ભારતની વધતી વસ્તીને જોતા લોકો ઓછા બાળકો પેદા કરવાની સલાહ આપી રહ્યા છે, પણ આ તરફ આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ લોકોને વધુ બાળકો પેદા કરવાની અપીલ કરી રહ્યા છે.
ભારતમાં સતત વધતી વસ્તી ચિંતાનો વિષય છે અને સરકાર લોકોને જાગૃત કરવા માટે વિવિધ પ્રકારના અભિયાનો પણ ચલાવી રહી છે. પરંતુ આ તરફ આંધ્રપ્રદેશના સીએમ ચંદ્રબાબુ નાયડુ લોકોને વધુ બાળકો પેદા કરવાની અપીલ કરી રહ્યા છે. એટલું જ નહીં બેથી વધુ બાળકો હોય એવા જ લોકોને જ ઉમેદવાર બનાવવા માટે કાયદો લાવવાની યોજના બનાવી રહ્યા છે.
- Advertisement -
સીએમ નાયડુએ અમરાવતીમાં કહ્યું કે, “અમે વધુ બાળકો ધરાવતા પરિવારોને પ્રોત્સાહિત કરવાનું વિચારી રહ્યા છીએ. જેથી પરિણીત યુગલોને વધુ બાળકો પેદા કરવા માટે પ્રોત્સાહિત કરી શકાય. અમે એવા કાયદાને પણ રદ્દ કરવાનું વિચારી રહ્યા છીએ જે બે કરતાં વધુ બાળકો ધરાવતા લોકોને સ્થાનિક સંસ્થાઓની ચૂંટણી લડવા પર પ્રતિબંધ મૂકે છે. અમે કઇંક નવું લાવીશું, જે કાયદા હેઠળ માત્ર બે કરતાં વધુ બાળકો હોય એ ઉમેદવાર જ ચૂંટણી લડવા માટે લાયક ગણાશે.”
ચીન અને જાપાનના ઉદાહરણ આપતા મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, “ આપણી પાસે 2047 સુધી જ વસ્તી વિષયક લાભ છે. 2047 પછી, આંધ્રપ્રદેશમાં યુવાનો કરતાં વધુ વૃદ્ધો હશે, આ પહેલેથી જ જાપાન, ચીન અને યુરોપના ઘણા દેશોમાં થઈ રહ્યું છે, વધુ બાળકો પેદા કરવાની જવાબદારી પણ તમારી છે આ ફક્ત તમારા માટે જ નહીં, દેશ માટે પણ ફાયદાકારક છે.”
ઓગસ્ટ 7 ના રોજ, આંધ્ર પ્રદેશ સરકારે બે કરતાં વધુ બાળકો ધરાવતા લોકોને ચૂંટણી લડવા પર પ્રતિબંધ મૂકતો કાયદો નાબૂદ કર્યો. જેના પર સીએમએ કહ્યું કે તેમની સરકાર હવે એવો કાયદો લાવશે જેના હેઠળ બેથી વધુ બાળકો હોય એ લોકો જ સ્થાનિક સંસ્થાઓની ચૂંટણી લડી શકશે.