મોટી જાનહાનિ નહીં, ઈજાગ્રસ્તોને હૉસ્પિટલ ખસેડાયા
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.6
લીંબડી પાલનપુર એસટી ડેપોની એસટી બસ રાતે 8:45 કલાકે ખંભાળિયા રૂટના મુસાફરો બેસાડી રવાના થઈ હતી. અમદાવાદ, બગોદરા થઈને લીંબડી તરફ એસટી બસ આગળ વધી રહી હતી.
વહેલી સવારે 2 વાગ્યે એસટી બસ પૂરપાટ ઝડપે પાણશીણા પોલીસ ચોકી પાસેથી પસાર થઈ હતી. એસટીનો ડ્રાઈવર હરેશ ચમનલાલ પંડ્યા પૂરઝડપે બસ ચલાવી રહ્યો હતો. એસટી આગળ ચાલી રહેલ આઈસરના ચાલકે અચાનક બ્રેક મારી વાહનની ગતિ ધીમી કરી નાખી હતી. એસટી બસ આઈસરના પાછળના ભાગે ઘૂસી ગઈ હતી.
- Advertisement -
અકસ્માતમાં એસટી બસના ડ્રાઈવર હરેશ પંડ્યા, કંડક્ટર મહોમ્મદઅલી મિયાજીભાઈ અઘારિયા, શિકાના મહદહુશેન અદનાન, પાલનપુરના દિનાબેન નટવરલાલ, યાકૂબભાઈ હશનભાઈ, રહેમતબેન હશનભાઈ, મહંમદભાઈ, બાનુબેન અબ્બાસભાઈ સહિતના મુસાફરોને ઈજા પહોંચી હતી. ઘાયલોને સારવાર અર્થે લીંબડી અને ત્યાંથી વધુ સારવાર માટે સુરેન્દ્રનગર હોસ્પિટલે ખસેડાયા હતા.
આ અકસ્માતમાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નહોતી. કંડક્ટર મહોમ્મદઅલી અઘારિયાએ અકસ્માત સર્જનાર એસટી બસના ડ્રાઈવર હરેશ પંડ્યા સામે પાણશીણા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.