પેટ્રોલમાં 10 અને ડીઝલમાં 6 – 7 રૂપિયાનો ઘટાડો થઈ શકે
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.17
- Advertisement -
ક્રૂડ ઓઈલના ભાવ માર્ચ 2024 થી 20 ટકા ઘટીને બેરલ દીઠ 75 ડોલરની નીચે આવી ગયાં છે. જેનાં કારણે ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થવાની સંભાવ વધી છે. છેલ્લી વખત લોકસભા ચૂંટણી પહેલાં ઈંધણના ભાવમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. એપ્રિલથી વૈશ્વિક ક્રૂડ ઓઈલના ભાવમાં 19 ટકાનો જંગી ઘટાડો નોંધાયો છે. હવે તે 72.48 ડોલર પ્રતિ બેરલ પર છે. ઓગસ્ટ 2021માં, આ કિંમત તેનાં સૌથી નીચા સ્તરે હતી એટલે કે પ્રતિ બેરલ 69.8 ડોલર પર હતી. કોરોનાવાયરસ રોગચાળાને કારણે માર્ચ 2020 માં તે 19.9 ના નીચા સ્તરે આવી ગયાં ત્યારથી કિંમતો વધી છે. માર્ચ 2022 માં 2014 પછી પ્રથમ વખત બેરલ દીઠ કિંમતો 100 ડોલરને વટાવી ગઈ હતી અને જૂન 2022 માં બેરલ દીઠ 116 ડોલરની સપાટીએ પહોંચી હતી, પરંતુ વર્ષ 2023 ના અંત સુધીમાં ભાવ ઘટીને 80 ડોલર પ્રતિ બેરલ થઈ ગયાં હતાં.
ગયાં વર્ષમાં સપ્ટેમ્બરમાં ભાવ બેરલ દીઠ 90 ડોલરને પાર કરી ગયાં હતાં, પરંતુ મોટાભાગે તે બેરલ દીઠ 81-84 ડોલરની રેન્જમાં હતાં. વિશ્વના સૌથી મોટા તેલ આયાતકાર ચીનની માંગમાં ઘટાડો થવાને કારણે વૈશ્વિક ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડો થયો છે. ગયાં મંગળવારે તેનાં માસિક અહેવાલમાં, ઓપીઈસી એ ચાલુ વર્ષ માટે તેની વૈશ્વિક તેલ માંગ અનુમાનને 2.11 મિલિયન બેરલ પ્રતિ દિવસથી ઘટાડીને 2.03 મિલિયન બેરલ પ્રતિ દિવસ કર્યુ છે.
ભૌગોલિક રાજકીય તણાવની પણ કિંમતો પર મોટી અસર પડે છે, પરંતુ વધેલાં તણાવની મોટાભાગની આશંકા પાયાવિહોણી છે. પેટ્રોલિયમ સચિવ પંકજ જૈને કહ્યું છે કે જો વૈશ્વિક ક્રૂડ ઓઈલના ભાવ લાંબા સમય સુધી નીચા રહેશે તો ઓઈલ કંપનીઓ રિટેલ ભાવમાં ઘટાડો કરવા પર વિચાર કરશે. સામાન્ય રીતે વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઈલની નીચી કિંમતો અને કોઈપણ આગામી ચૂંટણીને કારણે કિંમતોમાં ઘટાડો કરવામાં આવ્યો છે.
આગામી 20 દિવસમાં હરિયાણા અને જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. ત્યારબાદ વર્ષના અંતમાં મહારાષ્ટ્ર અને ઝારખંડમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. આ સ્થિતિમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થવાની આશા વધી ગઈ છે. નિષ્ણાતોનું કહેવું છે કે પેટ્રોલમાં 10 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલમાં 6-7 રૂપિયા પ્રતિ લીટરનો ઘટાડો થઈ શકે છે. આ ઘટાડાથી 58 લાખથી વધુ ડીઝલ વાહનો,અને પેટ્રોલની છ કરોડ કાર અને 27 કરોડ ટુ-વ્હીલરના ખર્ચમાં ઘટાડો થશે. સસ્તું ડીઝલ પરિવહન અને લોજિસ્ટિક્સ ખર્ચ ઘટાડશે, જેનાથી ફુગાવો ઘટે છે, કારણ કે મોટા ભાગના માલનું પરિવહન માર્ગ દ્વારા થાય છે. કાર અને ટુ-વ્હીલર યુઝર્સની બચત પણ થશે. કાચાં તેલના નીચા ભાવથી ભારતની ખાધ પર સાનુકૂળ અસર પડશે કારણ કે દેશ 85 ટકાથી વધુ ક્રૂડ ઓઈલની આયાત કરે છે.



