કપાસના વાવેતર સાથે ગાંજાની ખેતી કરનાર શખ્સ ઝડપાયો
7.60 લાખની કિમતના 76 કિલો ગાંજાના 40 છોડ કબ્જે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ ગ્રામ્ય એસઓજીની ટીમે માદક પદાર્થોનું વેચાણ કરતાં શખ્સો ઉપર રીતસરની ધોંસ બોલાવી હોય તેમ મંગળવારે ગોંડલના વોરાકોટડા રોડ ઉપર આવાસ ક્વાર્ટરમાં દરોડો પાડી 852 ગ્રામ ગાંજા સાથે એજાજ ઉર્ફે મામુને ત્રીજી વખત દબોચી લીધા બાદ ગઈકાલે બુધવારે વિંછીયાના અજમેર ગામની સીમમાં દરોડો પાડી 17 વીઘા જમીનમાં કપાસ અને તુવેરના પાકની વચ્ચે વાવેલા 76 કિલો ગાંજાના 40 છોડ કબજે કરી વાડીમાલિક રાયધન વાલજીભાઈ ગાબુ ઉં. 25 સામે ગુનો નોંધી ધરપકડ કરી છે. રાજકોટ જિલ્લામાં ડ્રગ્સના દુષણને ડામી દેવા જિલ્લા પોલીસવડા જયપાલસિંહ રાઠોડની સુચના અને માર્ગદર્શન હેઠળ ગ્રામ્ય એસઓજી પીઆઇ પારઘી અને પીએસઆઈ ભાનુભાઇ મિયાત્રા સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો દરમિયાન સ્ટાફને મળેલી ચોક્કસ હકીકત આધારે વિંછીયા તાલુકાના અજમેર ગામે સીમમાં દરોડો પાડતા જમીનમાં ચોતરફ તુવેરનું અને વચ્ચે કપાસનું વાવેતર જોવા મળ્યું હતું
ઉપરાંત અમુક ક્યારા જુવારના પણ હતા. વચ્ચેના ભાગે ગાંજાનું વાવેતર મળી આવતા પોલીસે ગાંજાના 40 છોડ ગણ્યા હતા. જેનો વજન કરતા 75 કિલો 960 ગ્રામ થયો હતો. જેની કિંમત રૂ.7,59,600 ગણી કબજે કરી વાડી માલિક રાયધન ગાબુ સામે વિંછીયા પોલીસ મથકે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો રજીસ્ટર કરાયો હતો આરોપીની પૂછપરછ કરતા જાણવા મળેલ કે, 8 માસ અગાઉ 8 પેટી દારૂ સાથે પકડાયો હતો. જેલમાંથી છુટતા તેણે ગાંજાનું વાવેતર કર્યું હતું. પ્રથમ વખત જ ગાંજાની ખેતી કરી હોવાનું રટણ કર્યું છે રિમાન્ડ મેળવવા પોલીસે તજવીજ હાથ ધરી છે આ કામગીરીમાં એએસઆઈ જયવીરસિંહ રાણા, અતુલભાઇ ડાભી, સંજયભાઇ નીરજંની, હેડ કોન્સ્ટેબલ પ્રહલાદસિંહ રાઠોડ, વિજયભાઇ વેગડ, હિતેશભાઇ અગ્રાવત, અરવિંદભાઇ દાફડા, અમીતભાઇ કનેરીયા, શિવરાજભાઇ ખાચર, કોન્સ્ટેબલ વિજયગીરી ગૌસ્વામી, ચીરાગભાઇ કોઠીવાર, રઘુભાઇ ઘેડ, નરશીભાઇ બાવળીયા પણ જોડાયા હતા