વર્તમાન પદાધિકારીઓની છેલ્લી બેઠક બાદમાં તા.10 સુધીમાં નવા ચહેરાઓ વોર્ડ સંભાળી લેશે
પ્રદેશ પ્રમુખ અને પ્રદેશ માળખા માટે જાન્યુઆરી સુધી રાહ જોવી પડશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
ગુજરાતમાં ભાજપ સક્રિય સદસ્યતા અભિયાન પણ તેના લક્ષ્યાંકને પહોંચી વળી શક્યું નથી તે વચ્ચે હવે પક્ષે સંગઠનમાં વોર્ડ અને તાલુકા કક્ષાની નિમણૂંકોનો દૌર શરુ કર્યો છે અને તા.15 સુધીમાં તમામ વોર્ડ અને તાલુકાઓમાં નવા પ્રમુખ, મહામંત્રી નિયુક્ત થઇ જશે તેવા સંકેત છે. રાજકોટમાં આવતીકાલે શહેર ભાજપ કાર્યાલય ખાતે વર્તમાન તમામ વોર્ડ પ્રમુખ, મહામંત્રીઓ અને પ્રભારીઓની બેઠક મળી રહી છે અને તે આખરી હશે તેમ મનાય છે. આ બેઠક બાદ દરેક વોર્ડમાં નવા પ્રમુખ-મહામંત્રીઓની નિયુક્તિ થઇ જશે અને ડિસેમ્બરના બીજા પખવાડિયાથી મહાનગર અને જિલ્લાના પ્રમુખો સહિતની પસંદગીઓ થઇ જશે તેમ માનવામાં આવે છે. જો કે પ્રદેશ પ્રમુખની નિયુક્તિ જાન્યુઆરીમાં જ થશે. આ દરમ્યાન સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવી રહી છે અને તેથી સંગઠનની પ્રદેશ કક્ષાએ નિયુક્તિમાં રાહ જોવાની ફરજ પડી રહી છે. સુત્રોના જણાવ્યા મુજબ પ્રાથમિક સભ્યોમાં લક્ષ્યાંક જેમ તેમ પાર પાડ્યા બાદ સક્રિય સદસ્યતામાં થઇ રહેલા વિલંબમાં હવે સંગઠનની રચનાને રોકી શકશે નહીં.



