કાર્તિકોલોજી: કાર્તિક મહેતા
થોડા સમય પહેલા એક સમાચાર ચમક્યા કે એક વિદ્યાર્થીને એક એ આઈ ચેટ બોટે અપશબ્દો કહ્યા. એ આઈ ચેટ બોટ એટલે એક એવી વેબસાઈટ જેના પર તમે પ્રશ્ન પૂછીને એના સમાધાન મેળવી શકો. આ પ્રશ્નોના સમાધાન એ પોતાને મળેલા ડેટા ઉપરથી આપે. તે સમાધાન કદાચ ખોટું પણ હોય અને ઉપર સમાચારમાં આવ્યું એમ સાવ નકામુ પણ હોઈ શકે. જોકે, આજે જે રીતે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટેક્નોલોજી ડેવલપ થઇ રહી છે તે જોતા સમય એવો આવશે કે તેના જવાબ સહુથી સાચા અને સચોટ હશે.
એક ક્રાંતિ દુનિયાને દરવાજે ટકોરા મારી રહી છે અને એનું નામ છે : આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ.
- Advertisement -
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટેક્નોલોજીનો કાચો માલ છે : ડેટા. આ ડેટા મેળવવાના અનેક રસ્તા છે. આજે યુટ્યુબ , ગુગલ , વ્હોટ્સએપ ,ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ઉપર રોજના અનેક વાર્તાલાપ , ઓડિયો, વિડીયો, સંદેશાઓ ઠલવાય છે. મોટાભાગના લોકોને નવાઈ લાગે છે કે આ ડેટા સાચવવાનો નિભાવ ખર્ચ આ લોકોને ક્યાંથી મળતો હશે? આ મોટાભગના નકામા દેખાતા ડેટાનું આ લોકો શું કરતા હશે?
આજે અનેક લોકો પોતાની કારકિર્દી છોડીને યુટ્યુબર કે ઇન્સ્ટા ઈનફ્લુએન્સર બની જાય છે. એનું કારણ શું હશે? કેમ આ બધી સેવાઓ તદ્દન ફરી એટલે કે નિ:શુલ્ક છે ? આમાં આ સેવાઓ આપનારને શું મળે?
આ બધા પ્રશ્નોનો એક જ ઉત્તર છે : ડેટા.
આર્ટીફિશિયલ ઇન્ટેલિજન્સ ની પારાવાર શક્તિઓનો ઉપયોગ કરવા માટે એને કાચા માલ તરીકે ડેટા જોઈએ છે. જેટલો ડેટા વધારે એટલી એની શક્તિઓ વધારે. લોકો શું જુએ છે? કેટલીવાર જુએ છે? જોનાર વર્ગની વય , પ્રદેશ , ભાષા, વગેરે શું છે ? એ શું સર્ચ કરે છે? એમાં શું પ્રતિભાવ આપે છે? શું રિએક્ટ કે કમેન્ટ કરે છે તે બધું ડેટા છે. આ ડેટા રૂપી સમુદ્રને મથી મથીને એમાંથી કિંમતી માહિતી પ્રાપ્ત કરવા માટે અને એ માહિતી ને આધારે ઓટોમેટિક નિર્ણયો લેવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલીજનસ ઉપયોગી છે.
એક ઉદાહરણથી સમજીએ. બે વતા બે બરાબર ચાર થાય તે વાત ને આંગળીને વેઢે ગણી શકાય.પણ “ભૂરી આંખો વાળા ચાલાક હોય છે.” કે “માંગલિક વ્યક્તિના લગ્ન મોડા થાય” એવી ગણતરી કરવા માટે ડેટા જોઈએ. અનેક ભૂરી આંખો વાળા વ્યક્તિને મળ્યા બાદ આપણું મગજ આપોઆપ એ નિર્ણય લઈ લેતું હોય છે કે એવા વ્યક્તિ ચાલાક હોય છે.એ જ રીતે અનેક માંગલિક વ્યક્તિઓ ની કુંડળી જોઇને એની જીવન પેટર્ન ઉપરથી નક્કી થઇ શકે કે આવા વ્યક્તિઓના લગ્ન મોડા થાય છે. કેમકે અવકાશમાં લાખો કિલોમીટર દૂર ફરતા મંગલ અને આપણા લગ્ન વચ્ચે કોઈ સીધો ગણિતીય સંબંધ બાંઘી શકાય એમ નથી. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આ રીતે કામ કરે છે. એને આપવામાં આવેલા ડેટાને તે પ્રોસેસ કરીને પોતાની જાતે તે નિષ્કર્ષ કાઢે છે.
આજે એવા પણ એ આઈ ટૂલ ઉપલબ્ધ છે જે યુટ્યુબ પર રહેલી ત્રણ કલાક ની ફિલ્મનો સાર કાચી સેક્ધડમાં કાઢી બતાવે.
