હીરાસર એરપોર્ટને કેશુભાઈ પટેલ નામ આપવા આંતરરાષ્ટ્રીય કુર્મી સેનાનો ઠરાવ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલની ચોથી પુણ્યતિથિએ રાજકોટમાં આંતરરાષ્ટ્રીય કૂર્મી સેના દ્વારા સ્મરણાંજલિ સભા યોજાઈ હતી. જોકે, આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમ શક્તિ પ્રદર્શન સ્વરૂપ હોય તેવું લાગી રહ્યું હતું. કારણ કે, કેશુભાઈ પટેલનું અવસાન થયાના ચોથા વર્ષે આ પ્રકારનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટને કેશુભાઈ પટેલનું નામ આપવા ઠરાવ થયો હતો. આ અંગે આગામી સમયમાં કેન્દ્ર સરકાર સમક્ષ લેખિત રજૂઆત કરવામાં આવશે.
આ કાર્યક્રમમાં પાટીદાર ઉપરાંત અન્ય સમાજ અને રાજકીય પાર્ટી ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પક્ષના આગેવાનોને બોલાવી ‘હમ સબ એક હે’નો સંદેશો આપવામા આવ્યો હતો. આ તકે કેશુભાઈની વિશાળ પ્રતિકૃતિ સાથે સરદાર પટેલ અને છત્રપતિ શિવાજી મહારાજના કટઆઉટ જોવા મળ્યાં હતાં. કાર્યક્રમમાં ભાજપનાં પૂર્વ ધારાસભ્ય ગોવિંદ પટેલ, મેયર નયનાબેન પેઢડીયા, વલ્લભ કથીરીયા ઉપરાંત શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણી, વિરોધ પક્ષના નેતા વશરામ સાગઠિયા ઉપરાંત આમ આદમી પાર્ટીના આગેવાન શિવલાલ બારસિયા સહિતના ઉપસ્થિત રહ્યા હતા.
જ્યારે કૂર્મિ સેનાના સભ્ય જીજ્ઞેશ કાલાવડીયાએ જણાવ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય કૂર્મી સેના સમગ્ર દેશમાં પાટીદારોનું નવરચિત સંગઠન છે. જેનો આજે સર્વ પ્રથમ કાર્યક્રમ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલની ચોથી પુણ્યતિથિ નિમિત્તે યોજવામાં આવ્યો છે. જેમાં કેશુ બાપા સાથે કામ કરી ચૂકેલા રાજકીય અને સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા છે.
અહીં કેશુભાઈ પટેલના જીવન પર આધારિત પુસ્તકનું વિમોચન થઈ રહ્યુ છે. સાથે જ 30 મિનિટની શોર્ટ ફિલ્મ બતાવવામાં આવી હતી. આ ઉપરાંત રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટને કેશુભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ નામ આપવામાં આવે તે પ્રકારનો ઠરાવ ઉપરાંત લેખિત રજૂઆત કેન્દ્ર સરકાર સમક્ષ આગામી સમયમાં કરવામાં આવશે.