રેડબુલ કંપનીનાં વિવાદનાં 60 લાખનાં હવાલા મામલે અદાલતનું આકરું વલણ
ગરચરને કોઈ કોર્ટની, કોઈ જજ સાહેબની, કોઈ કાનૂની કાર્યવાહીનો ડર ન હોય તેવું ઉપસતું ચિત્ર
- Advertisement -
રાજકોટ પોલીસનો રાહુકાળ પૂરો થતો જ નથી, એક બાદ એક ગંભીર વિવાદો: હવાલા, કોઠાં-કબાડાંથી આબરૂનું ધોવાણ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ પોલીસ અવારનવાર હવાલાકાંડ અને જમીન કૌભાંડમાં બદનામ થતી રહેતી હોય છે. ખાસ કરીને ક્રાઈમ બ્રાન્ચ મલાઈ મળે એવી અરજીઓ લઈ ઓફ ધી રેકર્ડ કામગીરી કરવામાં તો મશહૂર થઈ ચૂકી છે. પાછલા પોલીસ કમિશનરની રાતોરાત ઓપન સિક્રેટના કારણે બદલી બાદ પણ કેટલાક પોલીસમેન સુધરવાનું નામ નથી લઈ રહ્યા. આવા જ એક પીએસઆઈ ગરચર વિરુદ્ધ હવે વોરન્ટ ઈશ્યુ થયું છે. વિવાદિત મિલ્કતના હવાલા અને 60 લાખની ઉઘરાણીના હવાલા મામલે રાજકોટ કોર્ટમાં ચાલી રહેલી બે અલગ અલગ કાર્યવાહીમાં પીએસઆઈ એ.એસ. ગરચર સહિતના સામે અરજી થયેલી છે. આ અરજીમાં પીએસઆઈ ગરચર હાજર નહીં રહેતા તેને 23 ડિસેમ્બરે કોર્ટમાં હાજર રહેવા માટે વોરન્ટ ઈશ્યુ કર્યાનું જાણવા મળે છે.
- Advertisement -
બનાવની વિગત અનુસાર અરજદાર એડવોકેટ પાર્થરાજસિંહ ઝાલાએ કરેલી લેખિત ફરિયાદમાં આરોપ મૂક્યો હતો કે તેમના સહિત અનેક રોકાણકારોએ શ્રુજય વોરાની રેડબુલ કંપનીમાં રૂ. 60.60 લાખનું રોકાણ કર્યું હતું. રોકાણ સામે વળતર મળતું ન હોવાથી રોકાણકારોએ પૈસા પરત માગતા 12 સપ્ટેમ્બરના રોજ શ્રૃજય વોરાએ રોકાણકારોને હિસાબ માટે નાગેશ્ર્વર સ્થિત તેના એપાર્ટમેન્ટમાં બોલાવ્યા હતા. ત્યારે કારમાં આવેલા અને ક્રાઈમ બ્રાન્ચ તરીકે ઓળખ આપનાર ચાર શખ્સ (બે શખ્સે કમરે રિવોલ્વોર, પિસ્ટલ જેવા હથિયાર લટકાવેલા હતા) લેણદારોને જામનગર રોડ સ્થિત ક્રાઈમ બ્રાન્ચની કચેરીએ લઈ ગયા.
અહીં પીએસઆઈ ગરચરે ધમકી આપી હતી કે, શ્રૃજય વોરા હવે કોઈને પૈસા પરત નહીં આપે. પૈસા ભૂલી જજો, હવે ઉઘરાણી કરશો તો વ્યાજખોરીના ગુનામાં ફીટ કરી દઈશ. ક્રાઈમ બ્રાન્ચની ઓળખ આપનાર શખ્સો પોલીસ નહીં પરંતુ લોન એજન્ટ સહિતના મળતીયાઓ હોવાની અને એ લોકોએ ક્રાઈમ બ્રાન્ચ સાથે સેટીંગ કરીને ઉઘરાણીનો હવાલો લીધાની માહિતી મળતા 14 સપ્ટેમ્બરના રોજ કમિશનરને લેખિત ફરિયાદ કરી હતી. પરંતુ કોઇ કાર્યવાહી નહીં થતાં હાઈકોર્ટમાં અરજી કરી હતી. હાઈકોર્ટે આ અરજી સંદર્ભે તપાસનો આદેશ આપતા રાજકોટ કોર્ટમાં કાર્યવાહી શરૂ થઈ છે.
આ કાર્યવાહી માટે પીએસઆઈ ગરચર સહિત તમામ પાંચ વ્યક્તિને કોર્ટમાં હાજર રહેવા સમન્સ ઈશ્ર્યુ કરાયા હતા પરંતુ પ્રદ્યુમનનગર પોલીસ સમન્સની બજવણી નહીં કરી શકતા અદાલતે પીએસઆઈ રાણીંગાને તાત્કાલીક સમન્સની બજવણી થાય અને 3 ડિસેમ્બરે તમામને કોર્ટમાં હાજર રહેવા તાકિદ કરી હતી. 3 ડિસેમ્બરે અન્ય ચાર વ્યક્તિ કોર્ટમાં હાજર રહ્યા હતા પરંતુ પીએસઆઈ ગરચર ડી.જી. કપ ક્રિકેટ ટુર્નામેન્ટના કારણે છુટ્ટા કરાયા હોય હાજર રહી શક્યા ન હોવાથી 23 ડિસેમ્બરની મુદતે હાજર રહેવા માટે પીએસઆઇ ગરચર સામે વોરન્ટ ઈશ્ર્યુ કરવામાં આવ્યાનું અરજદાર એડવોકેટ પાર્થરાજસિંહ ઝાલાએ જણાવ્યું છે.
