ખાસ-ખબર ન્યૂઝ અમદાવાદ
27મી ઓક્ટોબરે અમદાવાદના નારોલમાં એક ફેક્ટરીમાં ગેસ ગળતરથી 2 લોકોના મોત થયા હતા.જ્યારે 4ની સ્થિતિ ગંભીર હોવાથી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ત્યારે ગુજરાત કોંગ્રેસે સરકારી વિભાગની બેદરકારી અને ભ્રષ્ટાચારના કારણે લોકોએ જીવ ગુમાવ્યા હોવાનો આરોપ લગાવ્યો છે. રાજ્યમાં ફેક્ટરી અકસ્માતથી છેલ્લા પાંચ વર્ષમાં 992 શ્રમિકોના મૃત્યુ હોવાનો આંકડો રજૂ કરીને આરોપ લગાવ્યો છે. જેમાં સૌથી વધુ મૃત્યુ સુરતમાં થયા છે અને 155 શ્રમિકોએ જીવ ગુમાવ્યાં છે. જ્યારે અમદાવાદ શહેરમાં ફેક્ટરી અકસ્માતથી 126 અને વલસાડમાં 92 શ્રમિકોએ જીવ ગુમાવ્યાં છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા પાર્થિવરાજસિંહ કઠવાડિયા મીડિયાને સંબોધતા જણાવ્યુ કે, ગુજરાત રાજ્યના સરકારી વિભાગની બેદરકારી, ભ્રષ્ટાચારના પાપે નિર્દોષ શ્રમિકો જીવ ગુમાવી રહ્યા છે. ગુજરાત રાજ્યના શ્રમ વિભાગના ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી અને હેલ્થના આંકડા મુજબ 5 વર્ષમાં ફેક્ટરી દુર્ઘટનામાં 992 શ્રમિકો એ જીવ ગુમાવ્યા છે. ગુજરાત રાજ્યમાં વર્ષ 2018થી વર્ષ 2022માં સહુથી વધુ મૃત્યુ સુરતમાં થયા છે. સુરત જિલ્લામાં પાંચ વર્ષમાં 155 શ્રમિકોના ફેક્ટરી દુર્ઘટનામાં મોત થયા છે. જ્યારે અમદાવાદ જિલ્લામાં પાંચ વર્ષ 126 શ્રમિકોએ ફેક્ટરી અકસ્માતમાં જીવ ગુમાવ્યા છે અને વલસાડ જિલ્લામાં 92 શ્રમિકો એ ફેક્ટરી અકસ્માતથી જીવ ગુમાવ્યા છે.