કાયમી પાર્ટટાઈમ સફાઈ કામદારોની ભરતીમાં ગેરબંધારણીય નિયમો રદ્દ કરવા મ્યુ.કમિશનરને રજૂઆત
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ મહાનગરપાલિકામાં કાયમી પાર્ટટાઈમ સફાઈ કામદારોની ભરતીમાં માતા-પિતા, દાદા-દાદી અને પાર્ટટાઈમનો ગેરબંધારણીય નિયમ રદ કરી અને સરકારના નિયમ મુજબ ભરતી કરવા રાજકોટ કામદાર યુનિયન દ્વારા મ્યુ. કમિશનરને રજૂઆત કરવામાં આવી છે.
રાજકોટ કામદાર યુનિયન દ્વારા છેલ્લા બે વર્ષથી સફાઈ કામદારોની ભરતીને અંતર્ગત આંદોલન ચલાવી રહ્યા હતા જેમાં તેનો મુખ્ય હેતુ કાયમી સફાઈ કામદારોની ભરતીમાં જેના ઘરની અંદર નોકરી નથી અને જે વિધવા બહેનો છે, ત્યક્તા બહેનો છે, બેરોજગાર યુવક અને યુવતીઓ છે તેઓને નોકરીમાં સમાવવાનો હતો. જેમાં તા. 7-3-2024ના રોજ રાજકોટ મહાનગરપાલિકાના સ્ટે. કમિટીના ચેરમેન જૈમીનભાઈ ઠાકર દ્વારા કોર્પોરેટરો, સાંસદો, ધારાસભ્યો અને શહેર પ્રમુખ અને મંત્રીઓની ઉપસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટીના એક કાર્યક્રમના માધ્યમથી જાહેર મંચ ઉપર કાયમી સફાઈ કામદારોની ભરતી અંગેની જાહેરાત 5000 ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોની વચ્ચે કરવામાં આવી હતી, તે પછી સમગ્ર સમાજમાં દિવાળી જેવો માહોલ થઈ ગયો હતો. કારણ કે 27 વર્ષ પછી ગુજરાતમાં પ્રથમ વખત આ ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો અને 532 લોકોની ભરતી મંજૂર કરવામાં આવી. પરંતુ સફાઈ કામદારોની ભરતીમાં દાદા-દાદી અને માતા-પિતા અને પાર્ટટાઈમવાળો જે ગેરબંધારણીય નિયમ રાખવામાં આવ્યો છે તેનાથી સમાજના ખૂબ જ મોટા વર્ગને નુકસાન થઈ રહ્યું છે.
સ્ટે. કમિટીના ચેરમેન જૈમીનભાઈ ઠાકર આ ઠરાવને વળગી રહી હજારો ગરીબ અને શોષિત લોકો સાથે શું કામ અન્યાય કરી રહ્યા છે? આ બાબતે સ્ટે. કમિટીના ચેરમેન જૈમીનભાઈ ઠાકર ક્યાંક ને ક્યાંક સમગ્ર અનુ. સમાજને અન્યાય કરી રહ્યા હોય તેવુ લાગી રહ્યું છે.
- Advertisement -
રાજકોટ કામદાર યુનિયન દ્વારા મ્યુ. કમિશનરને રજૂઆત કરાઈ છે કે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પાર્ટટાઈમ સફાઈ કામદારોની ભરતીમાં માતા-પિતા, દાદા-દાદીનો નિયમ રદ કરવો, પાર્ટટાઈમ કાયમી સફાઈ કામદારોની ભરતીની જગ્યાએ ફૂલટાઈમ પહેલા પાંચ વર્ષ માટે 21500માં ભરતી કરવી ત્યાર બાદ કાયમી ધોરણે નિમણુંક આપવી, કોન્ટ્રાક્ટમાં કામગીરી કરતા કામદારોને લઘુત્તમ વેતન ચૂકવવામાં આવતું ન હોય તેથી તેની બાકી નીકળતી ડીફરન્સની રકમ કામદારોના બેંક ખાતામાં જમા કરવી, રાજકોટ મહાનગરપાલિકામાં જ્યારથી કોન્ટ્રાક્ટ પ્રથા સીસ્ટમ ચાલુ થઈ છે ત્યારથી લઈ હાલ સુધી મોટાભાગના કોન્ટ્રાક્ટ પ્રથામાં કામ કરતા સફાઈ કામદારોની પીએફ અને બોનસ મળ્યા નથી તે સીધા ખાતામાં જમા કરાવવા અને ઈએસઆઈ કાર્ડ આપવું, પી.એફ. અને બોનસમાં જે અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો દ્વારા કૌભાંડો અને ભ્રષ્ટાચારો થયેલા છે તેના ઉપર ફોજદારી ફરિયાદ કરવા અંગેની રજૂઆત કરવામાં આવી છે.



