ખાસ-ખબર ન્યૂઝ રાજુલા, તા.4
આજથી માઁ દુર્ગાની આરાધનાનો પર્વ નવલા નોરતાનો પ્રારંભ થયો છે. ત્યારે દેશમાં ભરમાં નવલી નોરતાની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામા આવે છે. ત્યારે રાજુલા શહેરમાં પણ નવરાત્રીના પ્રથમ નોરતે માં નવદુર્ગાની આરાધના કરી લોકોએ શીશ જુકાવી આશીર્વાદ લીધા હતાં. જે બાદ ખેલૈયાઓ ગરબાની રમઝટ બોલાવી હતી. રાજુલા શહેરનાં હવેલી ચોક વિસ્તાર, અંબાજી મંદિર, હોસ્પિટલ પટાંગણમાં, પોલીસ લાઇન તેમજ શેરી ગરીબીઓ પણ આકર્ષણનું કેન્દ્ર બની હતી. સાથોસાથ રાજુલા શહેરમાં ગોકુલનગર વિસ્તારમાં જય માતાજી પાર્ટી પ્લોટનું આયોજન કરાયુ છે જેમા ખાસ બહેનોને માટે ગરબા રમવા માટે સુંદર મજાની વ્યવસ્થા કરવામાં આવી છે.
રાજુલા શહેર થી લઇ ગામડા સુધી લોકોએ માતાજીની આરાધના કરી ગરબાની રમઝટ બોલાવી હતી. રાજુલાના અંબાજી મંદિર ખાતે છેલ્લા ધણા વર્ષોથી લોકોના સાથ અને સહકારથી પરંપરા મુજબ નાની બાળાઓ દ્વારા ગરબા રમવામાં આવે છે. અને ભાવી-ભકતો માં અંબાના દર્શન કરી આશીર્વાદ લીધા હતા. બીજીતરફ હવેલી ચોક ખાતે છેલ્લા 100 વર્ષ ઉપરાંતથી અહીં નવરાત્રી મહોત્સવની ઉજવણી કરવામા આવે છે. રાજુલામાં નવરાત્રી મહોત્સવના પ્રથમ નોરતાથી જ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. અને ખેલૈયાઓ હર્ષ અને ઉલ્લાસ સાથે ગરબે રમી જુમી ઉઠયા હતાં. આ સાથે નવરાત્રી મહોત્સવને લઇ રાજુલા પોલીસ દ્વારા પણ સધન પેટ્રોલીંગ હાથ ધરવામાં આવ્યું હતું.