સુપ્રીમ કોર્ટે પણ હાલ પુરતો કોઈ પ્રતિબંધ ન લગાવ્યો, હવેની સુનાવણી પર નજર
અરજીકર્તાના કહેવા પ્રમાણે, રાજ્યમાં મેડિકલ ઈમરજન્સી છે અને રાજ્ય સરકાર લોકોના જીવ સાથે રમી રહી છે
ખાસ-ખબર સંવાદદાતા
સુપ્રીમ કોર્ટે કેરળને રાહત આપી છે. સુપ્રીમ કોર્ટે કેરળમાં બકરીઈદની ઉજવણીને લઈ હાલ પૂરતો કોઈ પ્રતિબંધ નથી લગાવ્યો. સાથે જ કોઈ પણ પ્રકારનો આદેશ પણ નથી આપ્યો. આ કેસમાં આવતીકાલે ફરીથી સુનાવણી થશે. સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે, કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને દરેક રાજ્યએ સજાગ રહેવું જોઈએ. જોકે કોર્ટે કોઈ પણ પ્રકારનો આદેશ નથી આપ્યો. હવે કેરળમાં આજે બકરીઈદને લઈ બજારો ખુલ્લા રહેશે. આ કેસમાં કોર્ટે રાજ્ય સરકારને જવાબ દાખલ કરાવવા આજના દિવસનો સમય આપ્યો છે.
ઉલ્લેખનીય છે કે, કેરળમાં કોરોનાના વધી રહેલા કેસ વચ્ચે રાજ્ય સરકારે બકરીઈદની ઉજવણી માટે 3 દિવસ સુધી કોરોના પ્રતિબંધોમાં ઢીલ આપી હતી. રાજ્ય સરકારે 18થી 20 જુલાઈ સુધી કોરોના પ્રતિબંધોમાં ઢીલ આપી હતી અને 21 જુલાઈના રોજ રાજ્યમાં બકરીઈદ ઉજવવામાં આવશે. રાજ્ય સરકારના આ નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. અરજીકર્તાના કહેવા પ્રમાણે કેરળમાં દરરોજ કોરોનાના 10,000 કેસ નોંધાઈ રહ્યા છે. યુપીમાં 59 કેસ આવી રહ્યા છે. માટે કેરળ સરકારના આદેશ પર પ્રતિબંધ મુકાવો જોઈએ. જો કોર્ટ દ્વારા નોટિસ આપવામાં આવશે અને જવાબની રાહ જોવામાં આવશે તો આ સમય પૂરો થઈ જશે. અરજીકર્તાના કહેવા પ્રમાણે આ ખૂબ ચોંકાવનારી વાત છે કે, રાજ્યમાં મેડિકલ ઈમરજન્સી છે અને રાજ્ય સરકાર લોકોના જીવ સાથે રમી રહી છે. આ ગંભીર પરિસ્થિતિમાં કેરળ સરકાર લોકોની જિંદગી અને તેમના સ્વાસ્થ્ય સાથે રમત રમી રહી છે.