વધુને વધુ ડોપામાઈનની જરૂર પડે છે છેવટે ડોપામાઈન ખલાસ થઇ જાય છે અને માણસ નિરાશ હતાશ રોગી. મનોરોગોનું પ્રમાણ ભયજનક રીતે વધી રહ્યં છે અને હજી તો ઓર વધવાનું છે. શતાયુ વંદના નામની પુસ્તિકા સૃષ્ટિ ઓર્ગેનાઇઝેશન દ્વારા બહાર પડેલી જેમાં સૌરાષ્ટ્ર ગુજરાતના શતાયુ લોકોના ઇન્ટરવ્યૂ હતા. તમામ શતાયુ લકોમાં એક વાત સામાન્ય હતી કે સહુએ એમના જીવનમાં ખુબ હાડમારી, દુ:ખ ,કષ્ટ અને અભાવ વેઠેલા હતા. પીડા, કષ્ટ, દુ:ખ જ સુખનો દરવાજો છે. સજા એજ ખરી મજા છે અને મજા ખરેખર સજા છે.