વાહનમાલિકો જરૂરી પ્રક્રિયા પૂર્ણ નહીં કરે તો વાહનોની હરાજી થશે
ખાસ-ખબર ન્યૂઝ અમદાવાદ, તા 24
અમદાવાદ શહેરના જુદા જુદા પોલીસ સ્ટેશનોમાં અલગ અલગ ગુન્હાના કામે, ડિટેઇન કરેલા વાહનો, બિનવારસી કબ્જે કરવામાં આવેલ વાહનો ઘણા સમયથી કોઈ માલિક વાહન પરત લેવા માટે આવતા નથી તેમજ છોડાવવા પણ આવતા નથી જેથી પોલીસ સ્ટેશનોમાં વાહનોનો ભરાવો થઈ જાય છે અને બિનઉપયોગી બની જતા હોય છે.
- Advertisement -
અમદાવાદ શહેરના પોલીસ વડા પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્રસિંહ મલિક દ્વારા આવા એકત્રિત થયેલા વાહનોના નિકાલ કરવા માટે ખાસ ઝુંબેશ હાથ ધરવા માટે તમામ થાણા અમાલદારોને સૂચનાઓ કરવામાં આવેલ છે. જે સૂચના આધારે પડતર વાહનોના નિકાલ કરવાની ઝુંબેશના ભાગરૂપે અમદાવાદ શહેર ઇન્ચાર્જ સેક્ટર 02નાં સંયુક્ત પોલીસ કમિશનર નીરજ બડગુજર, ઝોન 06નાં નાયબ પોલીસ કમિશનર રવિ મોહન સૈની તથા જે ડિવિઝનના એસીપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જે ડિવિઝન વિસ્તારના મણિનગર, ઈસનપુર, વટવા, વટવા જીઆઇડીસી પોલીસ સ્ટેશન ખાતે કબ્જે કરવામાં આવેલ વાહનો પરત મેળવવા કાર્યવાહી કરવા માટે જણાવવામાં આવેલ છે. આગામી દિન 10માં ઉપરોક્ત પોલીસ સ્ટેશનમાં કબ્જે કરવામાં આવેલ વાહનો જે તે વાહન માલિક દ્વારા પરત મેળવવા કાયદેસર કાર્યવાહી કરવામાં નહીં આવે તો વાહનોની જાહેર હરાજી કરી નાખવામાં આવશે. ઉપરોક્ત પોલીસ સ્ટેશનમાં કબજે કરવામાં આવેલા વાહનોના માલિકોને પોલીસ સ્ટેશન દ્વારા નોટિસો પણ ઇસ્યુ કરવામાં આવેલ છે જેથી અમદાવાદ શહેર જે ડિવિઝન વિસ્તારના મણિનગર, ઈસનપુર, વટવા, વટવા જીઆઇડીસી પોલીસ સ્ટેશન ખાતે કબ્જે કરવામાં આવેલ વાહનો પરત મેળવવા વાહન માલિકોને કાર્યવાહી કરવા માટે જણાવવામાં આવેલ છે. આ માટે આગામી દિન 10માં કાર્યવાહી કરવામાં નહિ આવે તો જાહેર હરરાજી કરવામાં આવનાર હોવાનું પોલીસની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.



