ગોતામાં 50 કરોડનો પ્રોજેકટ : તમામ રાજયોના ફૂલ નિહાળી શકાશે: દોઢ વર્ષમાં તૈયાર થશે પાર્ક
અમદાવાદ મહાપાલિકા દ્વારા શહેરના ગોતા વોર્ડમાં દેવ સિટી નજીક રૂપિયા 50 કરોડથી વધુના ખર્ચે અંદાજે 25 હજાર ચોરસ મીટર જગ્યામાં લોટસ પાર્ક ડેવલપ કરાશે. ગોતા વોર્ડમાં TP-29માં FP-4ના પ્લોટમાં ડેવલપ કરવામાં આવનાર લોટસ પાર્ક અથવા ગારલેન્ડ ઓફ ઈન્ડિયા (સંસ્કૃતમાં કૌસુમ)માં કમળના ફુલના સ્વરૂપમાં પ્રતિકાત્મક માળખું ઉભું કરાશે.
- Advertisement -
કમળની પાંદડીઓ- ટેબલેટમાં દેશના તમામ રાજ્યોના પ્રખ્યાત ફૂલોનું પ્રદર્શન કરાશે. ભારતનું સૌથી પહેલું અને મોટું કમળ આકારનું પાર્ક બનાવવામાં આવશે. એક જગ્યાએ જ ભારતના તમામ રાજ્યના ફૂલોને નિહાળી શકાશે. દરેક પાંખડી ચોક્કસ રાજયના ફૂલનું પ્રદર્શન કરશે.
આમ, વિવિધતામાં એકતાના વિચારને મજબૂત કરવા આ પ્રોજેક્ટ શહેરીજનો માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકશે. એક ચોક્કસ જગ્યાએ દેશના તમામ રાજ્યોના ફૂલોની કલ્પના કરી શકશે. આ પાર્ક દોઢ વર્ષમાં તૈયાર કરાશે. જેના માટે કમિટીમાં રૂપિયા 20 કરોડની ફાળવણી સાથેની દરખાસ્ત મંજૂર કરાઈ છે.