રામકથા મેદાનમાં સંચાલકો એકઠા થશે: BU પરમિશન, ભાડા કરારના મુદ્દે વિરોધ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.29
ગુજરાત ઇન્ડિપેન્ડન્ટ પ્રિ-સ્કૂલ એસોસિએશન દ્વારા પ્રિ-સ્કૂલ નોંધણી નિયમમાં રહેલી વિસંગતતા દૂર કરવા રાજ્ય સરકારમાં વારંવાર લેખિત રજૂઆતો કરવામાં આવી છે. તેમ છતાં કેટલાક પ્રશ્નોનો હજુ સુધી ઉકેલ નહીં આવતા હવે આગામી તારીખ 3 ડિસેમ્બરે રાજકોટની આશરે 700 અને રાજ્યની 40 હજાર જેટલી પ્રિ-સ્કૂલના સંચાલકો બંધ પાડશે. બીયુ પરમિશન, ભાડા કરાર સહિતના મુદ્દે વિરોધ કરવા ગાંધીનગરના રામકથા મેદાનમાં રાજ્યભરમાંથી પ્રિ-સ્કૂલના સંચાલકો એકઠા થઇને વિરોધ કરશે.
- Advertisement -
ગુજરાત ઇન્ડિપેન્ડન્ટ પ્રિ-સ્કૂલ એસોસિએશન દ્વારા પ્રિ-સ્કૂલ નોંધણી નિયમમાં રહેલી વિસંગતતા દૂર કરવા રાજ્ય સરકારમાં વારંવાર રજૂઆતો કરી છે. સાથે સાથે પ્રાથમિક શિક્ષણ નિયામક, શિક્ષણ સચિવ, શિક્ષણમંત્રી, મુખ્યમંત્રીને પણ રૂબરૂમાં રજૂઆત કરી છે. સરકારે રજિસ્ટ્રેશન માટે ઘડવામાં આવેલા નિયમોની સામે પ્રિ-સ્કૂલોની રજૂઆત છે કે કોઈપણ (રેસિડેન્સિયલ, કોમર્સિયલ, એજ્યુકેશનલ) બી.યુ. પરમિશન માન્ય રાખવામાં આવે અને બી.યુ. પરમિશન ન હોવાના કિસ્સામાં સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી સર્ટિફિકેટને પણ માન્ય રાખવામાં આવે. 15 વર્ષના રજિસ્ટર્ડ ભાડા કરારને બદલે સાદો 11 મહિનાનો નોટરાઈઝડ ભાડા કરારની મંજૂરી આપવામાં આવે તો આ પ્રશ્ન હલ થઈ જાય તેમ છે. ટ્રસ્ટ / નોન પ્રોફિટ કંપની / સહકારી મંડળીની સાથે સાથે પ્રોપરાઇટર કે ભાગીદારીનો ઓપ્શન પણ પ્રિ-સ્કૂલની નોંધણી માટે હોવો જોઈએ.
ગુજરાત ઇન્ડિપેન્ડન્ટ પ્રિ-સ્કૂલ એસોસિએશન દ્વારા તારીખ 3 ડિસેમ્બરના રોજ સવારે 10:00 વાગે રામકથા મેદાન, ચ-3 રોડ, ગાંધીનગર ખાતે શાંતિપૂર્વક પ્રદર્શન કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. સાથે સાથે ગુજરાત રાજ્યની તમામ પ્રિ-સ્કૂલએ 3 ડિસેમ્બરના દિવસે બંધ રાખવાનું જાહેર કર્યું છે. આ શાંતિપૂર્વક પ્રદર્શનને સફળ બનાવા માટે ગુજરાત રાજ્યના તમામ પ્રિ-સ્કૂલ એસોસિએશન અને તમામ પ્રિ-સ્કૂલ ઓનરને જોડાવા આહ્વાન કર્યું છે.