અંતર યાત્રાનો આરંભ કરનારા અથવા તો એનો વિકાસ કરી શકનારા સાધકોને માટે એમણે પરમ સત્તાના અનુસંધાન માટે એક કેન્દ્ર નક્કી કરવું. એ કેન્દ્ર મંત્ર હોઇ શકે, શ્વાસ પણ હોઈ શકે, અંતરમાં ઓમકાર કે સહસ્રાર પણ હોઈ શકે, મસ્તકની ટોચ પર હજાર પાંખડી વાળું, સૂક્ષ્મ શરીરમાં રહેલું કમળ જેને સહસ્રાર કહે છે. શ્વાસ, મંત્ર, ઓમકાર કોઈ પણ એક લક્ષ્ય, એક કેન્દ્ર નક્કી કરીને ચોવીસ કલાક દરમ્યાન દિવસ અને રાત જ્યારે પણ સાધકને સમય મળે એણે પોતાની સત્તા એ કેન્દ્ર પર લાવી દેવી જોઈએ. આવી રીતે થોડા થોડા કરતા એની અંતરયાત્રા તીવ્ર ગતિ પકડશે. આ એક ખૂબ રહસ્યમય પ્રક્રિયા છે. કોઈ વ્યક્તિ વિચારે કે હું છ કલાક ધ્યાન ધરીશ, આઠ કલાક ધ્યાન ધરીશ એ જીવાતાં જીવનમાં એટલું બધું વ્યવહારિક નથી પરંતુ આ ખૂબ સરળ છે.
થોડું થોડું કરતા ઘણું થઈ જાય છે. મચ્છંદર ગોરખને કહે છે, “હસીબો, ખેલીબો, ધરીબો ધ્યાન. અહર્નિશ કથીબો બ્રહ્મજ્ઞાન”. સાંસારિક પ્રવૃત્તિઓ, જવાબદારીઓ નિભાવતા નિભાવતા એક મિનિટ પણ મળે તો આપણે શ્વાસ પર આવી જઈએ, મંત્ર પર આવી જઈએ, ઓમકાર પર આવી જઈએ. આ અભ્યાસ સતત કરવાથી એ વધતો જાય છે, વિસ્તરતો જાય છે અને અંતે સમગ્ર જીવનમાં વ્યાપ્ત થઈ સાધકને પરમ સત્ય સાથે એક રૂપ કરી દે છે. શિવ કૃપાનો આ અદ્ભૂત જાદુઈ ચમત્કાર છે.