દર 5.33 મિનિટે 1 ફ્લાઈટની અવરજવર; દુબઇ જતા યાત્રિકોની સંખ્યા સૌથી વધુ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ દેશનું 7મું સૌથી વ્યસ્ત એરપોર્ટ બની ગયું છે. દર 5.33 મિનિટમાં એક ફ્લાઈટ ઓપરેટ થાય છે. ગત વર્ષની સરખામણીએ 8 ટકા ફ્લાઈટ મુવમેન્ટમાં વધારો થયો છે. હાલમાં અમદાવાદ એરપોર્ટ પરથી લગભગ દૈનિક 270 ફ્લાઈટની અવરજવર થાય છે. વર્ષ 2024ના એપ્રિલથી સપ્ટેમ્બર દરમિયાન 60 લાખ કરતા વધુ મુસાફરોએ અવરજવર કરી છે. જેમાંથી 50 લાખ મુસાફરોએ ડોમેસ્ટિક જ્યારે 10 લાખ મુસાફરોએ ઇન્ટરનેશનલ પ્રવાસ કર્યો છે. જેમાં દિલ્હી-મુંબઈ અને દુબઇ જતા યાત્રિકોની સંખ્યા સૌથી વધુ જોવા મળી રહી છે.
વર્ષ 2024માં એપ્રિલથી સપ્ટેમ્બર મહિના દરમિયાન અમદાવાદ એરપોર્ટ પરથી લગભગ 48,000 કરતાં વધુ ફ્લાઈટ ઓપરેટ થઈ છે. એટલે કે, ગત વર્ષની સરખામણીએ 8 ટકા ફ્લાઈટ મુવમેન્ટમાં વધારો થયો છે. ઉલ્લેખનીય છે કે, હાલમાં અમદાવાદના એરપોર્ટ પરથી લગભગ 270 ફ્લાઈટની અવરજવર દરરોજ થાય છે. જ્યારે ગત વર્ષે આ સમયગાળા દરમિયાન 220થી 230 ફ્લાઈટની અવરજવર રહેતી હતી. અમદાવાદ એરપોર્ટનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર અપગ્રેડ થયા બાદ તે હવે અનેક ઇન્ટરનેશનલ એરલાઇન્સ માટે પશ્ચિમ ભારતમાં પસંદગીનું એરપોર્ટ બન્યું છે. જેને કારણે અનેક નવી કનેક્ટિવિટી પણ શરૂ થઈ છે. સીધી કનેક્ટિવિટી મળતા પેસેન્જરની સંખ્યામાં પણ વધારો થયો છે.



