પાકિસ્તાન ક્રિકેટમાં અંદરોઅંદર ડ્રામા ચાલુ : અંદરનાં સમાચાર બહાર આવતાં પીસીબીમાં ખળભળાટ
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડએ અહેવાલોને ફગાવી દીધાં છે કે જેસન ગિલેસ્પી ટૂંક સમયમાં મુખ્ય કોચ પદ પરથી રાજીનામું આપશે. પીસીબીએ એક નિવેદનમાં કહ્યું છે કે, ગિલેસ્પી દક્ષિણ આફ્રિકા સામેની બે ટેસ્ટ મેચમાં પાકિસ્તાની ટીમનાં કોચ રહેશે.
- Advertisement -
મીડિયામાં એવાં અહેવાલો આવ્યાં હતાં કે, ગિલેસ્પીને મુખ્ય કોચ તરીકે નિયુક્ત કર્યાના 6 મહિનાની અંદર જ તેમને હટાવી દેવામાં આવશે. આ વર્ષે ટી-20 વર્લ્ડ કપ પહેલાં જેસન ગિલેસ્પીને ટેસ્ટમાં પાકિસ્તાનનો મુખ્ય કોચ બનાવવામાં આવ્યો હતો. દક્ષિણ આફ્રિકાના ગેરી કર્સ્ટનને ઓડીઆઇ અને ટી-20ની જવાબદારી સોંપવામાં આવી છે. તે પછી ગિલેસ્પીને ઓડીઆઇ અને ટી-20નો વચગાળાનો મુખ્ય કોચ પણ બનાવવામાં આવ્યો હતો.
કેટલાક અહેવાલોમાં એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે ગિલેસ્પી પગાર વધારા વિના ત્રણેય ફોર્મેટમાં કોચ કરવા માંગતા ન હતાં. આ કારણોસર પીસીબી તેને હટાવવાની તૈયારી કરી રહ્યું છે. પીસીબીએ એક્સ પર લખ્યું કે પીસીબીએ આ સમાચારને સખત રીતે નકારી કાઢ્યાં છે. અગાઉ અહેવાલ મુજબ જેસન ગિલેસ્પી દક્ષિણ આફ્રિકા સામેની બે ટેસ્ટ મેચો માટે પાકિસ્તાન ટીમનાં કોચ રહેશે. ગિલેસ્પીનો કોન્ટ્રાક્ટ 2026 સુધીનો છે. પરંતુ દક્ષિણ આફ્રિકા પ્રવાસ બાદ તેનું શું થશે તે અંગે હજુ સ્થિતિ સ્પષ્ટ નથી. આનો અર્થ એ છે કે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડની અંદર ચોક્કસ કંઈક રંધાઈ રહ્યું છે.
આ દરમિયાન, અહેવાલો અનુસાર પાકિસ્તાનનાં ભૂતપૂર્વ ફાસ્ટ બોલર આકિબ જાવેદને પાકિસ્તાનની વ્હાઇટ બોલ ક્રિકેટ ટીમનો કોચ બનાવવામાં આવી શકે છે. જાવેદ હાલમાં મેન્સ ક્રિકેટ સિલેક્શન કમિટીના ક્ધવીનર છે. તે 24 નવેમ્બરથી શરૂ થઈ રહેલાં ઝિમ્બાબ્વે પ્રવાસ પહેલાં મર્યાદિત ઓવરોની ભૂમિકા નિભાવે તેવી અપેક્ષા છે. પાકિસ્તાનની ટીમ હાલ ઓસ્ટ્રેલિયાનાં પ્રવાસે છે. આ પછી ઝિમ્બાબ્વે ત્રણ વનડે અને તેટલી ટી-20 મેચ રમશે. આ પછી પાકિસ્તાન દક્ષિણ આફ્રિકાના પ્રવાસે જશે. ત્યાં ત્રણ વનડે અને ત્રણ ટી-20 બાદ બંને ટીમો વચ્ચે બે મેચની ટેસ્ટ શ્રેણી શરૂ થશે.




