રાજેશ શિલુની ખાતાકીય તપાસમાં કશું જ વળશે નહીં…
શિલુએ પરિવારજનોનાં નામે ચિક્કાર મિલકતો વસાવી હોવાનો પોલીસ ખાતાનાં સૂત્રોનો દાવો…
- Advertisement -
ખેતીની અને બિનખેતી થયેલી કરોડો રૂપિયાની જમીનનો અસલી માલીક કોણ છે- એનાં મૂળ સુધી પહોંચવું જરૂરી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
પડવાનું હોય ત્યારે સઘળું પડે છે. રાજકોટ પોલીસ હેડક્વાર્ટરના હેડ કૉન્સ્ટેબલ રાજેશ શિલુએ જ્યારે મહિલા કર્મચારીને ઉઘરાણાં માટે ફોન કર્યો ત્યારે તેને કદાચ ખ્યાલ નહીં હોય કે, આ એક ફોન કોલ તેને ભયંકર શૂળ આપશે અને ગામ આખ્ખામાં તેને ઉઘાડો કરી નાંખશે. ‘ખાસ-ખબર’એ તેની ઑડિયો ક્લિપ જાહેર કર્યા પછી શિલુનાં એક બાદ એક કૌભાંડ બહાર આવી રહ્યાં છે. અમને મળેલી માહિતી મુજબ તેનાં પરિવારજનોને નામે તેણે દિલથી મિલકતો વસાવી છે. તેમાંની કેટલીક પ્રોપર્ટીની તમામ ડીટેઈલ્સ સૂત્રોએ પૂરી પાડી છે.
- Advertisement -
રાજેશ શિલુનાં પરિવારના નામે ગામે-ગામ મિલકતો છે. વાંકાનેરના લાલપર ગામે રાજેશનાં ભાઈ સુરેશ શિલુની (ખાતા નંબર: 287) ખાતે (સરવે નં. 100/1 તથા 100/1/01) એક ખેતીની તથા એક બિનખેતી જમીન છે. વાંકાનેર (ખાતા નંબર 332 અને સરવે નં. 14) ખાતે ભાગીદારીમાં સુરેશ શિલુ જગ્યા ધરાવે છે. રાજકોટનાં રામપરા બેટી (ખાતા નં. 263, સરવે નં. 110 પૈકી 29) ખાતે સુરેશની બિનખેતીની જમીન છે.
સુરેશ શિલુનાં નામે તો જમીનો છે જ, કહેવાય છે કે, અમૂક જમીનો તેણે પાર્ટનર વિશ્ર્વચંદ્ર જાવિયા, અશ્ર્વિન પોપટ ભાલોડીના પિતા (પોપટ ખોડા, કાન્તિ ખોડા) વગેરેનાં નામે પણ છે. આ જમીનો કેવી રીતે ખરીદવામાં આવે, પૈસાનો સોર્સ શો છે અને રાજેશ શિલુની ભૂમિકા તેમાં કેટલાં અંશે છે તે મુદ્દે જાણકારો એ.સી.બી. અથવા તેનાંથી પણ ઊચ્ચ કક્ષાની એજન્સીની તપાસ માંગી રહ્યાં છે. તેમનો દાવો છે કે, સ્થાનિક સ્તરે તપાસમાં કશું જ નહીં વળે અને આખા પ્રકરણનો વીંટો વાળી દેવામાં આવશે. સૂત્રોનો દાવો છે કે, પોલીસ ડીપાર્ટમેન્ટ જો એન્ટી કરપ્શન બ્યૂરોને આ તપાસ નહીં સોંપે તો આ મામલે હાઈકોર્ટના દ્વાર ખખડાવવામાં આવશે.
ACPનાં કથિત ભ્રષ્ટાચાર વિરૂદ્ધ ACP જ તપાસ કરે એ હાસ્યાસ્પદ
હેડ કૉન્સ્ટેબલ રાજેશ શિલુની ઑડિયો ક્લિપમાં એસીપી પઠાણનો સ્પષ્ટ ઉલ્લેખ છે. તેમ છતાં આ આખા પ્રકરણની તપાસ એક એસીપીને જ સોંપવામાં આવી છે. વાસ્તવમાં આખા મામલાની જાણ એસીપી કરતાં પણ ઊચ્ચ કક્ષાનાં અધિકારીઓને હતી જ. ત્યારે તેમણે પણ આ મામલો દબાવવા માટે પ્રયાસ કર્યાં હતાં. ટૂંકમાં કહીએ તો આ તપાસ દેખાડાથી વિશેષ કશું જ નથી.