કસ્ટમ ડયુટીમાં ઘટાડો તથા તહેવારો પૂર્વે સ્ટોક કરવાની મનોવૃતિની અસર
ગત વર્ષની સરખામણીએ ‘ડબલ’આયાત: એપ્રિલથી ઓગસ્ટના પાંચ માસમાં 1,89,920 કરોડનું સોનું ભારતમાં ઠલવાયુ
- Advertisement -
ચાંદીની આયાતમાં પણ એક માસમાં 738.16 ટકાનો વધારો: પાંચ મહિનામાં 16451 કરોડની ચાંદી ઈમ્પોર્ટ થઈ
દશેરા-દિવાળીના તહેવારો પૂર્વે સોનુ ફરી વખત લાઈમલાઈટમાં છે.ઓગસ્ટ મહિનાનાં 84400 કરોડ રૂપિયાના સોનાની આયાત થઈ હતી જે ગત વર્ષનાં ઓગસ્ટમાં 40882 કરોડની સરખામણીએ ડબલ કરતા પણ વધુ હતુ. આયાત જકાત ઘટાડાના તથા આગામી તહેવારોની ડીમાંડ વધવાના આશાવાદથી મોટી આયાત થઈ હતી.
કેન્દ્ર સરકારનાં વાણીજય વિભાગ દ્વારા આયાતનાં સતાવાર આંકડા જારી કરવામાં આવ્યા હતા જે મુજબ ઓગસ્ટમાં 84401.31 કરોડનુ સોનુ આયાત થયુ હતું. તેમાં 106.4 કરોડનો રેકોર્ડબ્રેક વધારો થયો હતો. સરકારે જુલાઈમાં રજુ થયેલા બજેટમાં આયાત જકાત 15 ટકાથી ઘટાડીને 6 ટકા કરી નાખી હતી તેનો સીધો પ્રભાવ પડયો હતો. વાણીજય સચીવ સુનિલ વડઆલે કહ્યું કે સોનાની દાણચોરી રોકવા માટે આયાત જકાતમાં ઘટાડો કરાયો હતો. તહેવારોની સીઝનમાં ખરીદી વધવાનાં આશાવાદથી જવેલર્સોએ સ્ટોક કરવાનું શરૂ કરતાં આયાતમાં વધારો થયો છે.
- Advertisement -
ચાલૂ નાણા વર્ષમાં એપ્રિલથી ઓગસ્ટમાં સોનાની આયાતમાં સરેરાશ 27.1 ટકાની વૃધ્ધિ થઈ છે અને આ દરમ્યાન 1,89,920 કરોડના સોનાની આયાત થઈ છે જે ગત વર્ષનાં આ ગાળામાં 1,49,429 કરોડની હતી. સોના ઉપરાંત ચાંદીની આયાતમાં પણ મોટો વધારો થયો છે. ઓગસ્ટ મહિનામાં ચાંદીની આયાત 11038.65 કરોડની થઈ હતી. જે ઓગસ્ટ 2023 માં માત્ર 1317 કરોડની હતી કુલ 738.16 ટકાનો ધરખમ વધારો થયો છે. એપ્રિલથી ઓગસ્ટના પાંચ મહિનાની કુલ આયાત 433.8 ટકા વધીને 16451 કરોડની રહી છે જે ગત વર્ષે 3082 કરોડની હતી.
ભારતની કુલ આયાતમાં સોનાનો હિસ્સો પાંચ ટકાથી વધુ છે. મુકત વ્યાપાર કરાર હેઠળ યુએઈ જેવા દેશોમાંથી વધતી આયાત સામે ચિંતા વ્યકત કરવામાં આવી રહી છે.કારણ કે હાલ પાંચ ટકા ડયુટીથી આયાત થાય છે. તેમાં બે ટકા પ્લેટીનમ ઉમેરીને આયાત થાય તો આવતા વર્ષમાં ડયુટી ઝીરો થઈ જશે અને પરીણામે સરકારી તિજોરીને આવકનું મોટુ નુકશાન થશે.
ચીનમાંથી આયાતમાં 15.5 ટકાનો મોટો વધારો: નિકાસ 22.44 ટકા ઘટી
ચીનની ચીજોનો બહિષ્કાર કરવાની ચળવળ વચ્ચે આ પાડોશી દેશમાંથી ભારતની આયાતમાં સતત વધારો થઈ રહ્યો છે. જયારે નિકાસમાં ઘટાડો છે.ઓગસ્ટમાં ચીનથી 10.08 અબજ ડોલરની આયાત થઈ હતી. જે 15.55 ટકાનો વધારો સુચવે છે.
બીજી તરફ ભારતમાંથી ચીનમાં નિકાસ 22.44 ટકા ઘટીને એક અબજ ડોલરની રહી ગઈ છે. એપ્રિલથી ઓગસ્ટના પાંચ મહિનામાં ચીનથી આયાત 10.96 ટકા વધીને 46.65 અબજ ડોલર રહી હતી જયારે નિકાસ 8.3 ટકા ઘટીને 5.8 અબજ ડોલરની હતી.