850 કરોડની નોટિસ ફટકારાઈ
સિદ્ધુને લિમડાના પાન, હળદર, તુલસી, લિંબુના ડાયેટથી પત્નીની કેન્સર દૂર કર્યાના વૈજ્ઞાનિક પુરાવા આપવા પડકાર
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
ક્રિકેટરમાંથી રાજકારણી બનેલા કોંગ્રેસના પૂર્વ સાંસદ નવજોતસિંહ સિદ્ધુ આયુર્વેદિક રીતે લિંબુ, હળદર, તુલસી જેવા ઘરેલુ ઓસડીયાની મદદથી પત્ની નવજોતકૌરની કેન્સરની બીમારી માત્ર 40 દિવસમાં દૂર કરવાનો દાવો કરીને વિવાદમાં સપડાયા છે. આ દાવાના પગલે છત્તીસગઢ સિવિલ સોસાયટીએ તેમને રૂ. 850 કરોડની નોટિસ ફટકારી છે, જેમાં તેમને 40 દિવસમાં તેમના દાવાઓ અંગે ખુલાસો કરવા જણાવાયું છે.
છત્તીસગઢ સિવિલ સોસાયટીના સંયોજક ડો. કુલદીપ સોલંકીએ જણાવ્યું કે, નવજોતસિંહ સિદ્ધુએ પત્ની નવજોતકૌર સિદ્ધુની ચોથા સ્ટેજના કેન્સરની બીમારી લિંબુ પાણી, હળદર, વિવિધ દાળના પાણી જેવા ડાયેટથી માત્ર 40 દિવસની અંદર દૂર કરી હોવાનો દાવો કર્યો છે. સિદ્ધુનો આ દાવો કેન્સરના દર્દીઓમાં ભ્રમની સ્થિતિ ઊભી કરી રહ્યો છે. તેના કારણે લોકોનો એલોપથી દવાઓ પરથી વિશ્વાસ ઊઠી રહ્યો છે.
- Advertisement -
નવજોતસિંહ સિદ્ધુના પત્ની નવજોતકૌર સિદ્ધુ વર્ષ 2022થી કેન્સરની બીમારીથી પીડિત હતાં. નવજોતસિંહ સિદ્ધુ એમ પણ કહે છે કે તેમની પત્નીને કેન્સર થયાનું નિદાન થયું ત્યારે તેઓ જેલમાં હતા. નવજોતકૌરને ચોથા સ્ટેજમાં કેન્સરનું નિદાન થયું હતું. આ સ્ટેજમાંથી તેઓ પાછાં આવ્યાં અને થોડાક સમય પહેલાં ડોક્ટરોએ નવજોતકૌર કેન્સરમુક્ત હોવાનું જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, લિમડાના પાંદડાના કેટલા રૂપિયા થાય? કાચી હળદરના કેટલા રૂપિયા થાય? તુલસીના કેટલા રૂપિયા થાય? લિંબુ અને વિનેગરના કેટલા રૂપિયા થાય? આ ચાર-પાંચ વસ્તુઓની મદદથી કેન્સરને હરાવી શકાય છે. કેન્સર દૂર કરવા કાર્બોહાઈડ્રેટ, રિફાઈન્ડ, સમોસા, જલેબી, મેંદો વગેરેથી દૂર રહેવું જોઈએ. સિદ્ધુના જણાવ્યા મુજબ લાઈફસ્ટાઈલમાં ફેરફાર કરીને લીમડાના પાંદડા, હળદર, લિંબુ અને તુલસીથી 40 દિવસમાં કેન્સરને હરાવી શકાય છે. કેન્સર દૂર કરવા માટે લોકોને આવી સલાહ આપતા નવજાતસિંહ સિદ્ધુ વિવાદોમાં સપડાયા છે.