ગરચર વિરુદ્ધ ACBમાં પણ અરજી થઈ છે
IPS શમશેરસિંહને કરાયેલી અરજીમાં અનેક સ્ફોટક વિગતોનો ઉલ્લેખ
રાજકોટનાં એડવોકેટ પાર્થરાજસિંહ ઝાલાએ એન્ટી કરપ્શન બ્યૂરોમાં ટોચનાં અધિકારી શમશેરસિંહને પી.એસ.આઈ. ગરચર વિરુદ્ધ એક વિગતવાર અરજી કરી છે. રેડ બૂલ કંપનીનાં રૂપિયા સાંઠ લાખના હવાલાનાં મામલે આ અરજી કરવામાં આવી છે. અરજીમાં એવો પણ આક્ષેપ કરાયો છે કે, અરજદારે પોલીસ કમિશનરને આ મામલે અરજી કરી હતી પણ કોઈ જ આધાર-પુરાવા એકત્રિત કર્યાં વગર અરજી ફાઈલ કરી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ અઈઇમાં આ મામલે અરજી થઈ ચૂકી છે.
મોરબી રોડના જમીન પ્રકરણમાં પણ ગરચરે હાથ કાળા કર્યા હતાં!
હાલમાં જ રાજકોટ પાસે મોરબી રોડ પર આવેલ અંદાજે 25 કરોડની કિંમતી જમીન ગોબરી કરવા રાજકોટ ક્રાઇમ બ્રાંચ પીએસઆઈ ગરચર અને તેની ટીમે લીધેલા હવાલાનું કારસ્તાન છાપરે ચડીને પોકાર્યું હતું. આક્ષેપ એવો થયો હતો કે, જમીન માલિક અશોક સગપરીયાને પીએસઆઈ ગરચર અને તેના રાઈટર સહીતનાઓએ ખાનગી કારમાં આવી ફિલ્મી સ્ટાઈલમાં ઘરેથી ઉઠાવી લઈ ક્રાઇમ બ્રાંચની ઓફિસે લઈ ગયા હતા. બાદમાં તને મારી નાખવા માટે આવેલા શખ્સોને પીસ્તોલ અને ગોળીઓ સાથે અમારી ટીમે દબોચી લીધા છે જેની ફરિયાદમાં તારે સહી કરવાની છે તેવું કહી બાદમાં તેઓને અરજી આપતા પોતાની જમીન કોઈ શખ્સોએ બળજબરીપૂર્વક લખાવી લીધી છે તેવું લખેલી ફરિયાદ હોય તેમાં ધરારથી સહી કરાવી લીધી હતી. મોરબી રોડ પરની 25 કરોડની જમીન મામલે પીએસઆઈ ગરચર અને ટીમ સામે તપાસ માટે હાઈકોર્ટનો હુકમ થયેલો હતો.
બદલીઓનાં ઘાણવા કાઢતાં પોલીસ કમિશનર ગરચરને શા માટે હેડક્વાર્ટરમાં બેસાડી દેતાં નથી?
ક્રાઈમ બ્રાન્ચનાં PSI ગરચરને એવો તો ક્યો અદૃશ્ય ટેકો છે કે, કોઈ એમને ક્રાઈમ બ્રાન્ચમાંથી હલાવી શકતું નથી. રાજકોટનાં નવા પોલીસ કમિશનરે ખૂરસી સંભાળ્યા બાદ બદલીનાં અનેક ઘાણવા કાઢ્યા છે. સજારૂપે બદલીઓ પણ કરી છે અને સસ્પેન્શન પણ કર્યાં છે. આ બધી પળોજણો વચ્ચે ગરચર અડગ-અડિખમ છે. તેમને કોઈ સ્પર્શ કરી શકતું નથી. ગરચર એવા કોઈ સખ્ત, બાહોશ કે જાંબાજ અધિકારી નથી. તેઓ પોલીસ ખાતાનું રત્ન કે ઘરેણું ય નથી. છતાં જીવની જેમ તેમનું જતન કરવા પાછળનું રહસ્ય શું હશે?
ગરચર પર અધિકારીઓનાં અપાર-અગાધ પ્રેમનું કારણ શું?
ક્રાઈમ બ્રાન્ચનાં PSI ગરચર વિરુદ્ધ ટૂંકા ગાળામાં જ અનેક ફરિયાદો વિવિધ સ્તરે થઈ છે. આમાંની મોટાભાગની ફરિયાદો અત્યંત ગંભીર કહી શકાય એવી છે. તેમ છતાં ગરચરને ઉની આંચ પણ આવતી નથી એ વાસ્તવિકતા છે. સવાલ એ છે કે, ગરચર પર આવા ગાઢ-અગાધ-અમાપ પ્રેમનું, શ્રદ્ધાનું, વ્હાલનું રહસ્ય શું છે? પોલીસ ખાતામાં પણ આ અંગે જોરશોરથી ચર્ચાઓ ચાલી રહી છે.