એ આઈ ટેક્નોલોજી સોફ્ટવેર આધારિત ટ્વેક્નોલોજી છે જેમાં ગણિતનો ઉપયોગ થાય છે ,પરંતુ આ સોફ્ટવેર ચલાવવા હાર્ડવેર અનિવાર્ય છે. ઍન્વીડીયા નામની એક અમેરિકન કમ્પની કમ્પ્યુટરની વિડીયોગેમ માટે જીપીયુ (ગ્રાફિકસ પ્રોસેસિંગ યુનિટ) ચિપ બનાવતી હતી. જેથી વિડીયો ગેમનું પ્રોસેસિંગ ફાસ્ટ થતું. સમય જતા ખબર પડી કે આ જીપીયુનો ઉપયોગ એ આઈ માટે જબબર રીતે થઇ શકે એમ છે. આવું જણાતા જ એનવીદિયાના દિવસો ઉઘડી ગયા. કેમકે ઍન્વીડીયા જીપીયુ ચીપ ડિઝાઇનિંગમાં પ્રમુખ કંપની હતી. એ આઈની ભવિષ્યની સંભાવનાઓ જોતા ઍન્વીડીયા અમેરિકન સ્ટોક માર્કેટની હીરો બની ગઈ અને એણે બમ્પર રિટર્ન તો આપ્યું જ સાથે સાથે તે અમેરિકાની ટોચની નેટવર્થ ધરાવતી કમ્પની પણ બની ગઈ.
એ આઈ એક મોટું ક્ષેત્ર છે જેના અંતર્ગત મશીન લર્નિંગ અને ડેટા માઇનિંગ જેવા વિષયો આવે છે. પરંતુ મૂળ તો ડેટા રૂપી ખાણને ખોદીને એમાંથી કિંમતી રત્નો અને ધાતુઓ મેળવવાનું આ કામ છે.જેની માટે ગણિતની વિવિધ ટેક્નિકનો ઉપયોગ કરવામાં આવે છે.
- Advertisement -
મુકેશ અંબાણી એક એજીએમમાં બોલ્યા હતા કે “ડેટા ઇઝ ન્યુ ઓઇલ” અર્થાત ડેટા હવે તેલ (જેટલો કિંમતી) છે.
આવું ઉચ્ચારવાનું કારણ છે : એ આઈ ના ક્ષેત્રમાં રહેલી અપાર સંભાવનાઓ.
અમુક ઉદ્ધારણ સમજીએ.
ધારોકે ડાયાબિટીસના દર્દીને અગાઉથી જાણ થઇ જાય કે એને એટેક આવવનો છે અથવા તો એનું સુગર લેવલ ઉપર નીચે થવાનું છે તો તે અગાઉથી આવનાર જોખમને ટાળીને પોતાનું જીવન બચાવી શકે. અને હા, આવી આગાહી કરવી એ આઈ દ્વારા શક્ય છે.
જો એ આઈ દ્વારા ઇલેક્ટ્રિકલ ગ્રીડમાં આવનાર ફોલ્ટની જાણ અગાઉથી થાય તો એને મોટા અકસ્માત કે નુકસાન વિના નિવારી શકાય.
શેરબજારના ચડાવ ઉતારનો અંદેશો અગાઉથી મળે તો “સ્માર્ટ” અને “ટૂંકે” રસ્તે નાણાં કમાઈ શકાય એવી સંભાવનાઓ ઓલરેડી વાસ્તવિકતા બની ચુકી છે. એ આઇ નો ઈન્ડસ્ટ્રીઅલ ઉપયોગ તો હવે રાજાના કુંવરની જેમ રાતદિન વધતો જાય છે અને ચમત્કારિક પરિણામો પણ આપી રહ્યો છે.
જાણીને નવાઈ લાગે એવું છે પણ ભારતની ઇજનેરી કોલેજોમાંથી બહાર પડતા વિદ્યાર્થીઓ ને હાઈએસ્ટ પેકેજ આપનાર કમ્પનીઓ એ આઈ ઉપર કામ કરે છે. કોઈ ક્ષેત્ર એવું નથી રહ્યું જ્યાં એ આઈ પોતાની છાપ છોડવા સક્ષમ ના હોય. હમણાં અમદાવાદમાં એક કોલેજમાં એ આઈ ના ખેતી ઉપરના પ્રભાવ ઉપર સેમિનાર થઇ ગયો.
મુકેશભાઈ અંબાણી તો એવું બોલ્યા કે “ડેટા એ નવું ઓઇલ છે” પણ લાગે છે કે ડેટા ઓઇલ કરતા પણ મૂલ્યવાન સાબીત થવાનો છે એ નક્કી.