ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.4
ગુજરાતના લોકોને હવે ખુલ્લામાં સિંહ જોવા હોય તો સાસણ, ધારી કે જૂનાગઢ સુધી નહિ જવું પડે રાજકોટમાં જ લાયન પાર્કમાં એશિયાટીક સિંહને ખુલ્લામાં નિહાળી શકાશે. આ માટે રાજકોટમાં પ્રદ્યુમ્ન પાર્ક પાસે 29 હેકટરમાં ગીર જેવું જંગલ વિકસાવીને તેમાં સિંહ પરિવારને રાખવામાં આવનાર છે. બસ કે વાહન લઈ અંદર જઈ સિંહને નૈસર્ગિક વાતાવરણમાં જોઈ શકાશે.
રાજકોટ પ્રાણીઉદ્યાન ખાતે રાજકોટ શહેર તથા આસપાસના જીલ્લાઓના મુલાકાતીઓ ઝૂ ખાતે પધારે છે. જેઓને પ્રાણીસંગ્રહાલય ઉપરાંત નવા નજરાણા સ્વરૂપે લાયન સફારી પાર્ક જેવું ઉત્તમ આકર્ષક ફરવાનું સ્થળ મળી રહે અને સિંહ સંરક્ષણ-સંવર્ધનના પ્રયત્નોમાં વધારો થાય તેમજ ઇકો ટુરીઝમ ક્ષેત્રે વધારો થાય તે માટે રાજકોટ પ્રાણીઉદ્યાનના વિસ્તૃતિકરણ તરીકે એશિયાટીક લાયન સફારી પાર્ક બનાવવામાં આવનાર છે. જે માટે ઝૂ ની પૂર્વ દિશાએ સર્વે નં.144, 145 તથા 150ની કુલ અંદાજે 29 હેકટર જમીનમાં લાયન સફારી પાર્ક વિકસાવવામાં આવનાર છે. જે અંતર્ગત આજ તા.03 ના રોજ વોર્ડ નં.05માં રૂ.20.18 કરોડના ખર્ચે એશિયાટિક લાયન સફારી પાર્ક માટે કમ્પાઉન્ડ વોલ તથા ચેઈનલીંક ફેન્સીંગ દિવાલ બનાવવાના કામનું ખાતમુહૂર્ત વિધાનસભા-68ના ધારાસભ્ય ઉદયભાઈ કાનગડના હસ્તે કરવામાં આવ્યું હતું. આ ખાતમુહૂર્ત પ્રસંગે મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.



