અગાઉ પુરવઠા વિભાગે ડિસ્કો તેલના નમૂના લીધા પણ કાર્યવાહી અધ્ધરતાલ
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.9
રાજ્યમાં નક્લીની ભરમાર સામે આવી રહી છે જેમાં અધિકારીઓથી લઈને સ્કૂલ અને સરકારી કચેરી પણ નકલી હોવાનું સામે આવ્યું છે તેવામાં દરેક મધ્યમ પરિવારને નુકશાન કરતી ખાધ પદાર્થની ચીજ વસ્તુમાં ભેળસેળની વાત તો જગ જાહેર છે પરંતુ હવે તેલ પણ નકલી શરૂ થયું હોવાનું સામે આવે છે જેમાં સુરેન્દ્રનગર જિલ્લાની જીઆઇડીસી ખાતે અગાઉ નકલી તેલ બનાવવાની આખુંય કારખાનું ઝડપાયું હતું આ નકલી તેલનું કારખાનું ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે નહિ પરંતુ એલ.સી.બી દ્વારા ઝડપી લેવાતું હતું જોકે બાદમાં એલ.સી.બીનું વિસર્જન પણ કરી નાખવામાં આવ્યું હતું પરંતુ જિલ્લાના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની નિષ્ક્રિયતા એલ.સી.બી દ્વારા તે સમયે છતી કરી હતી. જે બાદ હજુય વઢવાણ જીઆઇડીસીમાં ડમી તેલનો કારોબાર અટક્યો નથી. કહેવાય છે કે મોટી રાજકીય લાગવગ ધરાવતા વેપારી અહી આખુંય ડમી તેલનું માર્કેટિંગ કરે છે જેમાં કારખાનામાં ડમી તેલનું ઉત્પાદન કરી જે જોઈએ અને જેટલું જોઈએ તે બ્રાન્ડના તેલના ડબ્બા હોલસેલ ભાવે નાના વેપારીઓને મળી જાય છે.
- Advertisement -
વઢવાણ જીઆઈડીસી ખાતેથી નિર્માણ પામેલ ડમી તેલનો જથ્થો સુરેન્દ્રનગરની મુખ્ય માર્કેટમાં ઉતરે છે અને ત્યાંથી ગ્રામ્ય અને શહેરી વિસ્તારના કિરણ સ્ટોર સુધી ઓર્ડર મુજબ ડબ્બા પહોચે છે. જ્યારે જીઆઇડીસીમાં ડમી તેલનું ઉત્પાદન કરતા પ્રતિ તેલનો ડબ્બો આશરે 800થી 1000 રૂપિયામાં મુખ્ય માર્કેટ હોલસેલરને મળે છે જ્યાંથી તેઓ નાના વેપારીઓને 1200થી 1300 રૂપિયામાં આપે છે અને નાના વેપારીઓ 1600 રૂપિયા આસપાસ ગ્રાહકોને પધરાવે છે. આ ડમી તેલની સાથે અન્ય એક “રગડા” તેલ પણ બજારમાં વેચાણ થાય છે જેમાં ડમી તેલ તૈયાર થયા બાદ પાછળ વધેલા ઘાટા તેલને પાણીપુરી (પકોડી) તળવા માટે ઉપયોગ કરતા પરપ્રાંતીય 500 રૂપિયા પ્રતિ ડબ્બાના ભાવથી ખરીદે છે. જ્યારે ડમી તેલના કારોબાર બાબતે અગાઉ અહેવાલ પ્રસિદ્ધ થતા જ જિલ્લાનું ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ ઘોર નિંદ્રામાં હોવાનું સામે આવ્યું હતું અને જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા વઢવાણ જીઆઇડીસીમાં દરોડો કરી પાંચેક તેલની દુકાન અને કારખાનામાંથી તેલના નમૂના લીધા હતા પરંતુ બાદમાં કોઈ નક્કર કાર્યવાહી થઈ નથી જેથી તપાસ પણ આટોપી લેવાઈ હોવાનું સામે આવ્યું હતું જ્યારે ડમી તેલની તપાસ પ્રકરણ બે દિવસ ચાલી હોવાની સાથે જ એક જિલ્લા પુરવઠા શાખાના અધિકારીની શંકાસ્પદ ભૂમિકાને લીધે તેઓને તાત્કાલિક અન્ય શાખામાં બદલી કરાઈ હોવાની પણ વિગત સામે આવી હતી. જેથી સ્પષ્ટ રીતે જિલ્લામાં ચાલતા ડમી તેલના કારોબારમાં પુરવઠા વિભાગ અથવા તો ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ધૃતરાષ્ટ્રની નીતિ જ ડમી તેલ વેચાણનું પ્રોત્સાહન પૂરું પાડતા હોવાનું ફલિત થાય છે.