સિદ્ધાર્થ રાઠોડ
પ્રસ્થાન:
આપણા બધા પાસે બે ઝીંદગી હોય છે. બીજી ઝીંદગી ત્યારે શરુ થાય કે જયારે આપણને ભાન થાય કે આપણી પાસે એક જ જિંદગી છે.
– કોન્ફ્યુશિયસ
- Advertisement -
અત્યારની પેઢી સાથે ચર્ચા કરવામાં મજા આવતી હોય છે અને એક શિક્ષક તરીકે મને એ માટે ઘણીવાર મોકો મળી જ જતો હોય છે. દસમા ધોરણમાં મારે એક પાઠ આવે છે કે જે ભગવાન બુદ્ધના ઉપદેશ પર આધારિત હોય છે. તે વાર્તા તો જોકે બહુ જાણીતી જ છે. કિસા ગૌતમી નામની એક મહિલાનું બાળક અકાળે અવસાન પામે છે અને ત્યારબાદ તેને લીધે તે બાપડી એ હકીકતને સ્વીકારી નથી શકતી કે તેનું બાળક મરી ગયું છે. બેબાકળી થઈને તે ઘરેઘરે જઈને પોતાના બાળક માટે ઔષધી માંગતી હોય છે. સૌ કોઈ તેની દયા ખાય છે અને અંતે એન સજ્જન તેને શાક્યમુનિ ગૌતમ બુદ્ધ પાસે જવાનું કહે છે. બુદ્ધ પાસે જઈને તે પોતાના બાળક માટે ઈલાજ માંગે ત્યારે બુદ્ધ તેને એક મુઠ્ઠીભર રાઈ લાવવાનું કહે છે. તે સાંભળીને તો તે મહિલા તો રાજી થઈને રાઈ લેવા જ જતી હોય છે કે બુદ્ધ તેને કહે છે કે “સબૂર! રાઈ એવા ઘરમાંથી લાવવાની છે કે જેમાં કોઈ માર્યું ના હોય.” પછી તો કિસ ગૌતમી જાય છે અને બધાના ઘરે રાઈ માંગતી ફરે છે. ભલા માણસો પણ તેની મદદ કરવા માટે તત્પર હોય છે કે થોડીક નહી તું તારે જોઈએ એટલી રાઈ લઇ જ જો એનાથી તારા બાળકને જીવન પાછું મળતું હોય તો પણ જયારે તે જનેતા તેને બુદ્ધે કહેલી શરત વિશે પૂછે છે ત્યારે તે બધા દુ:ખી થઇ જાય છે, “અમારી અંદર ધરબાયેલા સૌથી ઊંડા વિષાદને તું પાછો બહાર ના કાઢ.”,”જીવતા તો ઓછા છે અહીં પણ મરેલા તો અગણિત છે.” બિચારી કિસ ગૌતમી અંતે થાકીહારીને રસ્તાની બાજુએ બેસીને નગરના દિવા જુએ છે ત્યારે તેને એક વાત સમજાય છે. જેમ આ બધા દિપક ટમટમ હોય છે પણ અંતે તો એ બધાના નસીબમાં બુઝાવાનું જ લખ્યું હોય છે તેમ બધા મનુષ્યો, અરે મનુષ્યો શું આ સંસારમાં બધું જ નશ્વર છે. એટલે તે બધાનો નાશ નક્કી છે. આમ, આ બધાનો શોક કરવાથી મનને ઉદ્વેગ સિવાય કઈ મળતું નથી.
વિરામ:
જો તમે જીવનને પ્રેમ કરતા હોય તો સમય ના બગાડો કારણ કે જીવન સમયનું તો બનેલું હોય છે.
– બ્રુસ લી
આ વાર્તા પુરી થાય ત્યારે મને વિદ્યાર્થીઓ તરફથી એ પ્રશ્ન આવે કે આટલો બધો નેગેટિવ પાઠ શુંકામ સિલેબસમાં છે. કેટલી બધીવાર તેમાં કીધું કે આપણે મરવાના છીએ, કોઈ બચવાનું નથી ને એવું બધું. પછી મારે કહેવાનું હોય કે ગૌતમ બુદ્ધ એવી નેગેટિવ વાત કરીને આપણને હકીકતથી અવગત કરાવે છે. ખોટો ભ્રમણાઓ કરતાં આ વાસ્તવિકતા ભલે કડવી હોય પણ લાખ દરજ્જે સારી. સાચું જીવન ત્યારે જ શરુ થાય જયારે આપણને ભાન થાય કે આપણે બધા મૃત્યને શરણે જ છીએ. વી ઓલ આર સબ્જેક્ટ ટુ ડેથ. બુદ્ધ તો ત્યાં સુધી કહેતા કે જો ધ્યાન કરવું હોય્ય તો સ્મશાનમાં જઈને ચિતા સળગતી હોય તેની સામે બેસી ધ્યાન કરો. એક મડદાને જુઓ, તેના સગાસંબંધીઓને રડતા જુઓ. અંદરના ઘણાબધા ભ્રમ ભાંગીને ભુક્કો થઇ જશે. વાત તો આખરે સાચી જ છે ને.
- Advertisement -
જીવન વિશેના બધા ફુલગુલાબી ખયાલો મૃત્યુ સાથે પનારો પડતા ભેગા જ બળીને ભસ્મ થઇ જાય છે. મૃત્યુબોધ એક જાતની પરિપક્વતા માણસમાં લઇ આવે છે. પોતાના ધ્યેયે પ્રત્યે ફોક્સ વધારે શાર્પ બને છે. ક્ષુલ્લક વાતોને ફાલતુ ટાઈમ આપવાનું આપણે બંધ કરી દઈએ છીએ. સાધના માટેનો એક મહાન પંથ સ્થાપનાર ગુરુ ગોરખનાથ અહીં યાદ આવે છે. તેમણે શું કહ્યું છે?
તેઓ મરવાની વાત કરે છે. મરણ તો મધુર છે એવું કહે છે પણ એવી રીતે મરો કે જે રીતે મરીને ગોરખ દર્શનને પ્રાપ્ત થયા છે. આ શરીર નહી પણ આ અહંકાર, હુંપણું, ઈચ્છા એ બધી મરવી જોઈએ અને એમ થાય તો મૃત્યુથી વધુ કઈ મધુર નથી. આપણે અધ્યાત્મિક્તામાં એટલા ઊંડા ના ઉતારીએ તોપણ જે રીતે આપણે બધા નાનીનાની વાતોને બહુ ગંભીરતાથી લઈને લડાઈઝગડા ઊભા કરતા હોયએ છીએ તે જોતા આપણને મૃત્યુબોધ નથી એવું જ લાગે છે. મહાભારતમાં યક્ષ-યુધિષ્ઠિર સંવાદ આવે છે તેમાં તે યક્ષ પૂછે છે કે આ જગતમાં સૌથી મહાન આશ્ચર્ય શું છે. ત્યારે ધર્મરાજ ઉત્તર આપે છે કે લોકો જીવનપર્યંત પોતાના સ્વજનોને મૃત્યુ પામતા જોવા છતાં સ્વયં જીવનની આશા છોડી નથી શકતા એ મારા માટે આ જગતનું સૌથી મોટું આશ્ચર્ય છે.
પ્રસ્થાન:
જયારે મૃત્યુરુપી અતિથિ મારે દ્વારે આવશે ત્યારે
હું તેની સમક્ષ મારુ જીવનરૂપી પાત્ર ધરી દઈશ.
– રવીન્દ્રનાથ ઠાકુર