છેલ્લાં ત્રણ જનરલ બોર્ડમાં લોકોના પ્રાથમિક સુવિધાના પ્રશ્ર્નોની ચર્ચા જ નથી કરાતી
સુંદર 50 શહેરોની યાદીમાં સ્થાન ન પામેલા રાજકોટની સ્વચ્છતાને સ્પર્શતો વિપક્ષી કોર્પોરેટર કોમલ ભારાઈનો પ્રશ્ર્ન કચરા ટોપલીમાં
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ મહાનગરપાલિકામાં દર બે મહિને મળતા જનરલ બોર્ડમાં લોકોને સ્પર્શતા પ્રશ્ર્નોની ચર્ચા કરવામાં આવે છે પરંતુ છેલ્લાં ત્રણ જનરલ બોર્ડમાં પીવાના પાણી, રોડ-રસ્તા, કોરોના જેવી મહામારીને પહોંચી વળવા આરોગ્ય સુવિધા, વેક્સિનેશન, સ્વચ્છતા વગેરે સહિતના પ્રશ્ર્નોની ચર્ચા જ નથી કરાતી. આજે મળેલા જનરલ બોર્ડમાં શહેરની વસ્તીના દોઢ ટકા લોકો જેમાં રસ દાખવે છે તે લાઈબ્રેરીના મુદ્દાને હાઈ વોલ્ટેજ બનાવી 59 મિનિટ સુધી ચર્ચા કરી જનરલ બોર્ડનો સમય વેડફી નાખ્યો હતો. સુંદર 50 શહેરોની યાદીમાં સ્થાન ન પામેલા રાજકોટની સ્વચ્છતાને સ્પર્શતા વિપક્ષી કોર્પોરેટર કોમલ ભારાઈના પ્રશ્ર્નને કચરા ટોપલીમાં નાખી દીધો હતો. કુલ 16 નગરસેવકોએ મોકલેલા 34 પ્રશ્ર્નોમાંથી માત્ર 1 જ પ્રશ્ર્નની ચર્ચા કરી આ જનરલ બોર્ડ પૂર્ણ કર્યું હતું.
- Advertisement -
મનપાના જનરલ બોર્ડમાં 1 કલાકની પ્રશ્ર્નોત્તરી કાળ રહે છે જેમાં ભાજપના કોર્પોરેટર દેવાંગ માંકડે પ્રથમ પ્રશ્ર્ન જ લાઈબ્રેરી અંગેનો પૂછયો હતો અને તેના જવાબમાં અધિકારીઓએ લાઈબ્રેરીનો વિસ્તૃત ઈતિહાસ આપી 59 મિનિટનો સમય વેડફી નાખ્યો હતો. નવાઈની વાત તો એ છે કે વિરોધ પક્ષના 4 કોર્પોરેટરો વિરોધ નોંધાવવાને બદલે શાંતિથી આ તમાશો જોઈ રહ્યા હતા. આ બોર્ડમાં ભાજપના 12 નગરસેવકોએ રૂફટોક સોલાર, હોકર્સ ઝોન, ઢોર ઉપાડવા, વોંકળાની સફાઈ, ટી.પી. સ્કીમને મંજૂરી, મેલેરિયા વિભાગની કામગીરી સહિતના 24 અને કોંગીના 4 નગરસેવકોએ કોરોનામાં મૃત્યુ પામેલાની યાદી, વેક્સિનેશન, ટીપર વાનની સંખ્યા સહિતના 10 પ્રશ્ર્નો મળી કુલ 16 નગરસેવકોએ 34 પ્રશ્ર્નો બોર્ડ સમક્ષ મૂક્યા હતા જેમાં રાષ્ટ્રલેવલે શરૂ થયેલી પ્રથમ એવી હરતી-ફરતી લાઈબ્રેરી ચર્ચામાંથી શહેરની અન્ય લાઈબ્રેરીની ચર્ચાઓ કરી જનરલ બોર્ડનો સમય વેડફી નાખ્યો હતો. જ્યારે છેલ્લી 1 મિનિટ બાકી રહી હતી ત્યારે વિરોધ પક્ષના નગરસેવકોએ વિરોધ દર્શાવી જનરલ બોર્ડની 1 કલાકની સમય મર્યાદા વધારવા માટેની માંગ કરી હતી.
72માંથી 30 ટકા નગરસેવકો લાઈબ્રેરીના સભ્ય નથી
ત્રીજી વેવને પહોંચી વળવાનું માઈક્રો પ્લાનિંગ કરવું, ટ્રાફિક સમસ્યા, પીવાના પાણીનો પ્રશ્ર્ન, રોડ-રસ્તા વગેરે સહિતના પ્રાથમિક પ્રશ્ર્નોની અવગણના કરી 72 નગરસેવકોએ જનરલ બોર્ડમાં જે લાઈબ્રેરીના મુદ્દાની ચર્ચા ઉપર 59 મિનિટ વેડફી તેના ઈતિહાસથી વાકેફ કરાવી ડીંડક કર્યા હતા. જનરલ બોર્ડમાં બેઠેલા 72માંથી 30 ટકા નગરસેવકો લાઈબ્રેરીના સભ્ય નથી અને તેવા પ્રશ્ર્નોની ચર્ચા ઉપર બોર્ડ પૂરું કરી નાખ્યું હતું.
ત્રીજી વેવને પહોંચી વળવાનું માઈક્રો પ્લાનિંગ કરવું, ટ્રાફિક સમસ્યા, પીવાના પાણીનો પ્રશ્ર્ન, રોડ-રસ્તા વગેરે સહિતના પ્રાથમિક પ્રશ્ર્નોની અવગણના કરી 72 નગરસેવકોએ જનરલ બોર્ડમાં જે લાઈબ્રેરીના મુદ્દાની ચર્ચા ઉપર 59 મિનિટ વેડફી તેના ઈતિહાસથી વાકેફ કરાવી ડીંડક કર્યા હતા. જનરલ બોર્ડમાં બેઠેલા 72માંથી 30 ટકા નગરસેવકો લાઈબ્રેરીના સભ્ય નથી અને તેવા પ્રશ્ર્નોની ચર્ચા ઉપર બોર્ડ પૂરું કરી નાખ્યું હતું.