બાંગ્લાદેશ સરકારના રિપોર્ટમાં દાવો
બાંગ્લાદેશની વચગાળાની સરકારે દેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાને લઈને એક આશ્ચર્યજનક રિપોર્ટ રજૂ કર્યો છે. આ રિપોર્ટ અનુસાર, શેખ હસીનાના 15 વર્ષના શાસન દરમિયાન દેશમાંથી દર વર્ષે સરેરાશ 16 અબજ ડૉલરની ચોરી થતી હતી.
- Advertisement -
શેખ હસીનાએ ખુલ્લેઆમ લૂંટ કરી
અહેવાલ રજૂ કરતી સમિતિની રચના વચગાળાની સરકારના વડા પ્રધાન મુહમ્મદ યુનુસે કરી હતી. અહેવાલ સામે આવ્યા બાદ યુનુસે એક નિવેદનમાં કહ્યું, ‘શેખ હસીનાએ અર્થતંત્રને કેવી રીતે લૂંટ્યું તે જાણીને અમારું લોહી ઉકળે છે. દુઃખની વાત એ છે કે તેઓએ ખુલ્લેઆમ લૂંટ કરી અને આપણામાંથી મોટાભાગના લોકો તેનો સામનો કરવાની હિંમત કરી શક્યા નથી. આ રિપોર્ટ દર્શાવે છે કે અર્થવ્યવસ્થાની વર્તમાન સ્થિતિ શું છે.’
આ રિપોર્ટમાં કયા પુરાવા છે?
કમિટીએ પોતાના રિપોર્ટમાં કહ્યું છે કે સમસ્યા અમે વિચારી હતી તેના કરતાં ઘણી મોટી છે. કમિટીએ હસીનાના શાસન દરમિયાન ભ્રષ્ટાચાર અને ગંભીર ગેરરીતિના પુરાવા રજૂ કર્યા છે. કમિટીએ આ કૌભાંડમાં સામેલ લોકોને જવાબદાર ઠેરવવા કાયદાકીય કાર્યવાહી શરુ કરવાની ભલામણ કરી છે.
- Advertisement -
ઉલ્લેખનીય છે કે આ વર્ષે જુલાઈ-ઑગસ્ટમાં વિદ્યાર્થીઓના આંદોલન અને હિંસક પ્રદર્શનો બાદ શેખ હસીનાએ પદ અને દેશ છોડી દીધો હતો. આ પછી શેખ હસીનાની પાર્ટીના નેતાઓ હાલમાં જેલમાં છે અથવા બાંગ્લાદેશમાં છુપાયેલા છે. ઘણા નેતાઓ દેશ છોડી ગયા છે. પક્ષના કોઈપણ પ્રવક્તાએ આરોપો પર ટિપ્પણી કરી નથી.