ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
જેના ગર્ભમાં દીવો છે એવો ઘડો એટલે સંસ્કૃતમાં દીપગર્ભો ઘટ’, તેમાંથી થયો દીપગર્ભો’, પછી ગરભો’ અને અંતે ગરબો’ ! તેને માથે રાખી કે વચ્ચે રાખીને થતું વર્તુળાકાર નર્તન પણ કાળક્રમે ગરબો’ જ કહેવાયું. જેનો ધબકાર આજે ગરબામાં ઝિલાય છે. આજ રીતે માતાજીને હ્રદયમાં રાખી પ્રણામી પાર્ક કો ઓપરેટિવ હાઉસિંગ સર્વિસ સોસાયટી દ્વારા દર વર્ષની માફક આ વખતે પણ રાસ ગરબા યોજાયા છે. જેમાં સોસાયટીની નાની નાની દીકરીઓ દ્વારા અવનવા રાસ રજૂ કરી માતાજીની આરાધના, સાધના, ઉપાસના કરવામાં આવે છે. એટલુંજ નહીં અહિં દરરોજ સામાજિક સંદેશાઓ આપતા વિવિધ નાટકો રજૂ કરી લોકોને જાગૃત કરવામાં આવે છે.
- Advertisement -
જેમાં નારીના ભાવ તથા ભાવનાનું સ્વની ભૂમિકાથી સર્વની ભૂમિકાએ પહોંચતું સંવેદન હોય એનું શબ્દલય, ભાવલય ને સંગીતની છટા અને છાકને અંકિત કરે એવું કાવ્યમય નિરુપણ હોય તથા તાળી અને ઠેક સાથે ગરબે ઘૂમવાનો પૂરતો અવકાશ હોય એવું ગીત તે ગરબો. પ્રણામી પાર્ક કો ઓપરેટિવ હાઉસિંગ સર્વિસ સોસાયટી દ્વારા ખંજરી રાસ, તલવાર રાસ, બેડા રાસ, દીવડા રાસ, ભૂવા રાસ, તાળી રાસ, ગાગર રાસ અને હેલ્લારો વગેરે રજુ કરી શક્તિની ભાવવાહિ ભકિત 84 બાળાઓ દ્વારા થઇ રહી છે. આ ઉપરાંત “દીકરી વ્હાલનો દરિયો”, “વ્યસનો વિશેનું નાટક”, “બાળકો દ્વારા મોબાઈલના દુરુપયોગ અંગે નું નાટક” વગેરે નાટકો દ્વારા સામાજિક સંદેશો આપવાનો પણ નવતર અભિગમ અપનાવાયો છે. સોસાયટીના લોકો તેમજ આજુબાજુના વિસ્તારના લોકો મોટી સંખ્યામાં પ્રાચીન રાસ નિહાળવા
આવે છે.